બોટાદમાં ખેડૂતોના વિરોધને લઈને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અત્યારે ગુજરાત આવ્યા છે. ત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવતીકાલે યોજાનારી કિસાન મહાપંચાયતમાં હાજરી આપવાના છે. તેને લઈને ભરત બોઘરા અને કુંવરજી બાવળિયાએ કેજરીવાલને આડેહાથ લીધા છે.
કુંવરજી બાવળિયાને પૂછવામાં આવી આવી કે અરવિંદ કેજરીવાલ ખેડૂતો માટે આવી રહ્યા છે ત્યારે કુંવરજીએ કહ્યું કે,'તેનાથી કોઈ અસર ન થાય. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના અને બોટાદના અમારા સમાજના લોકો જે થોડા-ઘણા ગેરમાર્ગે દોરાયા હતા, તેમણે પણ ખ્યાલ આવ્યો કે જેનું માથાળુ જ નથી તેની પાછળ ચાલવાનો કોઈ ફાયદો નથી. એટલે એમાં આપ વાળા કે કોઈ મિત્રો ફર્યા કરે તેનાથી ગુજરાતમાં અમારા સમાજમાં કોઈ અસર થવાની નથી.'
ભરત બોઘરાએ કેજરીવાલ પર નિશાન સાધતાં કહ્યું, "સ્વાભાવિક છે કે જેમ જેમ ચુંટણી નજીક આવે તેમ રાજકીય પક્ષો પોતાના એજન્ડા લઈને આવતા હોય છે. પરંતુ જે રીતે કેજરીવાલ ગુજરાતમાં આવી રહ્યા છે, મારે આજે દુખ સાથે કહેવું છે કે કેજરીવાલને ખેડૂતો માટે કોઈ ચિંતા નથી, પરંતુ ગુજરાતની શાંતિને ડિસ્ટર્બ કરવાનું એક ષડયંત્ર છે."
વધુમાં ભરત બોઘરાએ કહ્યું, "10 વર્ષ પહેલા દિલ્હીની જનતાએ તેમણે ધુરા સોંપી દીધા હતા, પરંતુ 10 વર્ષમાં દિલ્હીના શું હાલ છે તે આપણે બધા જાણીએ જ છીએ. છેલ્લા 7 વર્ષથી પંજાબની અંદર પણ આમ આદમી પાર્ટીને શાસન સોંપ્યા બાદ પંજાબના ખેડૂતોની શું સ્થિતિ છે, તે પણ જોવા જેવી છે." ગુજરાતની સરકાર ખેડૂતોની સરકાર છે, વરસાદના અને અન્ય કારણે ખેડૂતોને સમસ્યા થઈ છે તેને ગુજરાત સરકાર જ ઉકેલશે, તેનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. મારી સૌ પોલિટિકલ કાર્યકર્તાઓને વિનંતી છે કે મહેરબાની કરીને ખેડૂતોને ગુમરાહ કરવાને બદલે તેમની વાસ્તવિક સ્થિતિની વચ્ચે રહીને મદદ કરો એમ ભરત બોઘરાએ ઉમેર્યું.






