How Data Leaks Happen : આજના ડિજિટલ યુગમાં ડેટા કોઈપણ વ્યક્તિ, કંપની અથવા સરકાર માટે સૌથી મૂલ્યવાન સંપત્તિ બની ગયો છે. બેંકિંગ વ્યવહારો, આરોગ્ય સંબંધિત માહિતી, ઓળખપત્રો, સરકારી દસ્તાવેજો અને વ્યવસાયિક રહસ્યો જેવી સંવેદનશીલ વિગતો હવે મોટા ભાગે ડિજિટલ માધ્યમોમાં સંગ્રહિત થાય છે. પરંતુ ટેક્નોલોજી જેટલી ઝડપથી આગળ વધી રહી છે, એટલી જ ઝડપથી સાયબર જોખમો પણ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સતત સામે આવી રહેલા ડેટા લીકના બનાવોએ સામાન્ય લોકોમાં પણ ચિંતા વધારી છે. તાજેતરના એક રિપોર્ટ મુજબ ભારતની સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) તથા સૈન્ય સાથે જોડાયેલા કથિત સંવેદનશીલ ડેટા ડાર્ક વેબ પર વેચાણ માટે ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં આશરે 31GB ડેટા છેલ્લા બે અઠવાડિયાથી ઉપલબ્ધ હોવાનું જણાવાયું હતું. જોકે DRDOએ આ દાવાની સત્યતા અંગે તપાસ શરૂ કરવાની વાત કહી છે અને આ માહિતીની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ પહેલાં બેંક ઓફ બરોડા સાથે જોડાયેલા ગ્રાહકોના ડેટા તેમજ એપલના સપ્લાયર ટાટા ઇલેક્ટ્રોનિક્સના ડેટા સંબંધિત ઘટનાઓ પણ ચર્ચામાં રહી હતી. આવા કિસ્સાઓએ એક મહત્વનો પ્રશ્ન ઊભો કર્યો છે કે આખરે ડેટા લીક કેવી રીતે થાય છે?
ડેટા લીક એટલે શું?
ડેટા લીક એટલે એવી પરિસ્થિતિ જ્યારે કોઈ સંવેદનશીલ અથવા ગુપ્ત માહિતી અનધિકૃત વ્યક્તિઓ સુધી પહોંચી જાય અથવા જાહેરમાં ખુલ્લી પડી જાય. આવું ઇરાદાપૂર્વક પણ થઈ શકે છે અને ઘણી વખત બેદરકારી અથવા ટેક્નિકલ ખામીના કારણે પણ બને છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કંપનીના ક્લાઉડ સર્વરમાં સુરક્ષાની ખામી રહી જાય અથવા કોઈ કર્મચારી ભૂલથી ગુપ્ત દસ્તાવેજ ખોટા ઇમેઇલ સરનામે મોકલી દે, તો તે ડેટા લીક ગણાય. એકવાર માહિતી બહાર આવી જાય પછી તેનો ઉપયોગ છેતરપિંડી, ઓળખ ચોરી, નાણાકીય ગુનાઓ અથવા અન્ય સાયબર હુમલાઓ માટે થઈ શકે છે.
ડેટા લીક અને ડેટા બ્રીચમાં શું તફાવત?
ઘણા લોકો ડેટા લીક અને ડેટા બ્રીચને એક જ બાબત માને છે, પરંતુ સાયબર સુરક્ષાના દૃષ્ટિકોણથી બંને અલગ છે. ડેટા લીક સામાન્ય રીતે માનવ ભૂલ, ખોટી સિસ્ટમ કોન્ફિગરેશન અથવા સુરક્ષાની નબળાઈને કારણે થાય છે, જેમાં માહિતી અજાણતા બહાર આવી જાય છે. બીજી તરફ, ડેટા બ્રીચ એ હેકર્સ દ્વારા ઇરાદાપૂર્વક કરવામાં આવતો સાયબર હુમલો છે, જેમાં સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને ડેટાની ચોરી કરવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં ડેટા લીક પછી જ ડેટા બ્રીચની ઘટના બને છે. જો લીક થયેલી માહિતી હેકર્સના હાથમાં પહોંચી જાય, તો તે પછી વધુ મોટા હુમલા, આર્થિક નુકસાન અને કંપનીની પ્રતિષ્ઠાને ભારે ફટકો પડી શકે છે.
આ પણ ખાસ વાંચો : Appleએ ફરી મેળવ્યો વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીનો તાજ : Nvidiaને પાછળ છોડીને ફરી નંબર-1 બન્યું
ડેટા લીક થવાના મુખ્ય કારણો
ડેટા લીક પાછળ સૌથી મોટું કારણ માનવ ભૂલ ગણાય છે. કર્મચારીઓ દ્વારા ખોટા વ્યક્તિને ઇમેઇલ મોકલી દેવી, સંવેદનશીલ દસ્તાવેજ અસુરક્ષિત રીતે શેર કરવો, નબળા પાસવર્ડનો ઉપયોગ કરવો અથવા લેપટોપ અને મોબાઇલ જેવા ઉપકરણોને અનલૉક સ્થિતિમાં છોડી દેવા જેવી નાની બેદરકારીઓ ગંભીર પરિણામો લાવી શકે છે. વર્ષ 2021માં અમેરિકાના ડલાસ શહેરમાં એક કર્મચારીની ભૂલને કારણે લગભગ 23TB જેટલો ડેટા એક્સપોઝ થયો હતો. આ ઘટના દર્શાવે છે કે એક નાની માનવ ભૂલ પણ મોટા પાયે નુકસાનનું કારણ બની શકે છે.
ફિશિંગ હુમલા સૌથી મોટો ખતરો
સાયબર ગુનેગારો આજે સૌથી વધુ ફિશિંગ પદ્ધતિનો ઉપયોગ કરે છે. તેમાં બેંક, સરકારી વિભાગ અથવા જાણીતી કંપનીના નામે નકલી ઇમેઇલ અથવા મેસેજ મોકલવામાં આવે છે. આ સંદેશામાં આપેલી લિંક પર ક્લિક કરતા જ વપરાશકર્તાની લોગિન માહિતી, બેંકિંગ વિગતો અથવા અન્ય વ્યક્તિગત માહિતી હેકર્સ સુધી પહોંચી શકે છે. એકવાર લોગિન ક્રેડેન્શિયલ્સ ચોરાઈ જાય પછી હેકર્સ તેનો ઉપયોગ કરીને કંપનીના સમગ્ર નેટવર્કમાં પ્રવેશ મેળવી શકે છે અને વધુ મોટો સાયબર હુમલો કરી શકે છે.
ઇનસાઇડર થ્રેટ પણ એટલો જ ગંભીર
ડેટા લીક માટે હંમેશા બહારના હેકર્સ જ જવાબદાર હોય એવું નથી. ઘણી વખત કંપનીની અંદર કામ કરતા કર્મચારીઓ પણ લાલચ, વ્યક્તિગત સ્વાર્થ, બદલો અથવા બેદરકારીના કારણે સંવેદનશીલ માહિતી બહાર પહોંચાડે છે. વર્ષ 2021માં એક કાયદાકીય ફર્મમાં કામ કરતા ચાર વકીલોએ પોતાની જ કંપનીની ગુપ્ત ફાઇલો હરીફ સંસ્થાને પહોંચાડી હતી. આવા બનાવો દર્શાવે છે કે આંતરિક સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી બાહ્ય સુરક્ષા.
આ પણ ખાસ વાંચો : USB 2.0 કે USB 3.0? : ખરીદતા પહેલાં આ તફાવત જાણો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ટેક્નિકલ ખામીઓ પણ વધારી રહી છે જોખમ
જૂના સોફ્ટવેર, સમયસર અપડેટ ન થયેલી સિસ્ટમો, નબળા ઓથેન્ટિકેશન પ્રોટોકોલ અને ખોટી રીતે ગોઠવાયેલા API પણ ડેટા લીકના મોટા કારણોમાં સામેલ છે. આજના સમયમાં મોટાભાગની કંપનીઓ ક્લાઉડ સર્વિસ અને માઇક્રોસર્વિસિસ આર્કિટેક્ચરનો ઉપયોગ કરે છે. જો તેમાં સુરક્ષા સેટિંગ્સ યોગ્ય રીતે લાગુ કરવામાં ન આવે, તો હેકર્સ સરળતાથી ડેટાબેઝ સુધી પહોંચી શકે છે.
ટ્રાન્સફર દરમિયાન પણ ડેટા સુરક્ષિત રહેવું જરૂરી
ડેટા માત્ર સ્ટોરેજમાં જ નહીં પરંતુ ટ્રાન્સફર દરમિયાન પણ જોખમમાં હોય છે. જો ઇમેઇલ, મેસેજિંગ અથવા અન્ય માધ્યમ દ્વારા મોકલાતી માહિતી એન્ક્રિપ્ટેડ ન હોય, તો વચ્ચે જ તેને અટકાવીને ચોરી શકાય છે. તે જ રીતે, વપરાશ દરમિયાનનો ડેટા (Data in Use) પણ જોખમમાં હોઈ શકે છે. જો ઉપકરણમાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન હોય અથવા સિસ્ટમ અનએન્ક્રિપ્ટેડ હોય, તો હુમલાખોરો સીધા ડિવાઇસમાં ઘૂસણખોરી કરીને માહિતી મેળવી શકે છે.
ડેટા લીકથી કેવી રીતે બચી શકાય?
ડેટા સુરક્ષા માટે વ્યક્તિગત તેમજ સંસ્થાકીય સ્તરે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. મજબૂત અને અલગ-અલગ પાસવર્ડનો ઉપયોગ કરવો, ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) સક્રિય રાખવું, સોફ્ટવેર અને ઓપરેટિંગ સિસ્ટમને નિયમિત અપડેટ કરવી, અજાણી ઇમેઇલ અથવા લિંક પર ક્લિક કરવાનું ટાળવું અને મહત્વપૂર્ણ ડેટાને એન્ક્રિપ્ટેડ સ્વરૂપમાં સંગ્રહિત રાખવું જેવી બાબતો જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. સાયબર સુરક્ષા નિષ્ણાતોના મતે ટેક્નોલોજી જેટલી મહત્વપૂર્ણ છે, એટલી જ મહત્વપૂર્ણ જાગૃતિ અને તાલીમ પણ છે. કર્મચારીઓ અને સામાન્ય વપરાશકર્તાઓને સમયાંતરે સાયબર સુરક્ષા અંગે માહિતગાર કરવામાં આવે તો ડેટા લીકની મોટી સંખ્યામાં ઘટનાઓ અટકાવી શકાય છે.





