Jamnagar Politics: જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી પહેલા જામનગરમાં રાજકીય હલચલ તેજ બની છે. વોર્ડ નંબર 12માં મોટો રાજકીય ખળભળાટ મચ્યો છે, અહીંના કોંગ્રેસના કોર્પોરેટર વકીલ જેનબબેન ખફીએ પક્ષના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે.
જેનબબેનના આ અચાનક ભરાયેલ પગલા પછી રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જેનબબેને કહ્યું કે, "ઘણા લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં જે વિખવાદ ચાલી રહ્યા છે, જે કોઇથી છૂપો નથી. વિખવાદ વચ્ચે હવે આ પાર્ટીમાં રહી શકાય તેવી મારી પરિસ્થિતિ નથી. વધુમાં જણાવ્યું, 'હું અને મારો પરિવાર, મારા પિતા તરફથી મને જે સિધ્ધાંત મળ્યા છે. અમે સિધ્ધાંતવાદી વ્યક્તિઓ છીએ કે જ્યાં રહીએ ત્યાં વફાદાર રહેવું, તો કોઈ પાર્ટીમાં રહીને પાર્ટીથી અલગ કામ કરવું એ અમારા સિધ્ધાંતોમાં ન આવે."
કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અને મતભેદને કારણે તેમણે રાજીનામું આપ્યું હોવાનું કહેવાય છે. સ્થાનિક સ્તરે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
વોર્ડ નંબર 12 પરંપરાગત રીતે કોંગ્રેસનો મજબૂત ગઢ માનવામાં આવે છે. અહીં ચૂંટણી પહેલા જ પક્ષના કોર્પોરેટર દ્વારા પદ છોડાય પછી પક્ષની અંદરની સ્થિતિ પર સવાલો ઉઠ્યા છે. રાજીનામું આવી રહેલી ચૂંટણીના સંદર્ભમાં શું અસર કરશે અને સ્થાનિક રાજકારણમાં તેનો શું ફેરફાર આવશે તે બાબતે શહેરમાં ચર્ચાઓનો માહોલ ગરમાયો છે.
આ હલચલ વચ્ચે કોંગ્રેસને સ્થાનિક સંગઠનને સંભાળવા અને વોર્ડમાં પોતાનો આધાર મજબૂત રાખવા પડકારો ઉભા થયા છે. ચૂંટણી પહેલા જ આવા રાજીનામાથી પક્ષની વ્યૂહરચના પર પણ અસર પાડી શકે છે.






