વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લેક્સ ફ્રિડમેન સાથેના પોડકાસ્ટની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ છે. કારણ કે તેઓએ કેટલાક એવા વૈશ્વિક મુદ્દાઓ પર ખુલીને જવાબ આપ્યા છે. તેવામાં
ચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર સકારાત્મક પ્રતિક્રિયા આપી છે. ચીનના વિદેશ મંત્રાલયે ભારત-ચીન સંબંધોને મજબૂત કરવા પર પ્રધાનમંત્રી મોદીની ટિપ્પણીની પ્રશંસા કરી અને બંને દેશો વચ્ચે સહયોગને આગળ વધારવા માટે આહ્વાન કર્યું. હકિકતમાં, પીએમ મોદીએ પોડકાસ્ટ દરમિયાન કહ્યું હતું કે સ્પર્ધા સંઘર્ષમાં ન બદલવી જોઈએ અને મતભેદો વિવાદમાં ન બદલવા જોઈએ. ઐતિહાસિક સંદર્ભ આપતા તેમણે કહ્યું કે સદીઓથી ભારત અને ચીને એકબીજા પાસેથી શીખ્યું છે અને વૈશ્વિક સારામાં યોગદાન આપ્યું છે.
ભારત-ચીન સંબંધો પર PM મોદીનું નિવેદન
જો તમે ઐતિહાસિક રેકોર્ડ પર નજર નાખો તો ભારત અને ચીને સાથે મળીને વૈશ્વિક અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. એક તબક્કે, બંને દેશોનો સંયુક્ત વૈશ્વિક જીડીપીના 50%થી વધુનો હિસ્સો હતો. આપણા સાંસ્કૃતિક સંબંધો પણ ખૂબ જ ગાઢ છે. તેમણે સ્વીકાર્યું કે ભારત અને ચીન વચ્ચે કેટલાક મતભેદો છે, પરંતુ તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે તેઓ વિવાદમાં ન ફેરવાય.
ચીનની પ્રતિક્રિયા
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે સોમવારે (17 માર્ચ, 2025) કહ્યું હતું કે ચીને વડા પ્રધાન મોદીના નિવેદનને જોયું છે અને તેની પ્રશંસા કરી છે. અમે ભારત-ચીન સંબંધોને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.
તેમણે કહ્યું, "ભારત અને ચીને ભાગીદાર બનવું જોઈએ જે એકબીજાની સફળતામાં ફાળો આપે, હાથી અને ડ્રેગન વચ્ચેનો સહયોગ બંને દેશો માટે એકમાત્ર વિકલ્પ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, રશિયાના કઝાનમાં પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠક દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડે છે.





