Big Breaking News About Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલાં આતંકી હુમલા બાદ દેશભરમાં એક પ્રકારે હાઈઅલર્ટ જેવી સ્થિતિ છે. સુરક્ષા એજન્સીઓ પણ સમગ્ર ઘટનાને પગલે સઘન તપાસ કરી રહી છે. પીએમ મોદીની સુચના મુજબ ભારત સરકાર દ્વારા પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલાં આતંકી હુમલાની ઘટનાને ખુબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. વિવિધ સ્તર પર સમગ્ર ઘટના અંગે વિગતવાર તપાસ થઈ રહી છે. ત્યારે સમગ્ર મામલે એક મોટો ઘટસ્ફોટ થયો છે. સુરક્ષા એજન્સીઓની તપાસ દરમિયાન સામે આવ્યું છેકે, પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલાં આતંકી હુમલા પહેલાં 15 જેટલાં કશ્મીરીઓએ પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરી હતી.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓ સામે કાર્યવાહી સઘન બનાવી દીધી છે. પહેલગામની ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરના 9 આતંકવાદીઓના ઘરોને બોમ્બથી ઉડાવી દીધાં છે. તેમજ UAPAના કાયદા હેઠળ આતંકવાદીઓના 64 સહાયકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘાટીમાં એક બાદ એક આતંકીનો ખાત્મો બોલાવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
પહેલગામ આતંકી હુમલામાં લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠનની ટીમ TRF એટેલેકે, ધ રજિસ્ટન્સ ફ્રન્ટ નો હાથ હોવાનું ખુલ્યું છે. ત્યારે આ ઘટના બાદ ત્રાસ અને બ્રિજબેહરામાં એક બાદ એક આતંકીઓના ઘરોને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની કાર્યવાહી સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં પુલવામાના ત્રાલમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આમિર નઝીરનું ઘર તોડી પાડવામાં આવ્યું. તેમજ પુલવામાના ખાસીપોરામાં જૈશના આતંકવાદી અમીર નઝીર વાનીના ઘરને ઉડાવી દેવામાં આવ્યું.
અત્યાર સુધીમાં કાશ્મીર ખીણમાં આતંકવાદીઓના કુલ 9 ઘરોને ઉડાવી દેવામાં આવ્યા છે. આ પહેલા શોપિયા જિલ્લાના વાંદીના વિસ્તારમાં આતંકવાદી અદનાન શફીનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. અદનાન શફી લગભગ એક વર્ષ પહેલા લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો. આ પહેલા કુપવાડામાં આતંકવાદી ફારૂક અહેમદના ઘરને ઉડાવી દેવામાં આવ્યું હતું. આ બધા સહિત, અત્યાર સુધીમાં કાશ્મીર ખીણમાં કુલ 9 આતંકવાદીઓના ઘરો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.
શ્રીનગરમાં આતંકવાદી સહાયકોના 64 સ્થળો સામે UAPA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે કુલગામમાંથી 2 આતંકવાદી સહાયકોની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને કાશ્મીરમાં જ હાજર 15 ઓવરગ્રાઉન્ડ વર્કર્સે મદદ કરી હતી. આ મદદગારોની ઓળખ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના આધારે કરવામાં આવી છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ લોકોએ હુમલાખોરોને લોજિસ્ટિક્સ પૂરું પાડ્યું હતું અને સંભવતઃ પાકિસ્તાનથી શસ્ત્રોનો માલ પણ મેળવ્યો હતો.






