Home International Bhupen Borah Joins Bjp Assam Politics Himanta Biswa Sarma Congress Resignation 2026

આસામ કોંગ્રેસમાં મોટું ગાબડું : પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન બોરા ભાજપમાં જોડાશે, હિમંતા બિસ્વા સરમાએ તારીખ જાહેર કરી

આસામ કોંગ્રેસમાં મોટું ગાબડું
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2026, 05:22 PM IST

આસામમાં આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. રાજ્યમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભૂપેન બોરા હવે કેસરીયો ધારણ કરવા જઈ રહ્યા છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મંગળવારે 17 February 2026 ના રોજ ભૂપેન બોરા સાથે મુલાકાત કર્યા બાદ આ મહત્વની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર ભૂપેન બોરા 22 February ના દિવસે વિધિવત રીતે ભાજપમાં સામેલ થશે. ઉલ્લેખનીય છે કે તેમણે સોમવારે 16 February 2026 ના રોજ કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું.

કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા ભૂપેન બોરાનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નહોતું અને તેમને મનાવવા માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પાર્ટીના નેતૃત્વએ તેમને નિર્ણય પર પુનર્વિચાર કરવા જણાવ્યું હતું જેના માટે તેમણે થોડો સમય માંગ્યો હતો પરંતુ અંતે તેમણે ભાજપમાં જોડાવવાનું નક્કી કર્યું છે.

દિલીપ સૈકિયા પ્રક્રિયા પૂર્ણ કરશે

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વિગતો આપતા જણાવ્યું કે ભૂપેન બોરાના ભાજપ પ્રવેશની તમામ ટેકનિકલ પ્રક્રિયાઓ અને ઔપચારિકતાઓ દિલીપ સૈકિયા પૂર્ણ કરશે. માત્ર બોરા જ નહીં પરંતુ તેમની સાથે ગુવાહાટી અને ઉત્તર લખીમપુરના અનેક કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓ પણ ભાજપનો સાથ પકડશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે કોંગ્રેસમાં તે છેલ્લા માન્યતા પ્રાપ્ત હિન્દુ નેતા હતા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન દ્વારા તેમના પ્રવેશને મંજૂરી આપી દેવામાં આવી છે.

કોંગ્રેસની કાર્યશૈલી પર પ્રહારો

ભાજપમાં ભૂપેન બોરાના પ્રવેશને મુખ્યમંત્રીએ ઘરવાપસી સમાન ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ એક એવી પાર્ટી છે જ્યાં સામાન્ય પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોનું સન્માન જળવાય છે. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે હવે તે મુખ્યધારાના આસામી લોકોની પાર્ટી રહી નથી. તેમણે પોતાના ભૂતકાળના અનુભવોને યાદ કરતા જણાવ્યું કે જ્યારે કોઈ સાચો નેતા પક્ષમાં સંઘર્ષનો અભાવ જુએ છે ત્યારે તે દુખી થાય છે. કોંગ્રેસના નેતાઓ સામંતશાહી માનસિકતા ધરાવે છે અને તેમને લાગે છે કે માત્ર એક ફોન કોલથી કોઈનો નિર્ણય બદલી શકાય છે.

પ્રિયંકા ગાંધી અંગે નિવેદન

જ્યારે મુખ્યમંત્રીને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની આસામ મુલાકાત વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આક્રમક અંદાજમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે આસામના રાજકારણની વાત કરીએ તો તે પોતે તેમજ ભૂપેન બોરા અને દિલીપ સૈકિયા પ્રિયંકા ગાંધી કરતા મોટા નેતા છે. તેમના મતે રાજ્યની જનતા સ્થાનિક નેતૃત્વ પર વધુ ભરોસો રાખે છે અને બહારના નેતાઓની મુલાકાતથી ચૂંટણીમાં કોઈ વિશેષ ફેરફાર નહીં થાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now