Home National E20 Fuel Protest India Taxi Union Parliament March

પેપર લીક બાદ હવે E20 વિરુદ્ધ દેશવ્યાપી આંદોલનની તૈયારી! : 4 ઓગસ્ટે સંસદ કૂચ કરશે ટેક્સી યુનિયન

E20 Fuel Protest India
Image Credit: AI
Published by: Nirali Gohil
Last Updated: Jul 27, 2026, 09:13 AM IST

E20 Fuel Protest India: દેશમાં પરીક્ષા અને પેપર લીકના મુદ્દા બાદ હવે પરિવહન ક્ષેત્રનો એક નવો મુદ્દો રાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. 20 ટકા ઇથેનોલ મિશ્રિત E20 પેટ્રોલના ઉપયોગ સામે દેશભરના ટેક્સી ડ્રાઇવરો અને ટ્રાન્સપોર્ટરોમાં અસંતોષ વધી રહ્યો છે. આ મુદ્દે હવે દિલ્હીની Delhi Taxi & Tourist Transporters and Tour Operators Association સહિત અનેક પરિવહન સંગઠનોએ વિરોધનો માર્ગ અપનાવ્યો છે. સંગઠને 4 ઓગસ્ટે સંસદ સુધી શાંતિપૂર્ણ માર્ચ કાઢવાની જાહેરાત કરી છે અને કેન્દ્ર સરકાર સમક્ષ E20 નીતિ સહિત અનેક મુદ્દાઓ પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. એસોસિએશનનું કહેવું છે કે, E20 પેટ્રોલના કારણે જૂના વાહનોના એન્જિન પર અસર પડી રહી છે, માઇલેજમાં ઘટાડો થઈ રહ્યો છે અને જાળવણીનો ખર્ચ વધી રહ્યો છે. બીજી તરફ સરકારનું કહેવું રહ્યું છે કે ઇથેનોલ મિશ્રણથી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટશે, પ્રદૂષણમાં ઘટાડો થશે અને ખેડૂતોને પણ લાભ મળશે. આ મુદ્દે હવે સરકાર અને પરિવહન સંગઠનો વચ્ચે મતભેદ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

4 ઓગસ્ટે સંસદ કૂચનું એલાન

દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં એસોસિએશનના અધ્યક્ષ સંજય સમ્રાટે જણાવ્યું કે 4 ઓગસ્ટે સંસદ સુધી શાંતિપૂર્ણ અને બિન-રાજકીય વિરોધ માર્ચ યોજવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ આ આંદોલન કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલું નથી, પરંતુ કોમર્શિયલ વાહનચાલકો અને માલિકોની સમસ્યાઓને લઈને આયોજિત કરવામાં આવી રહ્યું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરોધના પ્રતીક તરીકે એસોસિએશનના સભ્યો હાથમાં શેરડી લઈને પણ જોવા મળ્યા હતા, જે ઇથેનોલ ઉત્પાદન સાથે જોડાયેલા મુદ્દા તરફ સંકેત હતો.

E20 પેટ્રોલને લઈને શું છે ટ્રાન્સપોર્ટરોની ફરિયાદ?

એસોસિએશનનો દાવો છે કે E20 પેટ્રોલના ઉપયોગથી અનેક વાહનોની માઇલેજમાં ઘટાડો નોંધાયો છે અને એન્જિનના મેન્ટેનન્સનો ખર્ચ પણ વધ્યો છે. ખાસ કરીને વર્ષ 2015 પહેલાં બનેલા ઘણા વાહનો E20 ઇંધણ માટે સંપૂર્ણપણે અનુકૂળ નથી, એવો તેમનો દાવો છે. સંજય સમ્રાટના જણાવ્યા મુજબ જ્યારે ગ્રાહકો સંપૂર્ણ કિંમત ચૂકવી રહ્યા છે ત્યારે તેમને ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ કેમ આપવામાં આવે છે તેવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: જેના નામથી આખું ગામ છાજિયા લેતું હતું તેને કેમ પહેરાવી પાઘડી? : ધર્મેન્દ્ર પ્રધાનનું આટલું બધુ બહુમાન બન્યું ચર્ચાનો વિષય

E20 નીતિની વૈજ્ઞાનિક સમીક્ષાની માંગ

એસોસિએશને કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી છે કે E20 ઇંધણ નીતિની સ્વતંત્ર અને વૈજ્ઞાનિક સમીક્ષા કરવામાં આવે. આ પ્રક્રિયામાં વાહન માલિકો, ગ્રાહક સંગઠનો, વાહન ઉત્પાદકો અને ઓટોમોબાઇલ ક્ષેત્રના ટેકનિકલ નિષ્ણાતોને પણ સામેલ કરવામાં આવે. તેમનું કહેવું છે કે, નીતિનો વાસ્તવિક પ્રભાવ તમામ હિતધારકોના અભિપ્રાયના આધારે જ નક્કી થવો જોઈએ.

સ્પીડ લિમિટ અને સ્ક્રેપેજ નીતિ પર પણ સવાલ

એસોસિએશનના સભ્ય જીતેન્દ્ર બોબીએ કોમર્શિયલ ટૂરિસ્ટ વાહનો માટે લાગુ 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ લિમિટ પર પણ સવાલ ઉઠાવ્યો. તેમના જણાવ્યા મુજબ આધુનિક એક્સપ્રેસવે પર ખાનગી વાહનોને વધુ ઝડપે ચાલવાની મંજૂરી છે, જ્યારે ટૂરિસ્ટ ટેક્સી અને બસો માટે અલગ નિયમો હોવાને કારણે વ્યવસાય પર અસર પડી રહી છે. આ ઉપરાંત વાહનોની સ્ક્રેપેજ નીતિ, BS-IV ડીઝલ વાહનો પરના પ્રતિબંધ અને નેશનલ હાઇવે પર વસૂલાતા ટોલ ટેક્સ અંગે પણ સરકારે પુનર્વિચાર કરવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.

એસોસિએશનની 6 મુખ્ય માંગણીઓ

એસોસિએશને સરકાર સમક્ષ છ મુખ્ય માંગણીઓ મૂકી છે. તેમાં E20 નીતિની સ્વતંત્ર વૈજ્ઞાનિક સમીક્ષા, પેનિક બટન અને Vehicle Location Tracking Device (VLTD)ના અમલીકરણની તપાસ, કોમર્શિયલ વાહનો માટેની સ્પીડ લિમિટમાં રાહત, સ્ક્રેપેજ નીતિની સમીક્ષા, BS-IV ડીઝલ ટૂરિસ્ટ વાહનો પરના પ્રતિબંધમાં ફેરફાર અને ટોલ ટેક્સમાં રાહતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: સોનમ વાંગચુક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ : રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ લદ્દાખ પરત ફરશે


દેશભરની યુનિયનોને જોડાવા અપીલ

એસોસિએશને દેશભરની ટેક્સી, કેબ અને ટ્રક યુનિયનોને પણ 4 ઓગસ્ટના સંસદ માર્ચમાં જોડાવા માટે અપીલ કરી છે. આયોજકોનું માનવું છે કે, હજારો વાહનચાલકો આ વિરોધમાં ભાગ લઈ શકે છે. સંજય સમ્રાટે જણાવ્યું કે,સરકાર અને સંબંધિત તંત્રે તમામ હિતધારકો સાથે ચર્ચા કરીને ઉકેલ લાવવો જોઈએ. તેમના જણાવ્યા મુજબ આ આંદોલનનો હેતુ માત્ર પરિવહન ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરવાનો છે.

સરકારનો અભિગમ પણ મહત્વપૂર્ણ

કેન્દ્ર સરકાર ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમને ઊર્જા સુરક્ષા, પર્યાવરણનું સંરક્ષણ અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ ગણાવે છે. બીજી તરફ પરિવહન સંગઠનો તેની અસર અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. હાલ E20 નીતિને લઈને બંને પક્ષોના અલગ-અલગ અભિપ્રાયો સામે આવ્યા છે. હવે 4 ઓગસ્ટે યોજાનારા સંસદ માર્ચ અને સરકારની આગામી પ્રતિક્રિયા પર સૌની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now