Home Gujarat Capital Planning Department Clarifies That Rumours Of Cracks In Ahmedabad Gandhinagar Indira Bridge Are Misleading

અમદાવાદ–ગાંધીનગર ઇન્દિરા બ્રિજ અંગે તિરાડોની અફવાઓ ભ્રામક! : પાટનગર યોજના વિભાગે કરી સ્પષ્ટતા

અમદાવાદ–ગાંધીનગર ઇન્દિરા બ્રિજ અંગે તિરાડોની અફવાઓ ભ્રામક!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 04, 2026, 10:30 AM IST

અમદાવાદ અને ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજ પર તિરાડો પડ્યાની અહેવાલોને લઈ તંત્રએ સ્પષ્ટતા કરી છે. પાટનગર યોજના વિભાગ-૩ ના કાર્યપાલક ઇજનેર અને પેટા વિભાગ-18 ના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા સંયુક્ત રૂબરૂ તપાસ કરવામાં આવી હતી, જેમાં ખુલાસો થયો છે કે મીડિયા માં પ્રસિદ્ધ થયેલા સમાચાર તદ્દન ખોટા અને ભ્રામક છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જેને તિરાડ તરીકે રજૂ કરવામાં આવી રહી છે, તે વાસ્તવમાં કોઈ સ્ટ્રક્ચરલ ક્ષતિ નથી. આ બ્રિજના બે સ્પાન વચ્ચે મૂકવામાં આવેલું ‘એક્સપાન્શન જોઈન્ટ’ છે. સિવિલ એન્જિનિયરિંગના નિયમો મુજબ તાપમાનમાં થતા ફેરફારને કારણે મટિરિયલમાં થતી વધઘટને સંતુલિત કરવા માટે આવા એક્સપાન્શન જોઈન્ટ મૂકવામાં આવે છે.

પાટનગર યોજના વિભાગ દ્વારા ઇન્દિરા બ્રિજની સમયાંતરે નિયમિત ટેકનિકલ તપાસ કરવામાં આવે છે. તાજેતરમાં જ ‘ઇન્ફાઇનાઇટ કન્સલ્ટન્ટ’ દ્વારા કરાયેલી સંપૂર્ણ ટેકનિકલ ઓડિટમાં પણ બ્રિજની મુખ્ય સંરચનામાં કોઈપણ પ્રકારની ક્ષતિ જોવા મળી નથી. આથી, ઇન્દિરા બ્રિજ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે.

વિભાગે જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારના ભય કે અફવાઓમાં ન આવી નિર્ભયતાથી બ્રિજનો ઉપયોગ કરવો. સાથે જ, પાયાવિહોણા અને ભ્રામક સમાચારોને અવગણવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ઇન્દિરા બ્રિજ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનો મહત્વનો માર્ગ હોવાથી રોજ હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. તંત્રની આ સ્પષ્ટતા બાદ લોકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર થઈ છે અને બ્રિજની સુરક્ષાને લઈને વિશ્વાસ પુનઃસ્થાપિત થયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now