Home Gujarat Complaint Against Mazdoor Mahajan Sangh For Scam Of Crores In The Name Of Contribution

મજૂર મહાજન સંઘ પર 5% ગેરકાયદેસર ફાળાની ગંભીર ફરિયાદ : સવા કરોડની સંભવિત ખંડણી મામલે કોંગ્રેસની હાઈકોર્ટ તપાસની માંગ

મજૂર મહાજન સંઘ પર 5% ગેરકાયદેસર ફાળાની ગંભીર ફરિયાદ
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2026, 12:07 PM IST

ગુજરાતના મજૂર આંદોલનના ઇતિહાસમાં મજૂર મહાજન સંઘનું સ્થાન ભૂતકાળમાં ગૌરવપૂર્ણ રહ્યું છે. મહાત્મા ગાંધીના માર્ગદર્શન અને આદર્શોથી પ્રેરિત રહી આ સંસ્થાએ ગરીબ, શોષિત અને પીડિત મજૂરોના હિત માટે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો હતો. પરંતુ આજે અત્યંત દુઃખ અને ચિંતા સાથે કહેવું પડે છે કે એ જ સંસ્થા સામે ગરીબ મિલ મજૂરોની મહેનતની રકમને લઈને ગંભીર અને ચિંતાજનક આરોપો ઊભા થયા છે.
રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી અને મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે માનનીય ગુજરાત હાઈકોર્ટે 19/12/2025 ના રોજ C/OLR/75/2025 માં સ્પષ્ટ આદેશ કર્યો હતો કે બંધ મિલોના કામદારો અને તેમના વારસદારોને મળનારી રકમ સીધી તેમના બેંક ખાતામાં RTGS/NEFT દ્વારા ચૂકવવાની રહેશે, જેથી કોઈ મધ્યસ્થી દ્વારા શોષણ ન થાય. તેમ છતાં, આ સ્પષ્ટ આદેશ હોવા છતાં મજૂર મહાજન સંઘ દ્વારા તેમના કાર્યાલય ખાતે બોર્ડ લગાવીને કામદારો પાસેથી મળનારી રકમમાંથી “મીનિમમ 5% ફાળો” આપવાની ફરજ પાડવામાં આવી રહી છે. ઉપલબ્ધ ફોટોગ્રાફિક પુરાવાઓ દર્શાવે છે કે કામદારોને અપ્રત્યક્ષ રીતે એવો સંદેશ આપવામાં આવી રહ્યો છે કે “ફાળો આપશો તો જ કામ થશે”.
હેમાંગ રાવલે કહ્યું કે કામદારોને મળનારી કુલ રકમમાંથી 5% ફાળો ઉઘરાવવાનો પ્રયાસ કરવામાં આવે તો તે રકમ રૂ. 1,29,38,451 થાય છે. ગરીબ, વૃદ્ધ અને મિલ કામદારો, વિધવા અને વારસદારોને માટે આ રકમ જીવનની છેલ્લી આશા સમાન છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ કોઈ સેવા નથી, પરંતુ ખુલ્લેઆમ ગેરકાયદેસર ખંડણી છે અને હાઈકોર્ટના આદેશની સીધી અવગણના સમાન છે.

ભૂતકાળમાં પણ પ્રસાદ મિલના પણ આજ રીતે એક કરોડ 25 લાખથી વધારે રૂપિયા ઉઘરાવાયા હતા આમ પ્રસાદ સહિતના બંધ મિલોના ગરીબ મજૂરો પાસેથી આ જ રીતે ગેરકાયદેસર ફાળો ઉઘરાવવાની ફરિયાદો સામે આવી ચૂકી છે. કેલિકો મિલ જેવા કેટલાક કિસ્સાઓમાં ખોટા મિલ મજૂરોના નામે રકમ ઉપાડવાના ગંભીર આક્ષેપોમાં સંસ્થાના પદાધિકારીઓ સામે ફોજદારી ગુનાઓ નોંધાયા હતા અને કાનૂની કાર્યવાહી પણ થઈ હતી અને તે જ લોકો હાલમાં જામીન પર બહાર છે અને અત્યારે તેઓ જ વહીવટ કરી રહ્યા છે, જે જાહેર રેકોર્ડ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત કામદારોની મહેનતના રૂપિયાથી ઊભી થયેલી કરોડો રૂપિયાની મહામૂલી મિલકતોને પણ બારોબાર અને અપારદર્શી રીતે વેચવાના પ્રયાસોની ફરિયાદો સામે આવી રહી છે.
અમદાવાદ શહેર કોંગ્રેસના મહામંત્રી અને જાગૃત નાગરિક અનીશ પટેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટને આ બાબતે સુઓમોટો સંજ્ઞાન લેવા વિનંતી કરતો પત્ર પણ લખવામાં આવેલ છે તથા મજૂર મહાજન કાર્યાલય જે હદમાં આવે છે તે કારંજ પોલીસ સ્ટેશનને લેખિત ફરિયાદ પણ કરવામાં આવેલ છે.

હેમાંગ રાવલે જણાવ્યું કે આજે સ્થિતિ એવી છે કે મજૂર મહાજન સંઘ પર કોઈ અસરકારક અંકુશ રહ્યો નથી અને જે સંસ્થા ક્યારેય મજૂરોના હિત માટે ઓળખાતી હતી, તે આજે ભ્રષ્ટાચાર, અપારદર્શિતા અને મનમાની નિર્ણયોની ફરિયાદોથી ઘેરાઈ ગઈ છે. તેમણે માંગ કરી કે આ સમગ્ર મામલે તાત્કાલિક FIR નોંધવામાં આવે, હાઈકોર્ટના આદેશની અવગણના બદલ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થાય અને મજૂરોની રકમ તથા મિલકતોનું સંપૂર્ણ અને નિષ્પક્ષ ઓડિટ કરવામાં આવે. કોંગ્રેસ પક્ષ ગરીબ મજૂરોના હક અપાવવા કટિબદ્ધ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now