ભાવનગરમાં વલ્લભીપુરના કાળાતળાવ ગામમાં 7 ઓગસ્ટ, 2025ના રોજ અરજણભાઈ દિહોરા નામના પાટીદાર વૃદ્ધને રબારી સમાજના રાજુ ઉલેવા નામના યુવકે માર મારવાનો કેસમાં પાટીદાર સમાજ બાદ હવે રબારી સમાજ મેદાને આવ્યું છે. અત્રે જણાવીએ કે, સમગ્ર ઘટના બાદ સુરતમાં પાટીદાર સમાજની મોડી રાત્રે બેઠક યોજાઈ હતી, જે બાદ સવારમાં 100 ગાડીનો કાફલો ભાવનગર આવી પહોંચ્યો હતો અને પોલીસ કેસ કરવાની કડક સજાની માંગ કરવામાં આવી હતી. જો કે, રબારી સમાજ સમગ્ર મામલે મેદાને આવ્યું છે.
''લૂંટનો ખોટો કેસ દાખલ કરાવ્યો''
આ ઘટના બાબતે વિહોતર ગ્રુપે ગુજરાતે રબારી સમાજને કહ્યું કે, ''પાટીદાર સમાજ સુરતથી 100 ગાડી સાથે કાળાતળાવ આવી શકતો હોય તો આપણે તો 500 ગાડી તો ભેગી થવી જ જોઈએ, કારણ કે, પાટીદાર સમાજના રાજકીય આગેવાનો દ્વારા પોલીસ પર દબાણ કરીને યુવક સામે લૂંટનો ખોટો કેસ દાખલ કરાવ્યો છે, જે પાછો ખેંચવો જોઈએ જે પહેલા ગુનો દાખલ કરેલો છે તે બરાબર છે તો રહેવો જોઈએ''
''આંદોલન કરશે અને ભૂખ હડતાળ પણ કરશે''
વિહોતર ગ્રુપના ગુજરાત ઉપાધ્યક્ષ ગોકુળ કરમટીયાએ કહ્યું કે, ''રબારી સમાજે હવે જાગવું પડશે અને એક થવું પડશે સાથો સાથ સમાજને એકમેક થઈ ન્યાય માટે લડવું પડશે, દોડવું પડશે અને ખર્ચાવું પણ પડશે. આ કેસ પાછો નહીં ખેંચાઈ તો રબારી સમાજ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે અને જો જરૂર પડશે તો ભૂખ હડતાળ પણ કરશે''.
ગોકુળ કરમટીયાએ રોષ ઠાલવ્યો
ગોકુળ કરમટીયાએ પોતાનો રોષ ઠાલવતા કહ્યું કે, ''પાટીદાર સમાજ સુરતથી 100 ગાડી લાવી કાળાતળાવ આવી શકતો હોય તો આપણે તો ભાવનગર સ્થાનિકમાં રહીએ છીએ કમ સે કમ 500 ફોર-વ્હીલ તો ભેગી થવી જોઈએ, આપણે સભા રાખીશું ત્યારબાદ કલેકટરને અને SP આવેદનપત્ર આપીએ એકદમ ગાંધીજી ત્યાં માર્ગે આયોજન કરીએ''.
જાણો સમગ્ર કેસ
વલ્લભીપુરના કાળાતળાવમાં થોડા દિવસ અગાઉ પાટીદાર વૃદ્ધ ખેડૂત અરજણ દિહોરાને માટી ભરાવા મામલે ત્રણ શખ્સ, જેમાં રાજુ ઉલવા, નાથા રબારી અને મામેયા રબારીએ બોલચાલ કરી માર માર્યો હતો. જે બાદ ઈજાગ્રસ્ત વૃદ્ધ અરજણ દિહારાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેના પડઘા સુરત પડ્યાં હતા, પાટીદાર સમાજે મોડી રાત્રે બેઠક યોજી સવારે 100 ગાડીનો કાફલો કાળાતળાવ ગામે આવી પહોંચ્યો હતો, જે બાદ પોલીસ સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી હતી. જો કે, હવે આ સમગ્ર મામલે રબારી સમાજે મેદાને આવ્યું છે.






