અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં BRTS બસની બ્રેક ફેલ થઈ જતાં બસ સીધી રહેણાંક ફ્લેટમાં ઘૂસી ગઈ હતી. પ્રહલાદ પાર્ક નજીક બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે ભય અને ચકચાર ફેલાવી દીધી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, બસ ડેપોમાંથી બહાર કાઢીને લઈ જવામાં આવી રહી હતી ત્યારે અચાનક તેની બ્રેક ફેલ થઈ ગઈ હતી. નિયંત્રણ ગુમાવેલી બસ રોડ પરથી સીધી ફ્લેટની દીવાલ સાથે અથડાઈ અને દીવાલ તોડી અંદર સુધી પ્રવેશી ગઈ હતી. આ અકસ્માતમાં ફ્લેટને ભારે નુકસાન થયું છે, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી.
વહેલી સવારે ઘટના, મોટી દુર્ઘટના ટળી
આ ઘટના સવારના સમયે બની હતી, જ્યારે પાર્કિંગ વિસ્તારમાં લોકોની અવરજવર ઓછી હોય છે. જેના કારણે મોટી જાનહાની ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જોરદાર અવાજ સાંભળતા જ રહેવાસીઓ બહાર દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળે ભીડ એકત્રિત થઈ ગઈ હતી.
અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. સોસાયટીના લોકોએ બસને રોકી તેની ચાવી પોતાના કબજામાં લઈ લીધી હતી. તેઓએ વારંવાર આવી ઘટનાઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદના નરોડામાં વાહનચોરી કરતી ગેંગ ઝડપાઈ : 23 લાખનાં વાહનો જપ્ત
ફ્લેટને ભારે નુકસાન, જવાબદારી નક્કી
આ અકસ્માતમાં ફ્લેટની દીવાલ તૂટી ગઈ હતી અને મુખ્ય ભાગને પણ નુકસાન પહોંચ્યું હતું. બસ ટ્રાવેલ ટાઈમ ઓપરેટરની હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા જણાવાયું છે કે થયેલ નુકસાનની ભરપાઈ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવશે.
આ સાથે જ બસ ઓપરેટર પર ₹2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આગળ આવી ઘટનાઓ ન બને તે માટે વધુ કડક દેખરેખ રાખવાની વાત કરવામાં આવી છે.





