Big change in cricket rules : મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC), જે ક્રિકેટના નિયમો બનાવનારી સર્વોચ્ચ સંસ્થા છે, તેને હાલમાં ખેલના 73 નિયમોમાં સુધારો કરવાની જાહેરાત કરી છે. આ ફેરફારોનો મુખ્ય હેતુ ટેસ્ટ મેચોને વધુ રોમાંચક બનાવવાનો અને રમતની કેટલીક અસ્પષ્ટતાઓને દૂર કરવાનો છે. આ નવા નિયમો 1 ઓક્ટોબર 2026 થી અમલમાં આવશે. 2022 પછી ક્રિકેટના કાયદામાં આ સૌથી મોટું અપડેટ માનવામાં આવે છે.
1. ટેસ્ટ મેચની છેલ્લી ઓવરનો નવો નિયમ
સામાન્ય રીતે ટેસ્ટ મેચમાં જ્યારે દિવસ પૂરો થવા આવ્યો હોય અને છેલ્લી ઓવરમાં વિકેટ પડે, ત્યારે બેટિંગ ટીમ નવા બેટરને મોકલતી ન હતી અને દિવસની રમત ત્યાં જ રોકી દેવામાં આવતી હતી. હવે આ નિયમ બદલાયો છે. હવે દિવસની છેલ્લી ઓવર ગમે તે સંજોગોમાં પૂરી કરવી પડશે. જો વિકેટ પડશે તો પણ નવા બેટરને ક્રિઝ પર આવવું પડશે અને ઓવર પૂરી કરવી પડશે. આનાથી બોલરોને દિવસના અંતે દબાણ બનાવવાની વધુ તક મળશે.
2. ઓવરથ્રો અને ડેડ બોલની નવી સમજ
નવા નિયમો મુજબ, ફિલ્ડર જ્યારે વિકેટ તરફ બોલ ફેંકે અને તે કોઈને અડ્યા વગર આગળ નીકળી જાય તો જ તેને 'ઓવરથ્રો' ગણાશે. જો બાઉન્ડ્રી પર બોલ રોકતી વખતે ફિલ્ડરના હાથમાંથી બોલ સરકી જાય, તો તેને 'મિસફિલ્ડ' કહેવાશે. આ ઉપરાંત, 'ડેડ બોલ' જાહેર કરવાની સત્તા અમ્પાયર પાસે રહેશે. જો અમ્પાયરને લાગે કે, બેટર હવે રન લેવાની સ્થિતિમાં નથી અથવા બોલ કોઈ ફિલ્ડર પાસે સ્થિર છે, તો તેઓ તેને ડેડ બોલ કહી શકશે.
3. સસ્તા 'લેમિનેટેડ બેટ' ને મળી મંજૂરી
ક્રિકેટને વધુ વ્યાપક બનાવવા માટે MCC એ 'ટાઇપ-ડી' એટલે કે લેમિનેટેડ બેટને મંજૂરી આપી છે. આ બેટ લાકડાના બે-ત્રણ ટુકડા જોડીને બનાવવામાં આવે છે, જે સિંગલ લાકડાના બેટ કરતા સસ્તા હોય છે. હાલમાં આ બેટનો ઉપયોગ માત્ર 'ઓપન એજ ક્લબ ક્રિકેટ' (જ્યાં ઉંમરની મર્યાદા નથી હોતી) માં જ કરી શકાશે.
4. હિટ વિકેટના નિયમોમાં સ્પષ્ટતા
હિટ વિકેટ આઉટ અંગે અવારનવાર વિવાદ થતા હોય છે, જેને દૂર કરવા ત્રણ સ્પષ્ટતા કરવામાં આવી છે:
સંતુલન ગુમાવવું: જો શૉટ રમ્યા પછી બેટર બેલેન્સ ગુમાવે અને સ્ટમ્પને અડે, તો તે આઉટ ગણાશે.
ફિલ્ડર સાથે ટક્કર: જો ફિલ્ડર સાથે ભટકાવાને કારણે બેટર સ્ટમ્પને અડે, તો તેને આઉટ આપવામાં આવશે નહીં.
બેટ છૂટી જવું: જો હાથમાંથી બેટ છૂટીને સીધું સ્ટમ્પ પર લાગે તો આઉટ, પણ જો બેટ પહેલા કીપરને અડીને પછી સ્ટમ્પને લાગે તો નોટ-આઉટ ગણાશે.
5. બોલની સાઈઝના નવા ધોરણો
મહિલા અને જુનિયર ક્રિકેટને ધ્યાનમાં રાખીને બોલના ત્રણ પ્રકાર નક્કી કરાયા છે:
સાઈઝ-1: મેન્સ ક્રિકેટ માટે (સ્ટાન્ડર્ડ સાઈઝ).
સાઈઝ-2: મહિલા ક્રિકેટ અને જુનિયર ખેલાડીઓ માટે (થોડો નાનો અને હલકો).
સાઈઝ-3: નાની ઉંમરના બાળકો માટે (સૌથી નાનો અને હલકો). જોકે, ત્રણેયની ગુણવત્તા અને મજબૂતીના માપદંડો એકસમાન રહેશે.




















