Home Entertainment Bollywood Actresses Affair With Underworld Don Early 80 90 Era

FLASHBACK OF BOLLYWOOD : એ સમય જ્યારે ફિલ્મોની અભિનેત્રીઓ પર અંડરવર્લ્ડ માફિયાઓનું આવ્યું દિલ

FLASHBACK OF BOLLYWOOD
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2025, 03:59 AM IST

અભિનેતા સૈફ અલી ખાન પર ફાયરિંગની ઘટના હોય કે લોરેન્સ બિશ્નોઈ ગેંગની સલમાન ખાન સાથે દુશ્મનીની દાસ્તાન હોય. આજે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફફડાટ છે. સિનેજગત સાથે સંકળાયેલા લોકોમાં ડર છે કે ફરી એકવાર બોલિવુડમાં ગેંગસ્ટર્સનો તો પગપેસારો નહીં થઈ જાય?...  જે કલાકારોએ 80 અને 90ના દાયકામાં કામ કર્યું છે તેઓ સારી રીતે જાણે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો પર કેવી રીતે માફિયાઓ, અંડરવર્લ્ડ ડૉનની દાદાગીરી ચાલતી, ખંડણીઓ ઉઘરાવવામાં આવતી અને ખંડણી કોઈ ના આપે તો સરાજાહેર તેના પર હુમલા કરાતા.

70 થી 90ના દાયકામાં અંડરવર્લ્ડ ડૉનના કાર્યક્રમો કે પાર્ટીમાં હિન્દી ફિલ્મ જગતના કલાકારો ન માત્ર હાજરી આપતા હતા પરંતું પર્ફોમન્સ પણ આપતા હતા. ગેંગસ્ટર વોર, દાણચોરી, સટ્ટાબજર, ખંડણીખોરી કરવી અંડરવર્લ્ડ માફિયાઓના મુખ્ય કામ રહેતા હતા. 70 થી 90ના દાયકામાં ગેંગસ્ટર્સ, અંડરવર્લ્ડ ડૉન માફિયાઓ બોલિવૂડની અભિનેત્રીઓ પર આફરીન હતા. બોલિવૂડની ફિલ્મોમાં રૂપિયા કમાવવામાં રસ દાખવતા ડૉન બોલિવૂડની ખૂબસુરત અભિનેત્રીઓમાં રસ દાખવવા લાગ્યા.  ડૉન દાઉદ ઈબ્રાહીમ, હાજી મસ્તાન, અબુ સાલેમ, વિકી ગોસ્વામી હિન્દી ફિલ્મોની આ ખૂબસુરત અદાકારાના પ્રેમમાં પડ્યા...

 હિન્દી ફિલ્મોમાં સાથે કામ કરતા એકટર અને એક્ટ્રેસીસ વચ્ચે તો પ્રેમસંબંધ બંધાયા હોય એવા તો ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે... કોઈ એક્ટ્રેસે તેના સહકલાકારને પોતાનો જીવનસાથી બનાવ્યો... કોઈ અભિનેત્રીએ  ડિરેકટર કે પ્રોડ્યુસર સાથે લગન કર્યા પરંતુ બોલિવૂડની કેટલીક એવી અભિનેત્રીઓ જેમને પ્રેમ તો કર્યો પરંતું આ પ્રેમ કરવા માટે તેમણે જીવનમાં ઘણી મુશ્કેલી વેઠવી પડી. કોઈ અભિનેત્રીને જેલવાસ ભોગવવો પડ્યો તો કોઈ અભિનેત્રીએ સન્યાસી બની જવું પડ્યું... જાણીએ મુંબઈમાં રાજ કરવા આવેલા ડૉન બોલિવૂડની કઈ હિરોઈનોની સુંદરતાના શિકાર બની ગયા.

 

1. મંદાકિનીથી મોહિત થયા દાઉદ ઈબ્રાહિમ

મંદાકિની રામ તેરી ગંગા મૈલીથી  ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં રાતોરાત સ્ટાર બની હતી. વર્ષ 1985માં 'રામ તેરી ગંગા મૈલી' ફિલ્મમાં મંદાકિનીના બોલ્ડ અવતારે તે સમયે દેશભરમાં ચર્ચા જગાવી દીધી હતી. મંદાકિનીના દેશભરમાં હજારો ચાહકો થઈ ગયા હતા અને તેમાં ડૉન દાઉદ ઈબ્રાહીમનો પણ સમાવેશ થાય છે. વર્ષ 1994-95માં દુબઈના શારજાહ સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચમાં મંદાકિની ડૉન દાઉદ ઈબ્રાહીમ સાથે જોવા મળી હતી. બંનેના સાથેના ફોટા તે સમયે સમાચારપત્રોની હેડલાઈન બની ગયા હતા. બંનેના અફેરની ઘણી વાતો ચાલી પરંતું મંદાકિનીએ આ બધી વાતને ખોટી ગણાવી હતી. કહેવાય છે કે મંદાકિનીને ડૉન દાઉદ ઈબ્રાહીમના કારણે અનેક ફિલ્મોમાં કામ મળ્યુ હતું. વર્ષ 1996માં મંદાકિની 'જોરદાર' ફિલ્મમાં જોવા મળી હતી અને ત્યારબાદ તેની ફિલ્મી કારકિર્દી ખત્તમ થઈ ગઈ. મંદાકિનીએ ડૉન દાઉદ ઈબ્રાહીમ સાથે લગ્ન કરી લીધા હોવાનું પણ સામે આવ્યુ હતું.

 

2. અબૂ સાલેમના પ્રેમમાં મોનિકા બેદી બરબાદ

એકટ્રેસ મોનિકા બેદીને ડૉન દાઉદ ઈબ્રાહીમના રાઈટ હેંડ કહેવાતા અબૂ સાલેમ સાથે પ્રેમ થયો. અબૂ સાલેમ સાથે પ્રેમ કરવો તે અભિનેત્રી મોનિકા બેદીના જીવનની સૌથી મોટી ભૂલ રહી હતી. વર્ષ 1998માં દુબઈમાં એક શોમાં હાજરી આપવા માટે મોનિકા બેદી ગઈ હતી. મોનિકા બેદીની મુલાકાત ત્યા અબૂ સાલેમ સાથે થઈ હતી. અબૂ સાલેમે પોતાની ઓળખ બિઝનેસમેન તરીકેની આપી હતી. મુંબઈ પરત આવ્યા બાદ 9 મહિના સુધી મોનિકાની અબૂ સાલેમ સાથે ફોન પર વાતચીત થતી હતી. ત્યારબાદ મોનિકાને જ્યારે ખબર પડી કે અબૂ સાલેમ કુખ્યાત ડૉન છે જે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ અને ગુલશન કુમારની હત્યા સહિતના ગુનામાં સંડોવાયલો છે ત્યારે ઘણુ મોડું થઈ ગયુ હતું. મોનિકા બેદી અબૂ સાલેમના પ્રેમમાં આંધળી થઈ ચૂકી હતી. કહેવાય છે કે અબૂ સાલેમ પ્રોડ્યુસરને ધમકી આપી મોનિકા બેદીને કામ અપાવતો હતો, ત્યારબાદ નકલી પાસપોર્ટ કેસમાં મોનિકા બેદીને 5 વર્ષની જેલની સજા થઈ. પોર્ટુગલથી મોનિકા અને અબૂને મુંબઈ પરત લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મોનિકાએ અબૂ સાલેમ સાથે સંબંઘ તોડી નાખ્યા હતા અને નવી જિંદગીની શરૂઆત કરી દીધી.

 

3. મમતા કુલકર્ણી ડ્રગ્સ પેડલરના પ્રેમમાં પડી

બોલિવૂડમાં 90ના દાયકામાં એક સમયે મમતા કુલકર્ણીની બોલબાલા હતી. મમતા કુલકર્ણી તેની બોલ્ડ અદાઓ અને સુંદરતાના કારણે ચર્ચામાં રહેતી હતી. તિરંગા, આશિક આાવારા,વક્ત હમારા હૈ, ક્રાંતિવીર,કરણ અર્જુન સહિતની ફિલ્મોમાં કામ કરનાર મમતા કુલકર્ણીના પણ અંડરવર્લ્ડ સાથે તાર જોડાયેલા રહ્યા હતા. મમતા કુલકર્ણીનું નામ શરૂઆતમાં અંડરવર્લ્ડ ડૉન 'છોટા રાજન' સાથે ચર્ચાયું હતું. કહેવાય છે કે છોટા રાજનના કારણે તેને 'ચાઈના ગેટ' ફિલ્મ મળી હતી. ચાઈના ગેટ ફિલ્મથી મમતાને કોઈ ફાયદો થયો નહોતો અને તેનું 'છમ્મા છમ્મા' ગીત ઉર્મિલા માતોડકરને મળી ગયુ હતું જે સુપરહિટ નીવડ્યુ હતું.

મમતા કુલકર્ણીનું ત્યારબાદ નામ ડ્રગ્સની હેરાફેરી કરનાર વિક્કી ગોસ્વામી સાથે નામ જોડાયું. કહેવાય છે કે મમતા વિક્કી જોડે દુબઈ અને કેન્યામાં રહી હતી. બંને 10 વર્ષ સુધી સાથે રહ્યા હતા. વર્ષ 2014માં પોલીસે કેન્યાથી મમતાની ધરપકડ કરી હતી.ડૉન સાથે પ્રેમસબંધ બાંધનાર મમતા કુલકર્ણીએ ત્યારબાદ અધ્યાત્મિકતાનો રસ્તો સ્વીકાર્યો અને તે સાધ્વી બની ગઈ હતી. થોડા દિવસ અગાઉ ફરી એકવાર મમતા કુલકર્ણી ચર્ચામાં આવી હતી.

 

4. દાઉદ ઈબ્રાહીમ બીજી હિરોઈન પર પણ ફિદા

અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમના 90ના દાયકાની અભિનેત્રી અનિતા અયૂબ સાથે દાઉદનું અફેર રહ્યુ હતું. વર્ષ 1995માં ફિલ્મ પ્રોડ્યુસર જાવેદ સિદ્દિકીએ અનિતા અયૂબને ફિલ્મમાં કામ આપવા માટેની મનાઈ કરી દીધી હતી. ડૉન દાઉદ ઈબ્રાહીમે તેનો બદલો લીધો અને દાઉદની ગેંગે પ્રોડ્યુસર જાવેદ સિદ્દિકીને ઠાર મારી દીધો હતો. દાઉદ ઈબ્રાહીમ અને અનિતા અયૂબની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

 

5. અંડરવર્લ્ડના પહેલા ડૉન પણ પ્રેમમાં પડ્યા

ડૉન દાઉદ ઈબ્રાહીમ પહેલા હાજી મસ્તાનનો અંડરવર્લ્ડની દુનિયામાં દબદબો હતો. હાજી મસ્તાન અંડરવર્લ્ડની દુનિયાનો પહેલો ડૉન કહેવાતો હતો  હાજી મસ્તાનનો બોલિવૂડ અભિનેત્રી સોના વચ્ચે અફેર રહ્યુ હતુ. હાજી મસ્તાન અને સોનાની પ્રેમકહાની પર આધારિત ફિલ્મ 'વન્સ અપન અ ટાઈમ ઈન મુંબઈ' ફિલ્મ બની હતી. હાજી મસ્તાન પહેલા અભિનેત્રી 'મધુબાલા'ની ખૂબસુરતીના દિવાના હતા, હાજી મસ્તાન મધુબાલા સાથે લગ્ન કરવા માગતા હતા. હાજી મસ્તાન મધુબાલાને પ્રેમનો એકરાર કરે તે પહેલા મધુબાલાનું અવસાન થઈ ગયુ હતું. ત્યારબાદ બોલિવૂડમાં મધુબાલાની હમશકલ કહેવાતી અભિનેત્રી સોના હાજી મસ્તાનના જીવનમાં આવી. હાજી મસ્તાને સોના સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને સોના લગ્ન માટે તૈયાર થઈ ગઈ. હાજી મસ્તાન પહેલેથી પરિણીત હતા. થોડા વર્ષો બાદ હાજી મસ્તાનનું નિધન થઈ ગયું અને તે બાદ સોનાની જીંદગી બદલાઈ ગઈ અને એવો સમય પણ આ અભિનેત્રીએ જોયો કે તેને બે ટંકનું ભોજન મેળવવા મુશ્કેલી પડતી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now