Home Gujarat Big Prostitution Racket Busted In Vadodara

વડોદરામાં દેહવ્યાપારનું મોટું રેકેટ ઝડપાયું : 11 યુવતીઓને મુક્ત કરાઈ, ગુપ્ત ભોંયરૂ અને છુપો માર્ગ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ!

વડોદરામાં દેહવ્યાપારનું મોટું રેકેટ ઝડપાયું
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 19, 2025, 10:31 AM IST

Vadodara Crime News : વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલા સનરાઇઝ ટાવરમાં ચાલતા દેહવ્યાપારના મોટા રેકેટનો શહેર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 11 યુવતીઓને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવી છે, જ્યારે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય માસ્ટરમાઇન્ડ મહિલા સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.


રોકડ લેવડ-દેવડ કરી અનૈતિક દેહવ્યાપાર કરાવતી હતી

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના યુવરાજસિંહે કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ચંદ્રિકાબેન ઉર્ફે રીટા બાબુભાઈ શાહ સનરાઇઝ ટાવરના ફ્લેટ નં. 204 અને 205માં આર્થિક લાલચ આપી પરપ્રાંતીય જરૂરિયાતમંદ યુવતીઓને વડોદરા બોલાવી પોતાના ફ્લેટમાં રાખતી હતી. બાદમાં ઇચ્છુક ગ્રાહકો સાથે 1200 થી 1500 રૂપિયાની રોકડ લેવડ-દેવડ કરી અનૈતિક દેહવ્યાપાર કરાવતી હતી.

11 યુવતીઓને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવી

દેહવ્યાપાર ચાલતો હોવાની ગુપ્ત બાતમી મળતા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ AHTU ટીમે રેડનું આયોજન કર્યું હતું. રેડ દરમિયાન ફ્લેટમાંથી 11 યુવતીઓને રેસ્ક્યુ કરવામાં આવી હતી. તપાસમાં ખુલાસો થયો કે મુખ્ય આરોપી ચંદ્રિકા ઉર્ફે રીટા પોલીસથી બચવા માટે ઘરમાં બનાવેલા ગુપ્ત રસ્તાઓનો ઉપયોગ કરતી હતી. ગ્રાહકને ફ્લેટમાં પ્રવેશ આપ્યા બાદ સોદો પૂરો થતાં જ મુખ્ય દરવાજો તાળું મારી પોતે ગુપ્ત માર્ગે ભાગી જતી હતી.

ગુપ્ત ભોંયરું

પોલીસે તાળું તોડી ફ્લેટમાં પ્રવેશ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ફ્લેટના સ્લેબમાં કાપો કરીને લોખંડની સીડી લગાવવામાં આવી હતી. ઘરમાં આવેલા સોફાની નીચે ભોંયરું બનાવવામાં આવ્યું હતું, જે સીધું નીચેના માળે આવેલી દુકાનમાં ખુલતું હતું. આ ઉપરાંત બાજુના ફ્લેટ સાથે ઇન્ટરલોક કરીને એક ગુપ્ત ભોંયરું બનાવવામાં આવ્યું હતું, જે પ્રથમ માળે આવેલા શોપિંગ સેન્ટર, ટ્યુશન ક્લાસીસ તેમજ નીચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATM પાસે ખુલતું હતું.

ફરાર આરોપીનો ગુનાહિત ઈતિહાસ

ફરાર આરોપીઓ સામે અગાઉ પણ દેહવ્યાપાર અને માનવ તસ્કરીના ગુનાઓ નોંધાયેલા છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અને POCSO એક્ટ હેઠળના ગુનાઓનો ઇતિહાસ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. રેડ દરમિયાન પોલીસે રૂ. 4,100 રોકડા, બે મોબાઇલ ફોન, એપલ લેપટોપ અને વિવિધ નામના 11 લાઇટ બિલ સહિત કુલ રૂ. 44,100નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પકડાયેલા આરોપીઓ

સરોજકુમાર લક્ષ્મીપદા માલ (હાલ વડોદરા, મૂળ પશ્ચિમ બંગાળ)

જીગરકુમાર રાજુભાઈ માછી (હાલ કિશનવાડી, વડોદરા, મૂળ રાજપીપળા)

ફરાર આરોપીઓ

ચંદ્રિકાબેન ઉર્ફે રીટા બાબુભાઈ શાહ (રહે. સનરાઇઝ ટાવર, વાઘોડિયા રોડ, વડોદરા)

સ્મિતકુમાર સતીષકુમાર દરજી (રહે. હાલોલ, પંચમહાલ)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now