તમે ઘણા ગામડાઓમાં જોયું હશે કે સરપંચ તો મહિલા હોય, પરંતુ બેઠ જમાવીને તેનો પતિ બેઠો હોય છે. પ્રધાનપતિ અને સરપંચ પતિના આ કલ્ચરને ખતમ કરવા હવે કેન્દ્ર સરકાર આકરા પગલાં લેવા તૈયાર છે.
કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય (MoPR) 'સરપંચપતિ' પ્રથા સામે કડક કાર્યવાહી કરવા માટે તૈયારી કરી રહ્યું છે - જ્યાં મહિલા સરપંચોના પતિ તેમજ પુરુષ સંબંધીઓ ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓને કાયદેસર રીતે સોંપવામાં આવેલી સત્તાઓ પર નિયંત્રણ રાખે છે. આવા સરપંચ પતિઓનો ત્રાસ ઓછો કરવા ભૂતપૂર્વ ખાણ સચિવ સુશીલ કુમારની આગેવાની હેઠળની ઉચ્ચ-સ્તરીય સમિતિની ભલામણોને અનુસરીને, મંત્રાલય આવા કેસ માટે કડક સજા લાગુ કરવાની યોજના બનાવી રહ્યું છે.
સમિતિનો અહેવાલ પંચાયત સ્તરે પુરુષ વર્ચસ્વને કાબુમાં લેવા અને મહિલાઓ અનુચિત પ્રભાવ વિના તેમના અધિકારો અને જવાબદારીઓનો ઉપયોગ કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે દંડાત્મક પગલાંની જરૂરિયાત પર ભાર મૂકે છે. 'પ્રધાનપતિ' શબ્દ ફક્ત 'સરપંચ પતિ' અથવા 'પ્રધાન પતિ'નો ઉલ્લેખ કરતો નથી પરંતુ તેમાં ચૂંટાયેલી મહિલાના અધિકારને નબળી પાડતા કોઈપણ પુરુષને આરોપી બનાવવામાં આવશે.
કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા વાસ્તવિક મહિલા નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાયદાઓ અને દેખરેખ માટે આયોજન કરાઇ રહ્યું છે. એક વિચાર એ છે કે વાર્ષિક પુરસ્કાર એ એવા પુરુષ સંબંધીઓને સન્માનિત કરવા માટે આપવામાં આવે છે જેમણે તેમના પ્રભાવનો દુરુપયોગ કરવાનું ટાળ્યું છે.
આ ઉપરાંત શાસનમાં મહિલાઓની સક્રિય ભાગીદારીને વધુ વધારવા માટે, સમિતિએ અનેક સૂચનો આપ્યા છે જેમાં:
ફરિયાદો પર દેખરેખ રાખવા અને તેનું નિરાકરણ લાવવા માટે મહિલા લોકપાલોની નિમણૂક.
ગ્રામ સભા દરમિયાન મહિલા પ્રધાનો માટે જાહેર શપથ સમારોહ. પંચાયત સ્તરે મહિલા નેતૃત્વ ફેડરેશનની રચના. તાલીમ, કાનૂની સહાય અને સહાયક નેટવર્ક માટે જાતિ સંસાધન કેન્દ્રો. IIM, IIT અને NIT જેવી સંસ્થાઓ સાથે સહયોગમાં સ્થાનિક તાલીમ કાર્યક્રમો સહિતના આયોજનની વિચારણા છે. ઉપરાંત કેન્દ્ર સરાકારે આ માટે આંતરરાષ્ટ્રીય વિકાસ એજન્સીઓ અને મહિલા ધારાસભ્યો/સાંસદોને આ માટે જાગૃતિ અંગે યોગદાન આપવાનું સૂચન કર્યું છે આ પગલાંનો હેતુ સ્થાનિક શાસનમાં મહિલાઓ માટે વધુ સમાવિષ્ટ અને સશક્તિકરણ વાતાવરણ બનાવવાનો છે, મહિલા સરપંચોનો અવાજ સાંભળવામાં આવે અને તેમની સત્તાનો આદર કરવામાં આવે તેવો હેતુ છે.





