Home Gujarat Chemical Theft Scam Busted On Dahej Bharuch Highway

દહેજ–ભરૂચ હાઈવે પરથી ઝડપાયું કેમિકલ ચોરી કૌભાંડ : ટેન્કરનું વાલ્વ ખોલી કરતા ચોરી, 2 ઝડપાયા 1 વોન્ટેડ જાહેર

દહેજ–ભરૂચ હાઈવે પરથી ઝડપાયું કેમિકલ ચોરી કૌભાંડ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 25, 2025, 05:23 PM IST

Bharuch News : વાગરા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા દહેજ વિસ્તારમાં પોલીસ દ્વારા કેમિકલ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. દહેજ–ભરૂચ હાઈવે પર આવેલી મહાદેવ હોટલના પાર્કિંગમાં ચાલી રહેલા અનધિકૃત કેમિકલ ચોરીના મોટા નેટવર્કનો દહેજ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે.

કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું

દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ઝાલા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે જી સિસોદિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વિસ્તારમાં સતર્કતાપૂર્વક પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મહાદેવ હોટલના પાર્કિંગમાં ઉભેલા ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલની ચોરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કેટલાક ઈસમો ટેન્કરમાંથી વાલ્વ મારફતે કેમિકલ કાઢી રહ્યા હતા અને તેમને રંગેહાથ ઝડપવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી મુલારામ બાબુલાલ શર્મા અને દાલુરામ રામાંરામ જાનીની ધરપકડ કરી છે.

ગિરધરસિંગ રાજપૂતને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો

આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક શખ્સ ગિરધરસિંગ રાજપૂતને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ટેન્કર અને કેમિકલ સહિત કુલ રૂ.79,88,967નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, દહેજ વિસ્તારમાં મોટા પાયે ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી રાસાયણિક પદાર્થોની સતત અવરજવર રહેતી હોય છે. આ સ્થિતિનો લાભ લઈ કેટલાક અસામાજિક તત્વો કેમિકલ ચોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપે છે. દહેજ પોલીસની આ સફળ કાર્યવાહીના પગલે કેમિકલ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now