Indian Game Show : કોમેડી જગતની લોકપ્રિય જોડી ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. બંને ટૂંક સમયમાં નવા એન્ટરટેઇનમેન્ટ શો 'ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ: જ્યાં દોસ્તોને ફસાવશું અને તમને હસાવશું' સાથે નાના પડદા પર વાપસી કરી રહ્યા છે. શોનો પ્રથમ પ્રોમો સોશિયલ મીડિયા પર રિલીઝ થતાં જ ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
મજેદાર પ્રોમોએ ખેંચ્યું ધ્યાન
મેકર્સે શુક્રવારે શોનો પ્રથમ પ્રોમો જાહેર કર્યો હતો. વીડિયોની શરૂઆત ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા તેમના વ્લોગનું શૂટિંગ કરતા જોવા મળે છે. આ દરમિયાન તેઓ પોતાના પ્રખ્યાત 'LOL ફેમિલી'ની પણ ઝલક દર્શકોને કરાવે છે.
પ્રોમો શેર કરતાં મેકર્સે લખ્યું કે, 'ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ' ટૂંક સમયમાં આવી રહ્યો છે, જ્યાં તેઓ પોતાના મિત્રોને ફસાવશે અને દર્શકોને હસાવશે.
ક્યાં જોઈ શકશો 'ઇન્ડિયન ગેમ શો'?
નવો ગેમ શો Sony Entertainment Television પર પ્રસારિત થશે, જ્યારે તેનું ડિજિટલ સ્ટ્રીમિંગ Sony LIV પર ઉપલબ્ધ રહેશે. જોકે, મેકર્સે હજુ સુધી શોના પ્રીમિયર તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી.
સોશિયલ મીડિયા પર ચાહકોનો જબરદસ્ત પ્રતિસાદ
પ્રોમો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચાહકો અને ટીવી સેલિબ્રિટીઓએ ઉત્સાહ વ્યક્ત કર્યો છે. અભિનેતા સમર્થ જુરેલે ભારતી અને હર્ષને અભિનંદન પાઠવ્યા, જ્યારે ચંદન પ્રભાકરે સ્માઇલ ઇમોજી સાથે પોતાની ખુશી વ્યક્ત કરી.
એક ચાહકે લખ્યું કે તે ભારતી, હર્ષ અને ટોની કક્કરને એકસાથે જોવા માટે ખૂબ ઉત્સાહિત છે અને આ શો સુપરહિટ બનશે તેવી આશા વ્યક્ત કરી. અનેક યુઝર્સે પણ કોમેન્ટ કરીને જણાવ્યું કે તેઓ શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ભારતી અને હર્ષનો સફળ ટ્રેક રેકોર્ડ
ભારતી સિંહ તાજેતરમાં રિયાલિટી-કોમેડી શો 'લાફ્ટર શેફ્સ – અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ'ને હોસ્ટ કરતી જોવા મળી હતી, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.
બીજી તરફ હર્ષ લિંબાચિયાએ પણ 'ખતરા ખતરા ખતરા' અને 'ધ ખતરા શો' જેવા લોકપ્રિય ટીવી શોનું સંચાલન કરીને પોતાની અલગ ઓળખ બનાવી છે. હવે બંને ફરી એકવાર નવા કોન્સેપ્ટ સાથે દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે.
આ પણ વાંચો : 4500 કરોડની 'Avengers: Doomsday'નું નવું પોસ્ટર રિલીઝ : Robert Downey Jrનો ખતરનાક લુક થયો વાયરલ
ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોમાં ખૂબ લોકપ્રિય
ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની કોમિક ટાઇમિંગ અને ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોમાં ખૂબ લોકપ્રિય છે. 'ઇન્ડિયન ગેમ શો'માં કોમેડી, પ્રેન્ક અને સેલિબ્રિટી મસ્તીનો અનોખો સમન્વય જોવા મળશે તેવી અપેક્ષા છે. પ્રોમોને મળેલા સકારાત્મક પ્રતિસાદને જોતા શો પ્રસારિત થાય તે પહેલાં જ ચર્ચામાં આવી ગયો છે.





