Home International China Dark Flights Iran Arms Controversy Explained

ચીનના “ડાર્ક ફ્લાઈટ્સ”થી ઈરાનમાં પહોંચ્યા હથિયારો? : શું છે રહસ્યમય ઉડાન પાછળનું સત્ય

શું છે રહસ્યમય ઉડાન પાછળનું સત્ય
Published by: Niraj Chokshi
Last Updated: Apr 18, 2026, 07:55 AM IST

ચીનના કેટલાક કાર્ગો વિમાનો રડાર પરથી અચાનક ગાયબ થઈ ગયા અને પછી ઈરાનમાં ઉતર્યા. આ ઘટના માત્ર એક ફ્લાઇટ ટ્રેકિંગ મિસ્ટ્રી નથી પરંતુ તે વિશ્વભરના સુરક્ષા તંત્ર અને રાજનૈતિક સંબંધો પર મોટો પ્રશ્ન ઊભો કરે છે. શું ખરેખર ચીન ઈરાનને ગુપ્ત રીતે હથિયાર મોકલી રહ્યું છે કે આ માત્ર અફવા છે?

ડાર્ક ફ્લાઇટ્સ શું છે અને શું થયું?

તાજેતરના અહેવાલો અનુસાર, ચીનના ચાર કાર્ગો વિમાનો 48 કલાકની અંદર તેમના ટ્રાન્સપોન્ડર (ટ્રેકિંગ સિસ્ટમ) બંધ કરીને ઉડ્યા અને ઈરાન તરફ જતા રડાર પરથી ગાયબ થઈ ગયા. આ ઘટના ટેક્નિકલ ખામી નહીં પરંતુ ઈરાદાપૂર્વક ટ્રેકિંગ છુપાવવા માટે થાય છે. વિમાનન વિશ્લેષકોનું માનવું છે કે જ્યારે કોઈ વિમાન ટ્રાન્સપોન્ડર બંધ કરે છે, ત્યારે તે પોતાની હલચલ છુપાવવાનો પ્રયાસ કરે છે. જેનો ઉપયોગ ઘણી વખત સૈન્ય અથવા સંવેદનશીલ મિશનમાં થાય છે. પરંતુ અહીં સૌથી મહત્વની બાબત એ છે કે આ તમામ માહિતીની હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ થયેલી નથી.

શું ચીન ખરેખર ઈરાનને હથિયાર આપી રહ્યું છે?

આ મુદ્દે વિશ્વમાં બે અલગ-અલગ દાવાઓ સામે આવ્યા છે:

1. અમેરિકી ગુપ્તચર એજન્સીઓના દાવા

અમેરિકી ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સ મુજબ, ચીન ઈરાનને અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ્સ, ખાસ કરીને MANPADS (શોલ્ડર ફાયર મિસાઈલ્સ) આપવા તૈયારીમાં છે. આ દાવા અનુસાર, આ હથિયારો ત્રીજા દેશો મારફતે મોકલાઈ શકે છે જેથી સીધી ઓળખ ટાળી શકાય.

આ પણ વાંચો: પશ્ચિમ એશિયામાં ફરી ભડકાશે યુદ્ધ? : ટ્રમ્પના યુદ્ધવિરામ પરના સંકેતોથી વધી વૈશ્વિક ચિંતા

ચીને આ તમામ આરોપોને “બેઝલેસ સ્મિયર્સ” એટલે કે બિનઆધારિત આરોપ ગણાવીને નકારી કાઢ્યા છે. ચીની વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ કોઈ પણ યુદ્ધગ્રસ્ત પક્ષને હથિયાર પૂરાં પાડતા નથી. ચીનનું કહેવું છે કે તે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરે છે અને આ પ્રકારના આરોપો રાજકીય રીતે પ્રેરિત છે.

ચીન અને ઈરાનના સંબંધો: હકીકતમાં કેટલા નજીક?

ચીન અને ઈરાન વચ્ચે મજબૂત આર્થિક સંબંધ છે ખાસ કરીને તેલ વેપારમાં. ચીન ઈરાન પાસેથી સૌથી વધુ તેલની ખરીદી કરે છે. બંને દેશોએ 25 વર્ષના સહકાર કરાર પણ કર્યા છે, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા અને વેપાર ક્ષેત્રનો સમાવેશ થાય છે.

પરંતુ સૈન્ય સ્તરે બંને દેશો વચ્ચે કોઈ સત્તાવાર ગાઢ ગઠબંધન નથી. વિશ્લેષકો માને છે કે તેમનો સંબંધ “વ્યવહાર આધારિત” છે, એટલે કે પરસ્પર ફાયદા પર આધારિત છે. આ ઘટનાનાં કારણે મધ્યપૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તેલના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે. અમેરિકા-ચીન વચ્ચે વેપાર યુદ્ધ વધવાની પણ શક્યતા છે. વૈશ્વિક સુરક્ષા પર પણ સીધી અસર પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now