બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો તેજસ્વી યાદવને બનાવવા અંગે રાજકારણ ગરમાયું છે. હવે વિપક્ષી ગઠબંધનનો ભાગ વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP)ના સુપ્રીમો મુકેશ સાહનીના નિવેદનથી હલચલ મચી છે. સુપૌલમાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન, સાહનીએ કહ્યું હતું કે તેજસ્વીને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવાનો નિર્ણય એકલા રાહુલ ગાંધી લેશે નહીં. તાજેતરમાં પૂર્ણિયામાં મહાગઠબંધનની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ RJD નેતા તેજસ્વીને મુખ્યમંત્રી બનાવવાના પ્રશ્નને ટાળ્યો હતો. જેનાથી ચર્ચાઓનો દોર શરૂ થયો છે. શાસક ભાજપ અને NDAના નેતાઓએ પણ તેને મુદ્દો બનાવ્યો છે.
''રાહુલ ગાંધી જ નક્કી કરશે નહીં કે...''
બિહારના ભૂતપૂર્વ મંત્રી મુકેશ સાહનીએ મંગળવારે સુપૌલમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "રાહુલ ગાંધી જ નક્કી કરશે નહીં કે તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બનશે. તેના બદલે તમામ પક્ષો સાથે મળીને આ અંગે નિર્ણય લેશે. તે સ્પષ્ટ છે કે ચૂંટણી તેજસ્વીના નેતૃત્વમાં લડવામાં આવશે, પરંતુ આ નિર્ણય ગઠબંધનના સ્તરે લેવામાં આવશે" આ નિવેદન સાથે, સાહનીએ સ્પષ્ટ કર્યું કે, મુખ્યમંત્રી પદનો નિર્ણય ફક્ત કોંગ્રેસ કે રાહુલ ગાંધીના મંતવ્ય પર નહીં, પરંતુ તમામ પક્ષોની સંમતિથી લેવામાં આવશે''.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલી મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં અનિયમિતતાનો આરોપ લગાવતા, રાહુલ ગાંધી તેજસ્વી યાદવ, મુકેશ સાહની અને મહાગઠબંધનના અન્ય નેતાઓ સાથે બિહારનો પ્રવાસ કરી રહ્યા છે. તેમની મતદાર અધિકાર યાત્રા 24 ઓગસ્ટના રોજ પૂર્ણિયા પહોંચી હતી. અહીં પત્રકાર પરિષદ દરમિયાન, એક પત્રકારે રાહુલને તેજસ્વીને મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરવા અંગે પૂછ્યું. આના પર રાહુલે અસ્પષ્ટ જવાબ આપ્યો અને કહ્યું કે ગઠબંધન ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. બધા પક્ષો સાથે મળીને કામ કરી રહ્યા છે. એકબીજામાં કોઈ વિવાદ નથી. અમારું લક્ષ્ય મત ચોરી અટકાવવાનું છે.






