હાલ પ્રયાગરાજ જવા માટે સમગ્ર દેશમાં પડાપડી થઈ રહી છે. જ્યાં જગ્યા મળે ત્યાં બેસીને લોકો મહાકુંભ પહોંચી રહ્યાં છે. તેવામાં ટ્રેનમાં હુમલાની આજકાલ ખબરો વધુ આવે છે. કારણ કે ટ્રેન ફૂલ થઈ જતાં કેટલાક લોકો ટ્રેનને અંદરથી બંધ કરી દે છે અને પછી સ્ટેશન પર ટ્રેન આવે ત્યારે કોઈ પણ અંદર ના આવી શક્તા ભારે હોબાળો થતો હોય છે તેવી સ્થિતિમાં બિહારના લોકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન સાસારામ રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક સ્ટીલની ડસ્ટબિનથી કુંભ સ્પેશિયલ ટ્રેનનો બંધ દરવાજો તોડી રહ્યો છે.
વાયરલ વીડિયો 28 જાન્યુઆરીનો હોવાનું અનુમાન
સાસારામના RPFએ FIR નોંધી છે, જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે. FIR અનુસાર, આ વાયરલ વીડિયો 28 જાન્યુઆરીનો હોવાનું કહેવાય છે, જેમાં પ્લેટફોર્મ નંબર 2 પર એક યુવક રેલવેના AC કોચના દરવાજાને સ્ટીલના ડસ્ટબિનથી અથડાવે છે અને તેને તોડી રહ્યો છે. આ દરમિયાન દરવાજાનો કાચ તુટી જાય છે. વીડિયોમાં યુવક ડસ્ટબિન બોક્સ વડે દરવાજાને જોરથી અથડાતો જોઈ શકાય છે. સાસારામ રેલ્વે સ્ટેશન પર ટ્રેનના દરવાજાને નુકસાનનો વાયરલ થયેલો વીડિયો પ્રશાસન માટે ચિંતાનો વિષય છે. હાલમાં આ મામલે RPFએ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.
પ્રયાગરાજ જતી ટ્રેનોના દરવાજા નથી ખુલી રહ્યા
આ વીડિયો વાયરલ થયા બાદ સાસારામ રેલવે સ્ટેશન પર પ્રયાગરાજ જતી ટ્રેનોના દરવાજા ન ખૂલવાની સતત ફરિયાદો આવી રહી છે. સાસારામ આરપીએફના ઇન્સ્પેક્ટર સંજીવ કુમારનું કહેવું છે કે વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાસારામ રેલ્વે સ્ટેશન પર સુરક્ષા વધારવા અને આવી ઘટનાઓને રોકવા માટે પગલાં લેવામાં આવશે.





