Bihar News: બિહારના સમસ્તીપુર જિલ્લામાં નિર્માણાધીન બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુ પર શનિવારે મોટો અકસ્માત સર્જાયો હતો. પુલના નિર્માણ દરમિયાન અચાનક સ્લેબ તૂટી પડતાં પાંચ મજૂરો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, પ્રશાસન અને રાહત ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ તમામ ઘાયલ મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં સેન્ટરિંગ (શટરિંગ) અથવા નિર્માણ દરમિયાન વપરાતા સાધનોમાં ખામી સર્જાતા સ્લેબ ધરાશાયી થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પુલ પૂર્વ મુખ્યમંત્રી નીતીશ કુમારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંનો એક માનવામાં આવે છે. ગંગા નદી પર બની રહેલો આ ફોર-લેન પુલ ઉત્તર અને દક્ષિણ બિહાર વચ્ચેની કનેક્ટિવિટી સુધારવા માટે તૈયાર થઈ રહ્યો છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા સૂચના પણ આપવામાં આવી હતી.
અકસ્માત બાદ નિર્માણ કાર્યની સલામતી વ્યવસ્થા અને ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. અધિકારીઓએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને અકસ્માતના કારણો અંગે વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે.





