NDAએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવાર તરીકે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનનું નામ જાહેર કર્યું છે. ભાજપના અનુભવી નેતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે વર્ષોથી જોડાયેલા રાધાકૃષ્ણન મૂળ તમિલનાડુના છે અને રાજ્ય ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
રાજકીય સફર
રાધાકૃષ્ણન 2004 થી 2007 દરમિયાન તમિલનાડુ ભાજપના વડા રહ્યા હતા.
આ સમયગાળા દરમિયાન તેમણે 93 દિવસમાં 19,000 કિમીની 'રથયાત્રા' યોજી હતી, જેમાં નદીઓને જોડવા, આતંકવાદ નાબૂદ કરવા, સમાન નાગરિક સંહિતા અને ડ્રગ્સના દૂષણ સામે લડવાની માંગ ઉઠાવી હતી.
તેઓ કોઈમ્બતુરથી બે વખત લોકસભા ચૂંટણી જીત્યા હતા.
રાજ્યપાલ તરીકેની ભૂમિકા
હાલ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે.
ફેબ્રુઆરી 2023થી જુલાઈ 2024 દરમિયાન ઝારખંડના રાજ્યપાલ રહ્યા.
માર્ચથી જુલાઈ 2024 દરમિયાન તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે વધારાની જવાબદારી સંભાળી હતી.
ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા બાદ તેમણે ચાર મહિનામાં તમામ 24 જિલ્લાઓની મુલાકાત લઈને સામાન્ય લોકો સાથે સંવાદ કર્યો હતો.
અંગત પરિચય
જન્મ: 1957, તિરુપુર (તમિલનાડુ)
શિક્ષણ: કોઈમ્બતુરની ચિદમ્બરમ કોલેજમાંથી બીબીએની ડિગ્રી
ખેલકૂદમાં રસ: કોલેજના ટેબલ ટેનિસ ચેમ્પિયન, સારા દોડવીર, ક્રિકેટ અને વોલીબોલનો શોખ
1974માં ભારતીય જન સંઘની રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય બન્યા
આંતરરાષ્ટ્રીય અનુભવ
રાધાકૃષ્ણન અનેક દેશોની યાત્રા કરી ચૂક્યા છે, જેમાં અમેરિકા, બ્રિટન, જર્મની, પોર્ટુગલ, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, નોર્વે, ચીન, મલેશિયા અને સિંગાપુર જેવા દેશોનો સમાવેશ થાય છે.
અન્ય મહત્વપૂર્ણ ભૂમિકાઓ
2016માં કોયર બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને ચાર વર્ષ સુધી આ પદ સંભાળ્યું.
તેમના કાર્યકાળ દરમિયાન ભારતમાંથી કોયરની નિકાસ ₹2532 કરોડ સુધી પહોંચી હતી.





