દિલ્લી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે પ્રચાર પ્રસાર, આક્ષેપ પ્રતિઆક્ષેપ જોરશોરથી ચાલી રહ્યાં છે. રોજ નવા વિવાદ..રોજ નવી ચર્ચા.. રોજ નવા વચનો આપવામાં આવી રહ્યાં છે. તેવામાં હવે અરવિંદ કેજરીવાલે એક એવુ નિવેદન આપ્યું જે ચર્ચાનું કારણ બની ગયું છે. કેજરીવાલે કહ્યું કે હું વાણિયો છું. કલ્યાણકારી યોજનાઓ માટે ભંડોળની વ્યવસ્થા કેવી રીતે કરવી તે જાણે છે. કેજરીવાલે પાલમ, મટિયાલા અને બિજવાસનમાં યોજાયેલી જાહેર સભાઓમાં ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કરતાં તેમની પાર્ટીના શાસન અને મોડલની પ્રશંસા કરી હતી.
કેજરીવાલે કહ્યું, "જ્યારે લોકો પૂછે છે કે પૈસા ક્યાંથી આવશે, તો હું કહું છું કે હું એક વાણિયો છું અને રૂપિયા મેનેજ કરી લઈશ. કેજરીવાલે એવો પણ દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટી (AAP) ગરીબોની પાર્ટી છે જ્યારે ભાજપ અમીરોની પાર્ટી છે. આ સાથે તેમણે દિલ્હીમાં મફત વીજળી, પાણી, શિક્ષણ અને આરોગ્ય સેવાઓના વચન પર ભાર મૂક્યો હતો.
ભાજપ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું
કેજરીવાલે પાલમમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પર નિશાન સાધતા કહ્યું કે ભાજપે જાહેરાત કરી છે કે તે સરકારી શાળાઓ, મફત વીજળી અને બસ મુસાફરી જેવી સુવિધાઓ બંધ કરશે. તેમણે એમ પણ કહ્યું કે, "તમારે નક્કી કરવાનું છે કે શું તમે શાળાઓનું નિર્માણ કરતી AAP ઈચ્છો છો કે ભાજપ જે તેમને બંધ કરવા માગે છે." મટિયાલા અને બિજવાસનમાં પણ કેજરીવાલે એ જ વાતોનું પુનરાવર્તન કર્યું અને ભાજપ પર મહિલાઓ માટે મફત બસ મુસાફરી અને વીજળી ખતમ કરવાનો આરોપ લગાવ્યો.
દિલ્લીની ચૂંટણીનો માહોલ ગરમાયો છે
દિલ્લીમાં 5 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને 8 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. આમ આદમી પાર્ટી ફરી સત્તામાં આવવાની કોશિશ કરી રહી છે જ્યારે ભાજપ 25 વર્ષ બાદ ફરી સત્તામાં આવવાના સપના જોઈ રહી છે. આ ચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે અને ચૂંટણી પ્રચારમાં કોઈ કસર બાકી રાખી નથી.





