Home Gujarat Congress And Aap Allege That Bjp Mlas Are Demanding Match Tickets Forgetting The Peoples Questions

વિધાનસભામાં ક્રિકેટ મેચની ટિકિટ મુદ્દે મહાભારત : પ્રજાના પ્રશ્નો ભુલી ભાજપના ધારાસભ્યો મેચની ટિકિટ માંગતા હોવાનો કોંગ્રેસ અને AAPનો આક્ષેપ

વિધાનસભામાં ક્રિકેટ મેચની ટિકિટ મુદ્દે મહાભારત
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 07:26 AM IST

T20 Worldcup Match Ticket Discussion In Gujarat Vidhansabha : પ્રજાના પ્રશ્નોને ઉકેલવા માટે મળતા ગુજરાત વિધાનસભાના સત્રમાં મંગળવારે અચાનક ક્રિકેટ મેચની ટિકિટ મુદ્દે ચર્ચા થતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ટી20 વર્લ્ડકપ ફાઈનલ મેચની ટિકિટ ધારાસભ્યોને ન મળતા મુદ્દે ગૃહમાં રજૂઆત થતા વિરોધ પક્ષે સરકાર અને ધારાસભ્યો પર પ્રજાના પ્રશ્નો ભૂલવાના આક્ષેપ કર્યા હતા.

વિગતો અનુસાર, માંગણીઓ પર ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્ય ડૉ. અરવિંદ પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાયેલી ટી20 વર્લ્ડકપ ફાઈનલ મેચ માટે ધારાસભ્યોને ટિકિટ મળી નહોતી. તેમણે કહ્યું કે ધારાસભ્યોને પણ આવી મહત્વની મેચ જોવા માટે ટિકિટ ઉપલબ્ધ કરાવવી જોઈએ.

આ મુદ્દે સરકાર તરફથી જવાબ આપતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ અથવા ગુજરાતમાં ભવિષ્યમાં જ્યારે પણ મોટી ક્રિકેટ મેચ યોજાય ત્યારે ધારાસભ્યોને ટિકિટ મળી રહે તે માટે નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે. તેમણે વિશ્વાસ આપ્યો હતો કે આગામી સમયમાં આવી વ્યવસ્થા કરવા પ્રયાસ કરવામાં આવશે.

આ ચર્ચા બાદ વિપક્ષના નેતાઓએ સરકાર અને સત્તાધારી ધારાસભ્યોની કડક ટીકા કરી હતી. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે કરોડો રૂપિયાના ખર્ચે ચાલતી વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો પર ચર્ચા થવી જોઈએ, પરંતુ અહીં મેચની ટિકિટ અંગે રજૂઆત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને એડમિશન મળતા નથી, હોસ્પિટલોમાં ખાટલાની અછત છે અને જાહેર પરિવહનમાં બસોની અછત છે, છતાં આવા ગંભીર પ્રશ્નો કરતાં મેચની ટિકિટ મુદ્દે ચર્ચા થવી ચિંતાજનક બાબત છે.

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો કરતાં ક્રિકેટ મેચની ટિકિટ મુદ્દે વધુ ચર્ચા થવી દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે સરકારને ટિકિટના કાળાબજાર અને ડુપ્લિકેટ ટિકિટ મામલે કડક પગલાં લેવા જોઈએ. અનેક લોકો ડુપ્લિકેટ ટિકિટના કારણે છેતરાયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ત્યારે કોંગ્રેસના અન્ય ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ સૂચન કર્યું હતું કે દરેક ધારાસભ્યને ક્રિકેટ મેચની બે ટિકિટ આપવામાં આવે જેથી તેઓ ગુજરાત અને દેશના ખેલાડીઓને રમતા જોઈ શકે.

આ દરમિયાન ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલે બાદમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેમણે ટિકિટ મુદ્દે ગૃહમાં રજૂઆત રમૂજના સ્વરૂપમાં કરી હતી. ઓનલાઇન ટિકિટ પ્રથાના કારણે કેટલીક મુશ્કેલીઓ ઉભી થઈ હતી અને આ મુદ્દે રમતગમત વિભાગ સમક્ષ વાત રાખવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાએ રાજકીય ચર્ચાને વેગ આપ્યો છે અને વિધાનસભામાં કયા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે તે અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now