ગુજરાત CID ક્રાઈમના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને સાયબર ગુનાની દુનિયામાં એક મોટી સફળતા મળી છે. CID ક્રાઈમે ઓનલાઈન સાયબર ફ્રોડના નવા અને ખતરનાક ટ્રેન્ડ તરીકે ઓળખાતા “Cyber Crime as a Service – CaaS” નેટવર્કનો ભંડાફોડ કર્યો છે. આ કેસમાં સાયબર અપરાધીઓને ધમકીભર્યા ફોન, ઇ-મેઇલ અને ઓનલાઈન છેતરપિંડી કરવા માટે વર્ચ્યુઅલ મોબાઇલ નંબર અને OTP પૂરા પાડતી ગેંગના બે આરોપીઓને મધ્ય પ્રદેશના ગ્વાલીયર શહેરમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે.
ગેરકાયદેસર સેવાઓ પૂરી પાડતા હતા
CID ક્રાઈમની તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલા આરોપીઓ OTPBUY. COM અને OTPCHINA.SOLUTION નામની વેબસાઇટ તેમજ ટેલીગ્રામ ચેનલોના માધ્યમથી ગેરકાયદેસર સેવાઓ પૂરી પાડતા હતા. આ સેવાઓનો ઉપયોગ કરીને સાયબર ગુનેગાર લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી, ફ્રોડ અને ધમકીભર્યા સંદેશા મોકલતા હતા. આરોપીઓ સાયબર ગુનાને સરળ બનાવવા માટે OTP અને વર્ચ્યુઅલ નંબર ઉપલબ્ધ કરાવતા હોવાનું સામે આવ્યું છે.
17.54 લાખના નાણાકીય વ્યવહારો મળ્યા
તપાસ દરમિયાન આરોપીઓના બેંક ખાતાઓમાંથી કુલ રૂ. 17.54 લાખના નાણાકીય વ્યવહારો મળ્યા છે, જ્યારે અંદાજે રૂ. 20 લાખના USDT ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પણ સામે આવ્યા છે. CID ક્રાઈમે આરોપીઓ પાસેથી ચાર મોબાઇલ ફોન, 11 UPI ID અને બે ક્રિપ્ટો વોલેટ કબજે લીધા છે. આ તમામ સાધનોનો ઉપયોગ સાયબર ગુનામાં થતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. CID ક્રાઈમે નાગરિકોને સાયબર ગુનાઓથી સાવચેત રહેવા અપીલ કરી છે. જો કોઈ પણ વ્યક્તિ સાયબર ફ્રોડ, ઓનલાઈન છેતરપિંડી કે શંકાસ્પદ પ્રવૃત્તિનો ભોગ બને, તો તરત જ 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરવા માટે સૂચના આપવામાં આવી છે. CID ક્રાઈમનું કહેવું છે કે સમયસર ફરિયાદ કરવાથી સાયબર ગુનાઓ અટકાવવામાં અને ગુનેગારોને ઝડપવામાં મદદ મળી શકે છે.





















