Home Gujarat Case Of Attack On A Youth In Bagdana Bhavnagar

ભાવનગરના બગદાણામાં યુવાન પર હુમલાનો મામલો : દિનેશ ઉર્ફે દાદુ સોલંકી નામના શખ્સની SIT ટીમે અટકાયત કરી, નવનીત બાલધિયાનું નિવેદન લેવાયું

ભાવનગરના બગદાણામાં યુવાન પર હુમલાનો મામલો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2026, 09:30 AM IST

ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે યુવાન પર થયેલા હુમલાના મામલે SITની તપાસ વધુ તેજ બની છે. બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધિયા પર તારીખ 29 ડિસેમ્બર 2025ના રોજ હુમલો કરવામાં આવ્યો હતો, જે મામલે સમગ્ર જિલ્લામાં ભારે પડઘા પડ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ રેન્જ આઈજી દ્વારા ખાસ SIT ટીમની રચના કરી આ કેસની તપાસ સોંપવામાં આવી હતી.

શખ્સોને ઝડપી લીધા

આ કેસમાં શરૂઆતમાં ફરિયાદી નવનીત બાલધિયા પર હુમલો કરવાના મામલે પોલીસે કુલ 8 શખ્સોને ઝડપી લીધા હતા. ત્યારબાદ SIT ટીમની રચના થયા બાદ વધુ 2 શખ્સોને ધરપકડ કરવામાં આવી હતી. હવે SIT ટીમ દ્વારા વધુ એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. મહુવા તાલુકાના કોદિયા ગામના દિનેશભાઈ ઉર્ફે દાદુ સોલંકી નામના શખ્સને SIT ટીમે ઝડપી લીધો છે. છેલ્લા 15 દિવસથી SIT ટીમ દ્વારા ચાલી રહેલી સઘન તપાસ દરમિયાન નવનીત બાલધિયાને માર મારવામાં સંડોવાયેલા કુલ 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને તપાસને વધુ તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ હુમલાના કેસમાં કુલ 11 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.

નવનીત બાલધિયાના રેન્જ આઈજી કચેરી ખાતે નિવેદન લેવામાં આવ્યા

ઝડપાયેલા દિનેશ સોલંકીને SIT ટીમ મોડીરાત્રે સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ આવી હતી. સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ પૂર્ણ થયા બાદ SIT ટીમ દ્વારા આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે SIT દ્વારા નવનીત બાલધિયાનું રેન્જ આઈજી કચેરી ખાતે નિવેદન લેવામાં આવ્યા બાદ ગણતરીની કલાકોમાં જ વધુ એક શખ્સ ઝડપાયો છે. ત્યારે આ સમગ્ર કેસમાં હજુ કેટલા શખ્સોના નામ બહાર આવશે અને તપાસ ક્યારે પૂર્ણ થશે તે અંગે લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now