પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના અધ્યક્ષ અને પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ કહ્યું કે પાકિસ્તાન અમેરિકા અને ચીન વચ્ચે બ્રિજ તરીકે કામ કરી શકે છે. મ્યૂનિખ સુરક્ષા પરિષદ દરમિયાન તેમણે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો, ભારત સાથેના સંબંધો સહિત પાકિસ્તાનની ભૂમિકા અંગે ખુલ્લેઆમ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.
બિલાવલ ભુટ્ટો ઝરદારીએ જણાવ્યું હતું કે, અમેરિકા અને ચીન વચ્ચે વધતી સ્પર્ધાની અસર સ્પષ્ટ રીતે સમગ્ર વિશ્વમાં પડી રહી છે. પાકિસ્તાને હંમેશા વિભાજનકારી શક્તિને બદલે એકીકૃત શક્તિની ભૂમિકા ભજવી છે. "આપણે આપણી જાતને એક એવા દેશ તરીકે જોવા માંગીએ છીએ જે વિભાજનને વધારવાને બદલે તે અંતરને ઘટાડી શકે".
ટ્રમ્પના નવા વહિવટીતંત્ર વિષયે પૂછવામાં આવતા બિલાવલે ડોનાલ્ડ ટ્રમ્પને સોદાગર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે અનેક ચેલેન્જિસ હોવા છતાં, એવા ઘણા ક્ષેત્રો છે જેમાં બંને દેશો સાથે મળીને કામ કરી શકે છે. તેમણે કહ્યું, "ભારતને ચીન-અમેરિકા સંઘર્ષની વચ્ચે મૂકવાથી આ ક્ષેત્રમાં સત્તાના સંતુલનને અસર થાય છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે હથિયારોની સ્પર્ધાનો ઉલ્લેખ કરતા બિલાવલે કહ્યું કે બંને દેશો ગરીબી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જો કે, જો અમેરિકા ભારતને શસ્ત્રોના રૂપમાં સુરક્ષા પ્રદાન કરે છે, તો પાકિસ્તાને પણ તે રેસમાં જોડાવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન પાસે ચીન જેવો મજબૂત મિત્ર છે. તેથી, ચીન સાથેનો વેપાર પાકિસ્તાન માટે વધુ ફાયદાકારક છે.
ગત વર્ષે પાકિસ્તાને અમેરિકા સાથે વધુ સારા સંબંધો માટે ચીન સાથેના સંબંધોનો તોડવાની સંભાવનાને નકારી કાઢી હતી. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે પાકિસ્તાન અમેરિકા અને ચીન સાથેના તેના સંબંધોને સમાન રીતે મહત્વપૂર્ણ માને છે.





