અમેરિકા હાલમાં પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપનો સામનો કરી રહ્યું છે. અમેરિકાના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં છેલ્લા એક દાયકાનું સૌથી શક્તિશાળી 'નોરઈસ્ટર' તોફાન ત્રાટક્યું છે. બરફની સફેદ ચાદર વચ્ચે જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. 153 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર પ્રતિષ્ઠિત અખબાર 'ધ બોસ્ટન ગ્લોબ' છાપી શકાયું નથી, જે આ કુદરતી આફતની ગંભીરતા દર્શાવે છે. હાડ થીજવતી ઠંડી, 110 માઈલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો અને અનેક ફૂટ સુધી જામેલા બરફને કારણે અમેરિકાના અનેક રાજ્યોમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. રવિવારથી મંગળવાર દરમિયાન પ્રચંડ હિમવર્ષાને કારણે પરિવહનથી લઈને વીજ પુરવઠા સુધીની તમામ સેવાઓ ખોરવાઈ ગઈ છે.
11,000 થી વધુ ફ્લાઈટ્સ રદ: એરપોર્ટ બન્યા બરફના મેદાન
ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ 'ફ્લાઈટઅવેર'ના રિપોર્ટ અનુસાર, રવિવાર અને મંગળવારની વચ્ચે અંદાજે 11,055 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એકલા સોમવારે જ કુલ ફ્લાઈટ્સના 20% એટલે કે લગભગ 5,700 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. રનવે પર બરફના થર જામી જવાને કારણે વિમાનોના પૈડાં થંભી ગયા છે, જેના લીધે હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે.
153 વર્ષમાં પહેલીવાર અખબાર ન છપાયું
આ તોફાનની અસર એટલી વ્યાપક હતી કે બોસ્ટનનું જાણીતું અખબાર 'ધ બોસ્ટન ગ્લોબ' તેના 153 વર્ષના લાંબા ઈતિહાસમાં પ્રથમ વખત પ્રિન્ટ થઈ શક્યું નથી. ભારે બરફવર્ષાને કારણે છાપખાનાના કર્મચારીઓ પ્રેસ સુધી પહોંચી શક્યા ન હતા, જેના કારણે અખબારનું વિતરણ અટકી ગયું હતું.
5 લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ
ઉત્તર-પૂર્વીય અમેરિકામાં વીજળીની લાઈનો પર બરફ પડવાને કારણે અને તેજ પવનથી થાંભલા પડી જવાને કારણે અંધારપટ છવાઈ ગયો છે. સોમવાર સાંજ સુધીમાં અંદાજે 5.19 લાખથી વધુ ઘરો અને વ્યવસાયિક એકમોમાં વીજળી ગુલ હતી, જેના કારણે માઈનસ ડિગ્રી તાપમાનમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
રેકોર્ડબ્રેક હિમવર્ષા: 1978નો રેકોર્ડ તૂટ્યો
નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર:
રોડ આઇલેન્ડ (પ્રોવિડન્સ): અહીં 32.8 ઇંચ બરફ પડ્યો, જેણે 1978ના 28.6 ઇંચના રેકોર્ડને તોડી નાખ્યો છે.
મેસેચ્યુસેટ્સ: કેટલાક વિસ્તારોમાં 37 ઇંચ સુધી બરફ નોંધાયો છે.
ન્યૂયોર્ક: સેન્ટ્રલ પાર્કમાં 20 ઇંચ અને લોંગ આઇલેન્ડમાં 22 ઇંચ બરફ પડ્યો છે.
અનેક રાજ્યોમાં ઇમરજન્સી અને ટ્રાવેલ બેન
પરિસ્થિતિની ગંભીરતા જોતા ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી છે અને નેશનલ ગાર્ડને તૈનાત કર્યા છે. મેસેચ્યુસેટ્સ અને રોડ આઇલેન્ડમાં પણ ગવર્નરોએ 'ટ્રાવેલ બેન' (મુસાફરી પર પ્રતિબંધ) લાદી દીધો છે. ન્યૂયોર્ક અને બોસ્ટન વચ્ચેની ટ્રેન સેવાઓ અને બ્રોડવેના તમામ શો પણ રદ કરવામાં આવ્યા છે.
શું છે આ 'નોરઈસ્ટર' તોફાન? કેવી રીતે બને છે?
વૈજ્ઞાનિકો આને છેલ્લા દાયકાનું સૌથી શક્તિશાળી 'નોરઈસ્ટર' (Nor'easter) તોફાન ગણાવી રહ્યા છે.
ઠંડી અને ગરમ હવાનું મિશ્રણ: જ્યારે કેનેડા તરફથી આવતી અત્યંત ઠંડી હવા અને એટલાન્ટિક મહાસાગરની ગરમ તથા ભેજવાળી હવા એકબીજા સાથે ટકરાય છે, ત્યારે આ ચક્રવાત સર્જાય છે.
દિશા: આ તોફાનમાં પવન ઉત્તર-પૂર્વ (North-East) દિશામાંથી ફૂંકાય છે, તેથી તેને 'નોરઈસ્ટર' કહેવામાં આવે છે.
જેટ સ્ટ્રીમની ભૂમિકા: આકાશમાં તેજ ગતિએ ફૂંકાતા પવનો (જેટ સ્ટ્રીમ) આ સિસ્ટમને વધુ વેગ આપે છે, જેના કારણે ટૂંકા સમયમાં અનેક ફૂટ બરફ પડી જાય છે.




















