દેશની રાજધાની દિલ્હી ફરી એકવાર આતંકી ખતરના કારણે હાઇ અલર્ટ પર આવી ગઈ છે. ગુપ્તચર એજન્સીઓને મળેલા ઇનપુટ બાદ દિલ્હી પોલીસ, સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય સુરક્ષા દળોએ રાજધાનીના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દીધી છે. ખાસ કરીને BJP હેડક્વાર્ટર અને મહત્વપૂર્ણ સરકારી કચેરીઓની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
દિલ્હીમાં સંભવિત આતંકી હુમલાની ચેતવણી બાદ સમગ્ર સુરક્ષા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકી સંગઠનો દ્વારા રાજધાનીના વ્યસ્ત વિસ્તારો અને મહત્ત્વના સરકારી કેન્દ્રોને નિશાન બનાવવાની યોજના હોવાની માહિતી સુરક્ષા એજન્સીઓને મળી છે. આ ઇનપુટને ગંભીરતાથી લઈને દિલ્હી પોલીસ દ્વારા શહેરભરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ છે.
ખાસ કરીને દિન દયાલ ઉપાધ્યાય માર્ગ પર આવેલા ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય અને આસપાસના સરકારી દફ્તરોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અહીં વધારાના સશસ્ત્ર પોલીસ જવાનો તૈનાત કરાયા છે, વાહનોની કડક તપાસ શરૂ કરવામાં આવી છે અને પ્રવેશ-નિકાસના માર્ગો પર બેરિકેડિંગ મજબૂત બનાવાઈ છે.
આત્મઘાતી હુમલા સહિત અનેક ખતરાની આશંકા
સૂત્રો અનુસાર ગુપ્તચર એજન્સીઓને મળેલા ઇનપુટમાં સંકેત આપવામાં આવ્યા છે કે આતંકીઓ કેન્દ્રિય દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારો, રાજકીય કચેરીઓ અને સરકારી સંસ્થાઓને નિશાન બનાવી શકે છે. સંભવિત હુમલામાં આત્મઘાતી હુમલો, વાહન આધારિત IED બ્લાસ્ટ, ગોળીબાર અથવા સંકલિત હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ માહિતી બાદ સુરક્ષા એજન્સીઓએ કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવાનો નિર્ણય લીધો છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
સંવેદનશીલ વિસ્તારોમાં એન્ટી-સબોટેજ ચેકિંગ
દિલ્હીના મહત્વપૂર્ણ સરકારી મકાનો, રાજકીય ઓફિસો, બજારો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને મેટ્રો સ્ટેશનો સહિતના ભીડભાડવાળા વિસ્તારોમાં એન્ટી-સબોટેજ ચેકિંગ અભિયાન શરૂ કરાયું છે.
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સ્નિફર ડોગ યુનિટ અને ક્વિક રિએક્શન ટીમોને ખાસ એલર્ટ પર રાખવામાં આવી છે. દિલ્હી ફાયર સર્વિસને પણ ઇમરજન્સી સ્થિતિ માટે તૈયાર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
પોલીસને ખાસ કરીને લાવારિસ વસ્તુઓ, લાંબા સમયથી ઉભેલા વાહનો અને શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે. અનેક વિસ્તારોમાં રેન્ડમ ચેકિંગ અને વેરિફિકેશન ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવી છે.
તમામ જિલ્લા પોલીસ એકમોને ખાસ સૂચનાઓ
દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સતત સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. તમામ જિલ્લા પોલીસ એકમોને કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને ગુપ્તચર એજન્સીઓ સાથે સંકલન જાળવીને કામ કરવાની સૂચના આપવામાં આવી છે.
કાયદો અને વ્યવસ્થા માટે સંવેદનશીલ માનાતા વિસ્તારોમાં વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે ભાડૂઆતો અને શંકાસ્પદ લોકોની ઓળખ માટે ચેકિંગ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.
સુરક્ષા એજન્સીઓ ખાસ કરીને એવા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે અથવા જ્યાં VIP હલચલ વધુ રહે છે.
ISI સાથે જોડાયેલા આતંકી મોડ્યૂલનો તાજેતરમાં થયો હતો ભંડાફોડ
તાજેતરમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે જોડાયેલા એક આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આ ગેંગ દિલ્હીમાં ટાર્ગેટ કિલિંગ અને મોટા હુમલાની યોજના બનાવી રહ્યો હતો. આરોપીઓએ રાજધાનીના અનેક મહત્વપૂર્ણ સ્થળો અને એક પ્રસિદ્ધ મંદિરની રેકી કરીને તેના વીડિયો પોતાના હેન્ડલર્સને મોકલ્યા હતા.
એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે સુરક્ષા દળોને પણ નિશાન બનાવવાની તૈયારી ચાલી રહી હતી. આ કેસ બાદથી દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.
લાલ કિલ્લા બ્લાસ્ટ કેસ બાદ વધેલી ચિંતા
10 નવેમ્બર 2025ના રોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક કાર બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી, જેમાં 12 લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ રાજધાનીની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.
પ્રારંભિક તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે હાથ ધરી હતી, પરંતુ બાદમાં કેસ NIAને સોંપવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકી નેટવર્ક, ડોક્ટરોના મોડ્યૂલ અને સરહદ પારના કનેક્શન અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી હતી.
NIA સતત આ હુમલા પાછળના નેટવર્ક અને સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ કેસ બાદથી રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.





