માત્ર 14 વર્ષની ઉંમરનો 'છોકરડો' શું કરી શકે તે વૈભવ સૂર્યવંશીએ કરી બતાવ્યું છે, જે આજે 'છોકરડા'માંથી સિતારો બની ગયો છે, પરંતુ તેના સંઘર્ષો પર નજર કરીએ તો ખબર પડે કે, આવી પણ કઠણાઈઓ હોય. સંઘર્ષની વાત કરતા પહેલા આછેરા પરિચય અંગે જલક જણાવી દઉ કે, વૈભવ બિહારના સમસ્તીપુરનો રહેવાસી છે. જેણે ઓસ્ટ્રેલિયા સામેની અંડર-19 યુવા ટેસ્ટ મેચમાં માત્ર 58 બોલમાં સદી ફટકારી હતી. યુવા ટેસ્ટમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. એટલું જ નહી તેણે 5 ફર્સ્ટ ક્લાસ મેચમાં 100 રન, લિસ્ટએ ની 6 મેચમાં 132 રન અને 4 ટી 20માં 164 રન બનાવ્યા. જો કે, IPL 2025ની સફળતા તો તમે જાણો જ છો. એટલે જ કહેવાય છે કે, મંઝિલ દેખાય જાય પછી રસ્તાની પરવાહ રહેતી નથી, કારણ કે,મંઝિલ દેખાણી મતલબ પહોચી ગયા બરાબર!
'મમ્મી માત્ર ત્રણ કલાકની જ ઊંઘ લેતી'
વૈભવ સૂર્યવંશીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, 'હું જે પણ છું તે મારા માતા-પિતાના કારણે છું. મારે પ્રેક્ટિસમાં જવાનું હોય તો મમ્મી રાતે બે વાગ્યે ઊઠીને મારા માટે ખાવાનું બનાવતી હતી. તે રાતે 11 વાગ્યે ઉંઘતી હતી એટલે કે ત્રણ કલાકની જ ઊંઘ લેતી હતી. પપ્પાએ મારા માટે કામ છોડી દીધું, માંડ માંડ ઘર ચાલતું હતું. પપ્પા મારી પાછળ હંમેશા રહ્યા છે. પપ્પાને વિશ્વાસ હતો કે તું ક્રિકેટમાં કંઈક સારૂ કરી શકીશ. આ બધુ ભગવાન જુએ છે કે મહેનત કરનારને ક્યારેય નિષ્ફળતા મળતી નથી. આજે જે છે તે મારા માતા-પિતાના કારણે છે.
'5 થી 6 કલાક પ્રેક્ટિસ કરતો'
એક મીડિયા સાથે વાતચીત દરમિયાન કોચ મનીષ ઓઝાએ કહ્યું હતું કે, વૈભવ સમસ્તીપુરથી એક દિવસના વિરામ પછી પ્રેક્ટિસ માટે પટના આવતો. તે પટનામાં મારી પાસે 7.30 વાગ્યે આવતો. અહીં એકેડેમીમાં તે 5 થી 6 કલાક પ્રેક્ટિસ કરતો. તે દરરોજ 400 થી 450 બોલ પર શોટ રમતો. આમાં નેટ સેશન, થ્રો ડાઉન, બોલિંગ મશીન અને ખાસ લક્ષિત બોલિંગ સેશનનો સમાવેશ થતો હતો.
પિતા ક્રિકેટર ન બની શક્યા પરંતુ પુત્રને બનાવ્યો
મનીષ ઓઝાએ કહ્યું હતું કે, વૈભવ અને તેના પિતા તેમના કારકિર્દી વિશે ખૂબ જ સ્પષ્ટ હતા કે તેમણે ક્રિકેટમાં આગળ વધવું પડશે. વૈભવના પિતા સંજીવ સૂર્યવંશી પોતે ક્રિકેટ રમતા હતા, પરંતુ સુવિધાઓના અભાવે આગળ વધી શક્યા નહીં. પછી તેમણે તેમના નાના દીકરામાં પોતાનું અધૂરું સ્વપ્ન પૂર્ણ થતું જોયું, તેથી તેમણે વૈભવને ક્રિકેટર બનાવવામાં કોઈ કસર છોડી નહીં. આ માટે, તેમણે ઘણી વખત લોન લેવી પડી. તેમણે પહેલા વૈભવને સમસ્તીપુરની એકેડેમીમાં તાલીમ અપાવી, પછી તેને મારી પાસે લાવ્યો, તે સમયે વૈભવ સાડા આઠ વર્ષનો હશે'
4 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું
વૈભવ સૂર્યવંશીએ 4 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતુ. પછી, 9 વર્ષની ઉંમરે, તેના પિતાએ વૈભવને સમસ્તીપુરની એક ક્રિકેટ એકેડમીમાં પ્રવેશ અપાવ્યો. વૈભવની માતા રાત્રે 11 વાગ્યે સૂઈ જતી અને 2 વાગ્યે ઉઠતી. તે રાત્રે મોડી જાગીને વૈભવ માટે ભોજન બનાવતી. કારણ કે વૈભવને સવારે વહેલા પ્રેક્ટિસ માટે જવાનું હતું.
વૈભવની 'વૈભવી' રેકોડ્સ્
IPL અને T20 ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી: વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષ અને 32 દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી.
યુવા ODI ક્રિકેટમાં સૌથી ઝડપી સદી: તેણે ઇંગ્લેન્ડની અંડર-19 ટીમ સામે માત્ર 52 બોલમાં સદી ફટકારી
યુવા ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી: તેણે યુવા ODI મેચમાં માત્ર 52 બોલમાં સદી ફટકારીને આ રેકોર્ડ તોડ્યો.
યુવા ODI ઇતિહાસમાં સૌથી ઝડપી 80+ સ્કોર: તેણે યુવા ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 80+ સ્કોરનો સુરેશ રૈનાનો રેકોર્ડ તોડ્યો.
IPL ઇનિંગ્સમાં સંયુક્ત રીતે સૌથી વધુ છગ્ગા: તેણે IPL ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા (11) ના રેકોર્ડની બરાબરી કરી.IPL ઇનિંગ્સમાં અનકેપ્ડ ખેલાડી દ્વારા સૌથી વધુ છગ્ગા: તેણે અનકેપ્ડ ખેલાડી દ્વારા ઇશાન કિશનના છગ્ગા ફટકારવાના રેકોર્ડને પાછળ છોડી દીધો.
IPLની એક ઇનિંગમાં રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન દ્વારા સૌથી વધુ છગ્ગા: તેણે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન દ્વારા સંજુ સેમસનના છગ્ગાના રેકોર્ડને તોડી નાખ્યો.
IPL સદીમાં સૌથી વધુ બાઉન્ડ્રી ટકાવારી: તેણે IPL સદીમાં સૌથી વધુ બાઉન્ડ્રી ટકાવારી હાંસલ કરી, યશસ્વી જયસ્વાલના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો.
T20 માં સૌથી ઝડપી 200+ રન ચેસ: તેની ટીમે રેકોર્ડ-બ્રેકિંગ 15.5 ઓવરમાં 200+ રનનો પીછો કર્યો.





















