રાજ્યની વહીવટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત કેડરમાં ભારતીય વહીવટી સેવા (IAS)ની 15 નવી જગ્યાનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યમાં શાસનતંત્રને વધુ કાર્યક્ષમ અને સુવ્યવસ્થિત બનાવવા સહાય મળશે. અત્યાર સુધી ગુજરાત કેડરમાં કુલ 313 IAS અધિકારીઓની માન્ય સંખ્યા હતી, જે હવે વધીને 328 થઈ ગઈ છે.
ગુજરાત કેડરમાં IASની 15 જગ્યાનો ઉમેરો
આ વધારાના કારણે અનેક વિભાગોમાં પૂર્ણ સમયના અધિકારીઓની નિમણૂંક શક્ય બનશે. હાલ ઘણા અધિકારીઓ પાસે એક કરતાં વધુ વિભાગો અથવા જિલ્લાઓનો ચાર્જ હોવાને કારણે કામનો ભાર વધ્યો હતો. નવી જગ્યાઓ ઉમેરાતા આ ભારણમાં ઘટાડો થશે અને પ્રશાસનિક કામગીરી વધુ ઝડપથી અને અસરકારક રીતે પાર પડી શકશે. લોકોના પ્રશ્નો અને ફાઈલોનો નિકાલ પણ ઝડપી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોસ્ટની સંખ્યા 313 થી વધી 328
સિનિયર ડ્યુટી પોસ્ટની સંખ્યા પણ 161માંથી વધીને 169 થઈ છે. આથી ઉચ્ચ સ્તરે નિર્ણય લેવાની પ્રક્રિયામાં પણ મજબૂતી આવશે. નવી રચાયેલી જગ્યાઓમાં સીધી ભરતી દ્વારા આવનારા IAS અધિકારીઓ તેમજ રાજ્ય સેવા પરથી બઢતી પામનારા અધિકારીઓનો સમાવેશ થશે.
પૂર્ણ સમયના અધિકારીઓ મળશે
IAS કેડરની સંખ્યા સમયાંતરે સમીક્ષા આધારે નક્કી કરવામાં આવે છે. રાજ્યની વસ્તી, વિકાસગતિ, પ્રોજેક્ટ્સની સંખ્યા અને વહીવટી ભારને ધ્યાનમાં રાખીને માનવ સંસાધનની જરૂરિયાતો નક્કી કરવામાં આવે છે. ગુજરાતમાં ઝડપથી વધી રહેલા વિકાસકાર્યો અને વિસ્તરતા શહેરીકરણને ધ્યાનમાં રાખીને આ વધારો કરવામાં આવ્યો છે. આ રીતે 15 નવી જગ્યાઓ ઉમેરાતા રાજ્યને વધુ સક્ષમ અને જવાબદાર પ્રશાસન મળશે, જે લોકો સુધી સરકારની સેવાઓ સમયસર પહોંચાડવામાં મદદરૂપ બનશે.




















