રાજૌરીમાં બ્લેકઆઉટ, ઉધમપુરમાં વિસ્ફોટ: શ્રીનગર-બારામુલ્લા-છંબમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું, ત્રણ ડ્રોન દેખાયા, જેસલમેર અને બાડમેરમાં પણ ડ્રોન દેખાયા. હાલ પૂરતું જોધપુર અને જેસલમેર, બાડમેરમાં બ્લેકઆઉટ યથાવત્ રહેશે. રાત્રે 9 વાગ્યે પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો. જમ્મુ અને કાશ્મીરમાં LoC પર ગોળીબાર થયો. શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા અને ઉધમપુરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા.
પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનો ભંગ કરવામાં આવ્યો એ અંગે વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા વિક્રમ મિસરીએ કહ્યું કે પાકિસ્તાને સીઝ ફાયરનું ઘોર ઉલ્લંઘન કર્યું છે. સેનાને કડક કાર્યવાહી કરવાનાં આદેશ આપવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, પાકિસ્તાને અખનૂર, રાજૌરી અને આરએસપુરા આંતરરાષ્ટ્રીય સરહદ પર તોપમારો કર્યો છે. તે જ સમયે, બારામુલ્લામાં ડ્રોન હુમલો થયો છે. પાકિસ્તાને જમ્મુના પાલનવાલા સેક્ટરમાં પણ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. તે જ સમયે, ભારતીય દળોને જડબાતોડ જવાબ આપવા નિર્દેશ આપવામાં આવ્યા છે. સરકારે બીએસએફને પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનનો એ જ ભાષામાં જવાબ આપવા જણાવ્યું છે. આ ઘટનાઓ પછી, જમ્મુના મોટા ભાગમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. બારામુલ્લામાં પણ અંધારપટ છવાઈ ગયો છે. શ્રીનગરના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.
આ ઉપરાંત, રાજસ્થાનના પોખરણમાં મોટી સંખ્યામાં ડ્રોન આવી રહ્યા છે. જોકે, ડિફેન્સ સિસ્ટમ તેને નષ્ટ કરી રહી છે. રાજૌરીથી પણ ગોળીબારના અહેવાલો છે. તે જ સમયે, પંજાબના અમૃતસર અને ફિરોઝપુરમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે.






