Home International Cj Roy Owner Of 9000 Crore Empire And Chairman Of Confidant Group Shot Himself During An It Raid

બેંગલુરુમાં હલચલ : 9000 કરોડના સામ્રાજ્યના માલિક અને 'કોન્ફિડન્ટ ગ્રુપ'ના ચેરમેને IT-રેડ દરમિયાન પોતાને ગોળી મારી

બેંગલુરુમાં હલચલ
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2026, 03:37 AM IST

કર્ણાટક અને કેરળના રિયલ એસ્ટેટ ક્ષેત્રના માંધાતા અને 'કોન્ફિડન્ટ ગ્રુપ'ના ચેરમેન સીજે રોયના મોતના સમાચારથી બિઝનેસ જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. શુક્રવારે બપોરે બેંગલુરુના રિચમંડ સર્કલ સ્થિત પોતાની ઓફિસમાં જ તેમણે પોતાને ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, સીજે રોય છેલ્લા ત્રણ દિવસથી ઇન્કમ ટેક્સ (IT) વિભાગની તપાસના ઘેરામાં હતા અને સતત પૂછપરછ ચાલી રહી હતી. 9000 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતા અને લક્ઝરી કારોના શોખીન એવા એક સફળ ઉદ્યોગપતિના આવા અંતથી અનેક સવાલો ઉભા થયા છે.

ઓફિસમાં આત્મહત્યા અને IT તપાસનો ઘટનાક્રમ

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે બપોરે અંદાજે 3:15 વાગ્યે બની હતી. છેલ્લા ત્રણ દિવસથી આવકવેરા વિભાગની ટીમ તેમની ઓફિસમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. સીજે રોયે પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. ઘટના બની ત્યારે આઈટી અધિકારીઓ હાજર નહોતા, પરંતુ આત્મહત્યાના સમાચાર મળતા જ તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા. હાલ બેંગલુરુ પોલીસ આ કેસમાં આત્મહત્યા માટે ઉશ્કેરણી (Abetment to Suicide) ની કલમો હેઠળ તપાસ કરવાની દિશામાં આગળ વધી રહી છે.

પરિવારનો આક્ષેપ: એજન્સીના દબાણે જીવ લીધો

સીજે રોયના મોટા ભાઈએ આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે રોય પર કોઈ દેવું નહોતું, પરંતુ કેરળ આઈટી વિભાગની ટીમ છેલ્લા કેટલાક સમયથી તેમને પરેશાન કરી રહી હતી. 28 જાન્યુઆરીએ તેમને ખાસ દુબઈથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. સતત ત્રણ દિવસની પૂછપરછ અને માનસિક દબાણના કારણે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પરિવાર માની રહ્યું છે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે પણ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

મારુતિ 800 થી પ્રાઇવેટ જેટ સુધીની સફર

સીજે રોયની સફળતાની સફર કોઈ ફિલ્મી પટકથા જેવી પ્રેરણાદાયી હતી, જેની શરૂઆત માત્ર 13 વર્ષની વયે એક કાર શોરૂમમાં થયેલા અપમાનથી થઈ હતી; તે સમયે એક સેલ્સમેને તેમને શોરૂમમાંથી બહાર કાઢી મૂક્યા હતા, જે ઘટનાએ તેમના મનમાં વિશ્વની સૌથી મોંઘી કારોના માલિક બનવાનું ઝનૂન પેદા કર્યું હતું. શૂન્યમાંથી સર્જન કરતા તેમણે 1994માં 1.10 લાખ રૂપિયામાં પોતાની પહેલી મારુતિ 800 ખરીદી હતી અને ત્યારપછી પાછળ વળીને જોયું નહોતું, પરિણામે માત્ર 36 વર્ષની ઉંમરે તેમણે બેંકમાંથી એક પણ રૂપિયો ઉધાર લીધા વગર પોતાનું અંગત પ્રાઇવેટ જેટ ખરીદીને સૌને ચોંકાવી દીધા હતા. રોયના કાર કલેક્શનમાં રોલ્સ રોયસ, બુગાટી, ફેરારી અને લેમ્બોર્ગિની જેવી 200થી વધુ લક્ઝરી કારો સામેલ હતી, જેમાં તાજેતરમાં જ તેમણે પોતાની 12મી રોલ્સ રોયસ ફેન્ટમનો ઉમેરો કર્યો હતો, જે તેમના અદભૂત વૈભવ અને સંઘર્ષની સાક્ષી પૂરતી હતી.

રિયલ એસ્ટેટ અને ફિલ્મી કનેક્શન

કોન્ફિડન્ટ ગ્રુપ માત્ર રિયલ એસ્ટેટ જ નહીં, પરંતુ ગોલ્ફ કોર્સ, એવિએશન અને રિટેલ ક્ષેત્રે પણ મોટું નામ છે. સીજે રોયે 4 મલયાલમ ફિલ્મોનું પ્રોડક્શન પણ કર્યું હતું. તેમનો વ્યવસાય ભારત ઉપરાંત દુબઈમાં પણ ખૂબ જ વિસ્તરેલો હતો. આટલી મોટી સંપત્તિ અને વૈભવી જીવન હોવા છતાં આઈટી રેડ દરમિયાન થયેલા આ અણધાર્યા મોતે ઘણી રહસ્યમયી વાતોને જન્મ આપ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now