Dudhdhara Dairy Election: ગુજરાતમાં સહકારી ડેરીના દૂધિયા રાજકારણનો પ્રભાવ ખુબ જ મહત્વપૂર્ણ આંકવામાં આવે છે. તેવામાં ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદ સંસ્થા દુધધારા ડેરીની વ્યવસ્થાપન સમિતિની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનું ધમધમાટ શરૂ થઈ ગયો છે. જેમાં ભાજપના 2 દિગ્ગજ નેતાઓ ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને નર્મદા ભાજપ પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની પેનલ ટકરાવાની છે. તો બીજી બાજુ આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ અપક્ષ પેનલ ઉતારી અરૂણસિંહ સામે મોરચો માંડવાની જાહેરાત કરી છે.
ભાજપની બાજીમાં વસાવાની એન્ટ્રી!
મહત્વનું છે કે, મહેશ વસાવાએ અરુણસિંહ રાણા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યાં છે. જેના જવાબમાં અરુણસિંહની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈએ કહ્યું કે, ઝઘડિયામાં ભગવો લહેરાતા મહેશ વસાવા રઘવાયા બન્યા છે. બીજી બાજુ નર્મદા ભાજપ પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવારે કહ્યું કે, એવા અનેક તત્વો છે તેમને ઘનશ્યામભાઇ ન પણ ગમે, પણ અમારી જીત નક્કી છે.
ભાજપ વર્સિસ ભાજપ વર્સિસ મહેશ વસાવા
દુધધારા ડેરીની ડેરીની આ ચૂંટણીમાં હવે ભાજપ વર્સિસ ભાજપ વર્સિસ મહેશ વસાવા પેનલ વચ્ચે ચૂંટણી યોજાવાની છે, તેવામાં મહેશ વસાવાની પેનલની એન્ટ્રી સાથે ચૂંટણી રસપ્રદ બની છે. ત્રણેય પેનલ અકબીજા પર ભરપૂર આક્ષેપો કરી રહ્યાં છે. પોત પોતને જીતની નજરથી જોઈ રહ્યાં છે.






