Home Sports Csk Will Release These 5 Players After Poor Performance In Ipl

નિરાશાજનક પ્રદર્શન બાદ CSKનો મોટો નિર્ણય : આ 5 ખેલાડીઓને ટીમમાંથી કરી દેશે રિલીઝ! જાણો સંપૂર્ણ લિસ્ટ

CSK Players To Release
Image Credit: IPLCOM
Published by: Nirali Gohil
Last Updated: May 22, 2026, 10:41 AM IST

CSK IPL 2026: IPL 2026 માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે સફર ઘણી નિરાશાજનક રહી છે. પ્લેઓફની રેસમાંથી ટીમ બહાર થઈ જતાં ચાહકોમાં પણ ભારે હતાશા જોવા મળી રહી છે. જોકે ચેન્નઈની ટીમે કેટલીક મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ સતત સાતત્ય જાળવી ન શકવાને કારણે ટીમ અંતિમ-4 માં સ્થાન મેળવી શકી નહીં. હવે ફ્રેન્ચાઇઝીનું સંપૂર્ણ ધ્યાન આગામી સિઝન માટે એક મજબૂત અને નવી ટીમ તૈયાર કરવા પર છે. આ પ્રક્રિયામાં ફ્રેન્ચાઇઝી આગામી મિની ઓક્શન પહેલા કેટલાક ખેલાડીઓને ટીમમાંથી રિલીઝ કરવાનો કઠોર નિર્ણય લઈ શકે છે.

ટીમ મેનેજમેન્ટ હવે તેવા ખેલાડીઓની યાદી તૈયાર કરી રહ્યું છે જેમનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નથી અથવા તો તેમની કિંમત સામે તેમનું યોગદાન ખૂબ જ ઓછું છે. રિપોર્ટ્સ અનુસાર, ચેન્નઈ આગામી સિઝન માટે ટીમમાં નવો પ્રાણ ફૂંકવા માટે કેટલાક મોટા નામો પરથી હાથ ઉઠાવી શકે છે. આવો જાણીએ કયા 5 ખેલાડીઓ છે જેમને ચેન્નઈ સુપર કિંગ્સ રિલીઝ કરી શકે છે.

આ 5 ખેલાડીઓ પર છે રિલીઝ થવાનું જોખમ

1. પ્રશાંત વીર (Prashant Veer)

પ્રશાંત વીરને ચેન્નઈએ 14.20 કરોડ જેવી મોટી રકમમાં ખરીદ્યો હતો, પરંતુ તે આ વિશ્વાસ પર ખરો ઉતરી શક્યો નથી. 6 મેચોમાં તે માત્ર 90 રન જ બનાવી શક્યો છે. બોલિંગમાં પણ તેનું પ્રદર્શન સાવ નિસ્તેજ રહ્યું છે. આટલી મોંઘી કિંમતે ખરીદાયેલ ખેલાડી પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા હોય છે, પરંતુ તે નિષ્ફળ રહેતા તેને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લેવાઈ શકે છે.

2. મેટ શોર્ટ (Matt Short)

મેટ શોર્ટ માટે IPL 2026 ની સિઝન એકદમ સામાન્ય રહી છે. માત્ર ત્રણ મેચ રમવાની તક મળી હોવા છતાં તે તેમાં પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો, જેમાં તેણે કુલ 60 રન જ બનાવ્યા હતા. ટીમ હવે આ સ્થાન પર કોઈ અન્ય ખેલાડી પર દાવ લગાવવા વિચારી શકે છે.

આ પણ વાંચો: પ્લેઓફથી બહાર થયેલી CSKને વધુ એક ઝટકો!: BCCIએ ઋતુરાજ ગાયકવાડ સહિત આખી ટીમ પર ફટકાર્યો ₹24 લાખનો દંડ!

3. કાર્તિક શર્મા (Kartik Sharma)

કાર્તિક શર્માના કિસ્સામાં પરિસ્થિતિ થોડી અલગ છે. તેણે 11 મેચમાં 295 રન બનાવીને ઠીકઠાક પ્રદર્શન કર્યું છે, પરંતુ તેને પણ 14.20 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદવામાં આવ્યો હતો. ફ્રેન્ચાઇઝી તેને રિલીઝ કરીને આગામી ઓક્શનમાં તેને ફરીથી ઓછી કિંમતે ટીમમાં સામેલ કરવાનો પ્રયાસ કરી શકે છે, જેથી ટીમનું બજેટ જળવાઈ રહે.

4. સ્પેન્સર જોનસન (Spencer Johnson)

નાથન એલિસના રિપ્લેસમેન્ટ તરીકે આવેલા સ્પેન્સર જોનસન ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરી શક્યો નથી. ટૂર્નામેન્ટમાં માત્ર ત્રણ મેચ રમવા મળેલી તકોમાં તે માત્ર બે જ વિકેટ લઈ શક્યો હતો. ઝડપી બોલર તરીકેની જે અપેક્ષાઓ હતી તે પૂરી ન થતા તેને પણ ટીમમાંથી દૂર કરવામાં આવી શકે છે.

5. મેટ હેનરી (Matt Henry)

ન્યૂઝીલેન્ડના અનુભવી ફાસ્ટ બોલર મેટ હેનરી આ સિઝનમાં પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યા છે. ચેન્નઈએ તેમને 2 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યા હતા, પરંતુ ત્રણ મેચ રમ્યા બાદ તે માત્ર બે જ વિકેટ ઝડપી શક્યા હતા. ટીમ હવે તેના વિકલ્પ તરીકે કોઈ યુવા કે ફોર્મમાં રહેલા બોલરની શોધ કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now