Home Gujarat Chhota Udepur Eklabara Youth Case

છોટાઉદેપુરમાં હુમલાખોરોએ અત્યંત ક્રૂરતાથી જીવ લીધો! : કોતરમાંથી લોહીલુહાણ હાલતમાં 'અંગૂઠા વિના' મળ્યો મૃતદેહ

છોટાઉદેપુર
Published by: Chintan Chavda
Last Updated: Apr 25, 2026, 06:01 AM IST

છોટાઉદેપુર જિલ્લાના એકલબારા ગામે ગત મોડી રાત્રે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં લગ્ન પ્રસંગમાં ગયેલા 32 વર્ષીય યુવકની અજાણ્યા શખ્સો દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હત્યારાઓએ યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેનો અંગૂઠો પણ કાપી નાખ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

શું છે મામલો?

મળતી માહિતી મુજબ, એકલબારા ગામના રહેવાસી 32 વર્ષીય સુનિલ વિઠ્ઠલભાઈ રાઠવા ગત રાત્રિના રોજ ગામમાં જ આયોજિત એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. લગ્ન પતાવીને તેઓ સુખરૂપ ઘરે પરત ફર્યા હતા, પરંતુ ઘરે આવ્યાના થોડા સમય બાદ કોઈ કારણોસર તેઓ ફરીથી ઘરની બહાર નીકળ્યા હતા. મોડી રાત સુધી સુનિલ પરત ન આવતા પરિવારજનોમાં ચિંતા પ્રસરી હતી.

ક્રૂરતાની પરાકાષ્ઠા: શરીર પર ઘા અને અંગૂઠો કપાયેલી હાલતમાં મળ્યો

આજે વહેલી સવારે ગામના સીમ વિસ્તારમાં આવેલા એક કોતરમાંથી સુનિલની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મૃતકના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા જોવા મળ્યા હતા. ચોંકાવનારી બાબત એ હતી કે, હુમલાખોરોએ અત્યંત ક્રૂરતા દાખવી યુવકના હાથનો એક અંગૂઠો પણ શરીરથી અલગ કરી નાખ્યો હતો. આ જોતા પ્રાથમિક દ્રષ્ટિએ અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો 'લોહિયાળ' વળાંક : મહેસાણામાં ભાજપ ઉમેદવાના ભાણાનો તીક્ષ્ણ હથિયાર વડે કરૂણ અંત!

પોલીસ તપાસનો ધમધમાટ

ઘટના અંગે ગામના સરપંચ અને સ્થાનિકોએ તાત્કાલિક છોટાઉદેપુર પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ લગ્ન પ્રસંગના દિવસે જ બનેલી આ ઘટનાએ ગામની ખુશીઓને શોકમાં ફેરવી દીધી છે. પોલીસ આ મામલે કડક તપાસ કરી આરોપીઓને વહેલી તકે ઝડપી લેવા આશ્વાસન આપી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now