Home Gujarat Bulldozer Roars On Illegal Pressures In Thangadh

થાનગઢમાં ગેરકાયદે દબાણો પર 'બુલડોઝર ગાજ્યું'! : 260 ગેરકાયદે દુકાનો, કારખાના અને હોસ્પિટલ પર તંત્રની મોટી કાર્યવાહી

થાનગઢમાં ગેરકાયદે દબાણો પર 'બુલડોઝર ગાજ્યું'!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 11:21 AM IST

સુરેન્દ્રનગરના થાનગઢ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે વહીવટી તંત્રએ કડક વલણ અપનાવી મોટાપાયે ડેમોલેશન ઝુંબેશ હાથ ધરી છે. શહેરના સૂર્યાચોકથી તરણેતર રોડ સુધી ફેલાયેલી સરકારી જમીન પર ઉભા કરાયેલા દુકાનો, કારખાના તેમજ હોસ્પિટલ સહિતના કુલ 260 ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી તંત્રએ અંદાજે દસ કરોડ રૂપિયાની સરકારી જમીન દબાણમુક્ત કરાવી છે.

થાનગઢમાં દાદાનું બુલડોઝર ગાજ્યું!

આ કાર્યવાહી પ્રાંત અધિકારી ચોટીલા હરેશ મકવાણા તથા થાનગઢ મામલતદારની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રએ રાતના એક વાગ્યાથી ડિમોલેશન ઝુંબેશ શરૂ કરી હતી. પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવાર સુધી ચાલેલી કાર્યવાહી દરમિયાન એક પછી એક ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.

દબાણકારો સામે કડક કાર્યવાહી

આ ઉપરાંત સોનગઢ અમલાપર ગામની શીમ વિસ્તારમાં પણ સરકારી જમીન પર દબાણ કરી બાંધકામ કરીને ભાડું ઉઘરાવતા દબાણકારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રએ આવા 26 દબાણકારોને ઓળખી તેમના પર દંડનીય કાર્યવાહી શરૂ કરી છે તેમજ ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર કબ્જો કરવા બદલ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને આવનારા સમયમાં પણ આવા દબાણકારો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ ઝુંબેશે સમગ્ર વિસ્તારમાં દબાણકારોમાં ફફડાટ ફેલાવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now