Home National Cjp Threat Central Government Student Protest Fir Demand

'FIR પાછી ખેંચો, અટકાયતીઓને મુક્ત કરો, નહીં તો ઉગ્ર પગલાં લઈશું' : વિદ્યાર્થીઓ સામેની કાર્યવાહી મુદ્દે CJPનું કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ

CJP Threat to Central Government
Image Credit: x
Published by: Nirali Gohil
Last Updated: Jul 27, 2026, 08:41 AM IST

CJP Threat to Central Government: દેશભરમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને તેના અનુસંધાનમાં થઈ રહેલી પોલીસ કાર્યવાહી હવે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. આસામ, પશ્ચિમ બંગાળ અને બિહાર સહિતના રાજ્યોમાં વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓની અટકાયત અને તેમના વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરને લઈને 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)એ કેન્દ્ર સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે. પાર્ટીના નેતા સૌરવ દાસે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા નિવેદનમાં સરકારને ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો વિદ્યાર્થીઓ સામેની કાર્યવાહી તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો CJP આગામી દિવસોમાં વધુ કડક પગલાં ભરશે. સૌરવ દાસે દાવો કર્યો છે કે, અગાઉ સરકાર તરફથી આંદોલનકારીઓ સામે કોઈપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી નહીં કરવામાં આવે તેવી ખાતરી આપવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ આ ખાતરીના આધારે જ આંદોલનને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે વિવિધ રાજ્યોમાં વિદ્યાર્થીઓની ધરપકડ અને FIR નોંધાતા સરકારે પોતાના વચનનું પાલન કર્યું નથી એવો આક્ષેપ તેમણે કર્યો છે.

વિદ્યાર્થીઓની અટકાયત અને FIR સામે CJPનો વિરોધ

સૌરવ દાસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ ગુનાઓ નોંધવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું. તેમણે આરોપ લગાવ્યો કે, વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે બદલાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકશાહી વ્યવસ્થામાં વિદ્યાર્થીઓને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર હોવો જોઈએ અને તેમને ગુનેગારની જેમ વર્તવું યોગ્ય નથી, એવો દાવો પણ તેમણે કર્યો.

આ પણ વાંચો: 'કોકરોચ પાર્ટી દેશ વિરોધી છે' : જૂનાગઢના મહિલા કોલેજનાં પ્રિન્સિપાલના નિવેદનથી વિવાદ

કાનૂની સહાયની આપી ખાતરી

CJPના નેતાએ જણાવ્યું કે, પાર્ટીની લીગલ ટીમ સંબંધિત રાજ્યોના વરિષ્ઠ વકીલો સાથે મળીને અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓને કાનૂની સહાય પૂરી પાડી રહી છે. તેમણે દાવો કર્યો કે દરેક અટકાયતમાં લેવાયેલા વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સૌરવ દાસે વિદ્યાર્થીઓને આશ્વાસન આપતાં કહ્યું કે, તેઓ એકલા નથી અને પાર્ટી તેમના અધિકારોની રક્ષા માટે દરેક શક્ય પ્રયાસ કરશે.

કેન્દ્ર સરકાર સમક્ષ મૂકી ત્રણ મુખ્ય માંગ

સૌરવ દાસે સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્ર સરકાર સમક્ષ કેટલીક મુખ્ય માંગણીઓ મૂકી છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહને ટેગ કરીને માંગ કરી છે કે વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી તમામ FIR તાત્કાલિક પાછી ખેંચવામાં આવે. સાથે જ, અટકાયત કરાયેલા તમામ વિદ્યાર્થીઓને વિના વિલંબે મુક્ત કરવામાં આવે અને ભાજપ તથા NDA શાસિત રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે કોઈપણ પ્રકારની બદલાલક્ષી કાર્યવાહી ન કરવામાં આવે તેવી લેખિત ખાતરી આપવામાં આવે.

28 જુલાઈ સુધીનો અલ્ટીમેટમ

સૌરવ દાસે દાવો કર્યો છે કે સરકાર તરફથી 28 જુલાઈ સુધીમાં લેખિત ખાતરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. જો આ સમયમર્યાદામાં સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો તેને દેશના લાખો યુવાનો સાથે વિશ્વાસઘાત ગણવામાં આવશે, એવું તેમણે જણાવ્યું. તેમણે વધુમાં ચેતવણી આપી કે, જો સમયમર્યાદા સુધીમાં અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં નહીં આવે અને તેમની સામે નોંધાયેલી FIR પાછી ખેંચવામાં નહીં આવે તો CJP આગામી દિવસોમાં વધુ કડક અને વ્યાપક કાર્યક્રમ જાહેર કરશે.

આ પણ વાંચો: દેશના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર! : પેપર લીક વિરુદ્ધ નવું બિલ સંસદમાં રજૂ, વિપક્ષના હોબાળાથી કાર્યવાહી અટકી

સરકાર તરફથી સત્તાવાર પ્રતિક્રિયાની રાહ

આ સમાચાર લખાય ત્યાં સુધી CJPના નેતા સૌરવ દાસ દ્વારા કરવામાં આવેલા દાવા અને માંગણીઓ અંગે કેન્દ્ર સરકાર અથવા સંબંધિત સત્તાવાર તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી. તેમજ સરકાર દ્વારા આવી કોઈ લેખિત ખાતરી આપવામાં આવી હતી કે નહીં તેની સ્વતંત્ર પુષ્ટિ પણ થઈ નથી. વિદ્યાર્થી આંદોલન અને તેના અનુસંધાનમાં શરૂ થયેલી રાજકીય પ્રતિક્રિયાઓને કારણે આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ચર્ચા અને નિવેદનો સામે આવે તેવી શક્યતા છે. હાલ તમામની નજર સરકારના આગામી વલણ અને CJP દ્વારા જાહેર કરાયેલા અલ્ટીમેટમ પર ટકેલી છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

સૌરવ દાસે જણાવ્યું છે કે, CJPની લીગલ ટીમ સંબંધિત રાજ્યોના વરિષ્ઠ વકીલો સાથે મળીને અટકાયતમાં લેવાયેલા દરેક વિદ્યાર્થીને જરૂરી કાનૂની સહાય (Legal Assistance) પૂરી પાડશે.

CJPએ સરકારને 28 જુલાઈ સુધીમાં માંગણીઓ પૂરી કરવાની અથવા લેખિત ખાતરી આપવાનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમયમર્યાદામાં ઉકેલ નહીં આવે, તો તેને યુવાનો સાથે વિશ્વાસઘાત ગણાવી આગામી દિવસોમાં વધુ કડક અને વ્યાપક આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કરવાની ચેતવણી આપી છે.

CJPએ મુખ્ય ત્રણ માંગણીઓ મૂકી છે. જેમાં પહેલી માંગ વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી તમામ FIR તાત્કાલિક પાછી ખેંચવામાં આવે. બીજી અટકાયત કરાયેલા તમામ વિદ્યાર્થીઓને વિના વિલંબે મુક્ત કરવામાં આવે. અને ત્રીજી માંગ ભાજપ અને NDA શાસિત રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે બદલાલક્ષી કાર્યવાહી ન કરવાની લેખિત ખાતરી આપવામાં આવે તે હતી.

સૌરવ દાસે આરોપ લગાવ્યો છે કે આસામ, પશ્ચિમ બંગાળ અને બિહાર સહિતના રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે દંડાત્મક કાર્યવાહી ન કરવાની સરકારની અગાઉની ખાતરી છતાં તેમની અટકાયત કરવામાં આવી રહી છે અને FIR નોંધીને બદલાની ભાવનાથી કામ લેવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now