Home Gujarat Contracts For 9 Guest Houses Were Obtained In Vmc On The Strength Of Fake Documents

VMC માં નકલી દસ્તાવેજોના જોરે 9 અતિથિગૃહોનો કોન્ટ્રાક્ટ મેળવ્યો! : પાલિકાની તપાસમાં એજન્સીએ ભાંડો ફૂટ્યો, એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની તૈયારી

VMC માં નકલી દસ્તાવેજોના જોરે 9 અતિથિગૃહોનો કોન્ટ્રાક્ટ મેળવ્યો!
Published by: OBS Bureau
Last Updated: Feb 13, 2026, 03:53 AM IST

વડોદરા મહાનગરપાલિકાના ટુરિસ્ટ વિભાગ હેઠળ ચાલતા અતિથિગૃહોમાં હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે નકલી અને ભ્રામક દસ્તાવેજો રજૂ કરનાર ગ્લોબલ એન્ટરપ્રાઇઝ સામે પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. પાલિકા સાથે છેતરપિંડી કરીને કોન્ટ્રાક્ટ મેળવનાર આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે, જેને લઈ પાલિકા વર્તુળોમાં ચર્ચા જોર પકડી છે.

એક વર્ષ માટે હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યોલ હતો

વડોદરા મહાનગરપાલિકાના ટુરિસ્ટ વિભાગ દ્વારા શહેરમાં આવેલા કુલ 19 અતિથિગૃહો અને કોમ્યુનિટી હોલનું સંચાલન કરવામાં આવે છે. આ પૈકી 9 અતિથિગૃહોમાં સ્વચ્છતા અને સુવિધાઓનું ઉચ્ચ સ્તર જળવાઈ રહે તે હેતુથી હાઉસકીપિંગ કામગીરી માટે વાર્ષિક ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ટેન્ડરમાં ત્રણ એજન્સીઓએ ભાગ લીધો હતો અને પ્રાથમિક ચકાસણી બાદ ત્રણેય ટેકનિકલ બિડમાં ક્વોલિફાઈ થઈ હતી. ટેન્ડર પ્રક્રિયા દરમિયાન ત્યારે ચકિત કરતો વળાંક આવ્યો હતો જ્યારે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ અને માહી એન્ટરપ્રાઇઝ – બે અલગ એજન્સીઓએ એકસરખો ભાવ, રૂપિયા 46,59,955 રજૂ કર્યો હતો. પાલિકાના નિયમો મુજબ, જ્યારે ભાવ સમાન હોય ત્યારે છેલ્લા ત્રણ વર્ષનું વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતી એજન્સીને પ્રાથમિકતા આપવામાં આવે છે. ગ્લોબલ એન્ટરપ્રાઇઝ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોમાં તેમનું ટર્નઓવર વધુ દર્શાવાતું હોવાથી તેમને એક વર્ષ માટે હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો.

દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ કરતા ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી

પરંતુ કોન્ટ્રાક્ટ સોંપાયા બાદ પાલિકાએ દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ કરતા ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. તપાસમાં ખુલ્યું કે ગ્લોબલ એન્ટરપ્રાઇઝે ટેન્ડર સાથે જોડેલા સ્વ-પ્રમાણિત દસ્તાવેજોમાં આંકડાકીય હેરફેર કરીને પોતાનું ટર્નઓવર અને નેટવર્થ હકીકત કરતા વધારે બતાવ્યું હતું. ખોટા પુરાવાઓ રજૂ કરીને પાલિકાને ગેરમાર્ગે દોરવામાં આવી હોવાનું સ્પષ્ટ બન્યું છે. આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ પાલિકા દ્વારા ગ્લોબલ એન્ટરપ્રાઇઝ સામે બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો દરખાસ્ત મંજૂર થાય તો ભવિષ્યમાં આ એજન્સી પાલિકાના કોઈ પણ ટેન્ડરમાં ભાગ લઈ શકશે નહીં. પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે જાહેર નાણાં અને પ્રક્રિયાની પારદર્શિતા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now