Home National Delhi Judge Aman Kumar Sharma Case Investigation

દિલ્હીમાં જજનો સંદિગ્ધ હાલતમાં મળ્યો મૃતદેહ : પરિવારના ગંભીર આક્ષેપોથી ચર્ચા તેજ

અમન કુમાર શર્મા
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: May 03, 2026, 07:42 AM IST

દિલ્હીના ન્યાયિક વર્તુળોમાં શનિવારે ચકચાર મચી ગઈ હતી જ્યારે દિલ્હી જ્યુડિશિયલ સર્વિસ સાથે જોડાયેલા યુવા ન્યાયાધીશ અમન કુમાર શર્મા તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. દક્ષિણ દિલ્હીના સફદરજંગ-ગ્રીન પાર્ક વિસ્તારમાં આવેલા તેમના ઘરમાં બાથરૂમમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા પ્રાથમિક રીતે આત્મહત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

મૃતક અમન કુમાર શર્મા આશરે 30 વર્ષના હતા અને તેઓ કડકડડૂમા કોર્ટમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA)ના સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. પોલીસ અનુસાર, ઘટનાની જાણ PCR કોલ મારફતે સફદરજંગ એન્ક્લેવ પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

પરિવાર દ્વારા વૈવાહિક તણાવ અને માનસિક હેરાનગતિના આક્ષેપ

આ કેસમાં હવે પરિવાર દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોને કારણે મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. મૃતકના પરિવારજનોનો દાવો છે કે અમન કુમાર શર્મા છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં હતા અને તેમના વૈવાહિક જીવનમાં ગંભીર મતભેદો ચાલી રહ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ, પત્ની અને તેમની બહેન તરફથી સતત દબાણ અને હેરાનગતિ થતી હોવાના કારણે તેઓ તણાવમાં રહેતા હતા.

કેટલાક અહેવાલોમાં એવો પણ ઉલ્લેખ થયો છે કે ઘટનાના થોડા સમય પહેલાં અમન કુમાર શર્માએ પોતાના પિતાને ફોન કરીને માનસિક તણાવ અને જીવન પ્રત્યેની નિરાશાની વાત કરી હતી. પરિવારનો દાવો છે કે ઘરેલું વિવાદ સતત વધતો જતો હતો. જોકે, પોલીસ દ્વારા હાલ સુધી આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી અને તપાસ ચાલુ હોવાનું જણાવાયું છે.

આ પણ વાંચો: લગ્નની ખુશી વચ્ચે ગોળીબાર : ફૂલોથી સજાવેલી કારમાં જ વરરાજાની હત્યા

2021 માં દિલ્હી જ્યુડિશિયલ સર્વિસમાં જોડાયા હતા

મળતી માહિતી મુજબ, અમન કુમાર શર્મા વર્ષ 2021 માં દિલ્હી જ્યુડિશિયલ સર્વિસ સાથે જોડાયા હતા અને ટૂંકા સમયમાં જ તેમની ઓળખ એક પ્રતિભાશાળી યુવા ન્યાયિક અધિકારી તરીકે ઉભરી આવી હતી. તેમની અચાનક થયેલી મૃત્યુની ઘટનાએ કાનૂની અને ન્યાયિક ક્ષેત્રમાં પણ શોકની લાગણી ફેલાવી છે.

અહેવાલો મુજબ, તેઓએ કાયદાકીય અભ્યાસ માટે પુણેમાં શિક્ષણ મેળવ્યું હતું અને ત્યારબાદ ન્યાયિક સેવામાં પ્રવેશ કર્યો હતો. હાલમાં સોશિયલ મીડિયા અને કાનૂની વર્તુળોમાં પણ આ ઘટના અંગે ભારે ચર્ચા ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now