સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણમાંથી એક દુર્લભ અને રસપ્રદ વન્યજીવ દર્શન સામે આવ્યું છે. રણ વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગની પેટ્રોલિંગ દરમિયાન વિશ્વમાં સૌથી નાનું ગણાતું શિયાળ કેમેરામાં કેદ થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ વન્યજીવ પ્રેમીઓ અને પર્યાવરણવિદોમાં ઉત્સુકતા જગાવી છે.
મળતી માહિતી મુજબ, કચ્છના નાના રણમાં આવેલા વચ્છરાજ બેટના પાછળના વિસ્તારમાં ફોરેસ્ટ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ પ્રાણી નજરે પડ્યું હતું. પ્રાથમિક રીતે તેને શિયાળની એક નાની પ્રજાતિ તરીકે જોવામાં આવી રહી છે. ગુજરાતમાં શિયાળ પહેલેથી જ ઘટતી સંખ્યાવાળી પ્રજાતિમાં ગણાય છે અને હાલમાં સમગ્ર રણ વિસ્તારમાં માત્ર અંદાજે 153 જેટલા શિયાળોની હાજરી નોંધાયેલી હોવાનું કહેવાય છે.
પ્રજાતિનું કદ અને લક્ષણો ચોંકાવનારા
ફોરેસ્ટ વિભાગના પ્રાથમિક અવલોકન મુજબ, કેમેરામાં કેદ થયેલું આ શિયાળ સામાન્ય શિયાળ કરતાં ઘણું નાનું છે. તેનું વજન અંદાજે એક કિલો જેટલું અને લંબાઈ લગભગ એક ફૂટ જેટલી હોવાનું જણાવવામાં આવ્યું છે. તેના શરીરનો રંગ હળવો પીળો અથવા બદામી હોય છે, જે તેને રણના વાતાવરણમાં સરળતાથી છુપાઈ રહેવામાં મદદરૂપ બને છે.
આ પ્રાણી મુખ્યત્વે રાત્રિચર સ્વભાવ ધરાવે છે અને રણ વિસ્તારમાં ખાડા ખોદીને રહે છે. તેના આહાર તરીકે ઉંદર, નાના પક્ષીઓ, ઈંડા, ગરોળી અને વિવિધ નાના જીવાતોનો સમાવેશ થાય છે. તેની છુપાઈને રહેવાની આદતને કારણે તેને નજરે પાડવું અતિ દુર્લભ માનવામાં આવે છે.
ફોરેસ્ટ વિભાગની પ્રતિક્રિયા
ઘુડખર અભયારણ્યના ફોરેસ્ટ અધિકારી બી.એમ. પટેલે જણાવ્યું હતું કે પેટ્રોલિંગ દરમિયાન આ નાનું શિયાળ કેમેરામાં કેદ થયું છે અને તેની પ્રજાતિ અંગે તપાસ ચાલુ છે. “આ પ્રાણી શિયાળની જ કોઈ નાની પ્રજાતિ હોઈ શકે છે. તેનું કદ, વજન અને ખાડા ખોદવાની રીતને આધારે વધુ વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવી રહી છે,” એમ તેમણે જણાવ્યું હતું.
ફોરેસ્ટ વિભાગ હવે આ પ્રાણીની ચોક્કસ ઓળખ માટે નિષ્ણાતોની મદદ લઈ શકે છે. જો આ દુર્લભ પ્રજાતિ સાબિત થાય, તો રાજ્યના બાયોડાયવર્સિટી માટે મહત્વપૂર્ણ શોધ ગણાશે.
આ પણ વાંચો: UPમાં મેઘરાજાની એન્ટ્રી તો ગુજરાતમાં હીટવેવનો કહેર : આ 5 શહેરોમાં યલો એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
નાના રણની જૈવવિવિધતા
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણને તેની અનોખી જૈવવિવિધતા માટે ઓળખવામાં આવે છે. અહીં ઘુડખર અભયારણ્ય આવેલું છે, જ્યાં ઘુડખર ઉપરાંત રણ લોકડી, જંગલી બિલાડી, ઝરખ અને શિયાળ જેવા અનેક પ્રાણીઓ વસવાટ કરે છે.
શિયાળાની ઋતુ દરમિયાન અહીં હજારો કિલોમીટર દૂરથી આવતા વિદેશી પક્ષીઓ પણ જોવા મળે છે, જે આ વિસ્તારમાં પર્યટન માટેનું મહત્વ વધારતા હોય છે. દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આ અનોખી કુદરતી વૈવિધ્યતા નિહાળવા માટે અહીં આવે છે.





