Home International Congress Leader And Former Union Minister Suresh Kalmadi Passes Away After Prolonged Illness

કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું નિધન : લાંબી બીમારી બાદ પુણેમાં લીધા અંતિમ શ્વાસ

કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું નિધન
Published by: OBS Bureau
Last Updated: Jan 06, 2026, 05:02 AM IST

પૂણે: ભારતીય રાજકારણ અને રમતજગતના પ્રખ્યાત નામ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું મંગળવારે વહેલી સવારે 81 વર્ષની વયે નિધન થયું છે. લાંબી બીમારી બાદ પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. કલમાડીના કાર્યાલય તરફથી એક ઓફિશિયલ નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. માહિતી પ્રમાણે, સુરેશ કલમાડી 81 વર્ષના હતા અને છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. લાંબી બીમારી પછી સુરેશ કલમાડી પૂણેના દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા. લાંબી બીમારી બાદ મંગળવારે વહેલી સવારે 3.30 વાગ્યે પુણેમાં તેમનું નિધન થઈ ગયું હતું. આ દુઃખદ સમાચારથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

સુરેશ કલમાડી માત્ર રાજનેતા જ નહોતા, પરંતુ તેઓ પુણેના 'કિંગમેકર' તરીકે જાણીતા હતા અને ભારતીય રમતજગતમાં પણ તેમનું મોટું યોગદાન રહ્યું છે. ભારતીય વાયુસેનામાં પાયલોટ તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા કલમાડીએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને પુણેના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી. તેઓ ભારતીય ઓલિમ્પિક સંઘના લાંબા સમય સુધી અધ્યક્ષ રહ્યા અને 2010ની દિલ્હી કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં મુખ્ય ભૂમિકા નિભાવી. જોકે, આ ગેમ્સ સાથે જોડાયેલા વિવાદોએ તેમની કારકિર્દી પર અસર કરી હતી. તેમ છતાં, ભારતીય રમતોને આંતરરાષ્ટ્રીય સ્તરે લાવવાનો શ્રેય તેમને આપવામાં આવે છે. તેમના અવસાનથી રાજકીય અને રમતજગતમાં એક યુગનો અંત આવ્યો છે.

લાંબી બીમારી બાદ જીવનનો અંત

સુરેશ કલમાડીના કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, તેઓ 6 જાન્યુઆરીએ વહેલી સવારે 3:30 વાગ્યે પુણેમાં અવસાન પામ્યા. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમના પરિવારમાં પત્ની, એક પરિણીત પુત્ર અને પુત્રવધૂ, બે પરિણીત પુત્રીઓ, જમાઈ તેમજ પૌત્ર-પૌત્રીઓ છે. મહત્વનું છે કે,સુરેશ કલમાડીના પાર્થિવ દેહને આજે બપોરે 2 વાગ્યા સુધી એરંડવણે સ્થિત કલમાડી હાઉસમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર બપોરે 3:30 વાગ્યે પુણેના નવી પેઠ વૈકુંઠ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

રાજકારણથી રમતજગત સુધીની યાત્રા

સુરેશ કલમાડીએ ભારતીય વાયુસેનામાં પાયલોટ તરીકે સેવા આપી અને પછી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ પુણેના બહુવાર સાંસદ રહ્યા, કેન્દ્રમાં રેલ્વે રાજ્યમંત્રી બન્યા અને પુણેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું. રમતજગતમાં તેમણે ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ તરીકે લાંબો સમય સુધી સેવા આપી હતી. 2010ની કોમનવેલ્થ ગેમ્સ તેમની કારકિર્દીનો મોટો માઈલસ્ટોન હતી, જોકે તેની સાથે જોડાયેલા વિવાદોએ તેમની પ્રતિષ્ઠાને અસર કરી. તેમ છતાં, ભારતમાં રમતોને પ્રોત્સાહન આપવામાં તેમનું યોગદાન અમર રહેશે.

વિવિધ પક્ષોના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

સુરેશ કલમાડીના અવસાનના સમાચાર મળતાં જ કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે અને તેમના યોગદાનને યાદ કર્યું છે. તેમના નિધનથી મહારાષ્ટ્ર અને દેશના રાજકીય તેમજ રમતજગતમાં એક મોટી ખોટ પડી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now