Gujarat Weather: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ફરીથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ત્રણથી ચાર ડિગ્રી ઊંચુ ગયુ છે. ત્યારે હવે મોડી રાતે અને વહેલી સવારે જ ઠંડી લાગી રહી છે. જ્યારે બપોરના સમયે ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી સમયમાં હવામાન કેવું રહેશે તેના અંગે હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તથા પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સમયમાં હવામાનમાં પલટા સાથે માવઠું થવાની શક્યતાની સાથે ફરીથી કડકંડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં આ સપ્તાહ હવામાન શુષ્ક રહેશે. મંગળવારે ગુજરાતનું સૌથી વધુ ઠંડો વિસ્તાર નલિયા રહ્યો હતો. નલિયામાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 16.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 16.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ સાથે જોઈએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 31.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદ અને ગાંધીનગરના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. આજે અમદાવાદમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે તાપમાનમાં ઘટાડા અંગે જણાવ્યું છે કે, આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. જ્યારબાદ આજથી બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે. જેના કારણે ઠંડી વધશે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયુ હતુ. આ સાથે ભુજમાં 14.4, રાજકોટમાં 15, સુરેન્દ્રનગરમાં 17.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.
ફરીથી કડકંડતી ઠંડીનો રાઉન્ડ થશે શરૂ
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાનમાં અંગે જણાવ્યું છે કે, "22મી તારીખથી ફરીથી ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે. ઠંડીનો આ રાઉન્ડ 22થી 28મી સુધી ચાલશે. 22મી તારીખ રાતથી ફરીથી પવનની દિશા બદલાવવાની છે. ત્યારે પવનની દિશા બદલાઈને પણ ઉત્તરથી ઉત્તર પૂર્વના થઈ જશે. જ્યાર બાદ ઠંડી ચાલુ થશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાન ફરીથી સિંગલ ડિજિટમાં આવી શકે છે."
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જાન્યુઆરીના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે હવામાનમાં મોટો પલટો આવશે. વિષમ હવામાનની વિપરીત અસર જોવા મળશે અને 30 જાન્યુઆરી સુધીમાં વિવિધ ભાગમાં હવામાનમાં પલટા આવશે અને હળવું માવઠું થવાની શક્યતાઓ પણ છે. જાન્યુઆરી મહિના અંતમાં હવામાનમાં વારંવાર પલટો આવશે. જેના કારણે અમુક વિસ્તારમાં હળવા વરસાદ થવાની શક્યતા છે. જો કે, ભેજવાળું વાતાવરણ કે વરસાદ થાય તો શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. માવઠાની શક્યતાને લઈ ખેડૂતોની ચિંતા વધશે.

_f0b23cfe-a78d-4114-b782-5e96a3abb15c.png)




