Avengers: Doomsday : માર્વેલ સિનેમેટિક યુનિવર્સ (MCU)ના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. માર્વેલ સ્ટુડિયોએ તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'એવેન્જર્સ : ડૂમ્સડે' (Avengers : Doomsday)નું નવું સત્તાવાર પોસ્ટર જાહેર કર્યું છે. પોસ્ટર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને જબરદસ્ત ચર્ચા શરૂ થઈ ગઈ છે. પોસ્ટરમાં માર્વેલના સૌથી શક્તિશાળી અને રહસ્યમય વિલન ડોક્ટર ડૂમનો ગાઢ અંધકાર વચ્ચેનો પ્રભાવશાળી લુક જોવા મળે છે. પોસ્ટર સાથે માત્ર બે શબ્દો લખવામાં આવ્યા છે - "Doomsday is Coming", જે ચાહકોમાં વધુ ઉત્સુકતા જગાવે છે. આ ફિલ્મનું નિર્દેશન રૂસો બ્રધર્સ કરી રહ્યા છે, જેમણે અગાઉ 'એવેન્જર્સ : ઇન્ફિનિટી વોર' અને 'એવેન્જર્સ : એન્ડગેમ' જેવી સુપરહિટ ફિલ્મો બનાવી હતી. 'એવેન્જર્સ : ડૂમ્સડે' 18 ડિસેમ્બર, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મનો અંદાજિત ખર્ચ લગભગ ₹4,500 કરોડ હોવાનું માનવામાં આવે છે, જેના કારણે તે અત્યાર સુધીની સૌથી ખર્ચાળ હોલીવુડ ફિલ્મોમાં સ્થાન મેળવી શકે છે. જોકે, માર્વેલ સ્ટુડિયોએ સત્તાવાર રીતે બજેટ જાહેર કર્યું નથી.
કોણ છે ડોક્ટર ડૂમ?
ડોક્ટર ડૂમનું મૂળ નામ વિક્ટર વોન ડૂમ (Victor Von Doom) છે. આ પાત્રનું સર્જન કોમિક્સના દિગ્ગજ સર્જકો સ્ટેન લી અને જેક કિર્બી દ્વારા કરવામાં આવ્યું હતું. તે સૌપ્રથમ વર્ષ 1962માં 'ફેન્ટાસ્ટિક ફોર' કોમિક્સના ઇશ્યૂ નંબર 5માં જોવા મળ્યો હતો. ત્યારથી ડોક્ટર ડૂમને માર્વેલના સૌથી બુદ્ધિશાળી અને ખતરનાક સુપરવિલન તરીકે ઓળખવામાં આવે છે. વિક્ટર વોન ડૂમ કલ્પિત યુરોપિયન દેશ લેટવેરિયા (Latveria)નો શાસક છે. તે માત્ર અસાધારણ વૈજ્ઞાનિક અને શોધક જ નથી, પરંતુ શક્તિશાળી જાદુગર પણ છે. વિજ્ઞાન અને રહસ્યમય શક્તિઓનો સંગમ તેને અન્ય વિલનોથી અલગ બનાવે છે. તેની બુદ્ધિ, ટેક્નોલોજી અને વ્યૂહરચના તેને માર્વેલ બ્રહ્માંડના સૌથી મુશ્કેલ વિરોધીઓમાં સામેલ કરે છે.
આ પણ ખાસ વાંચો : ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સોનાક્ષી સિન્હાએ કેમ માગી માફી? : કાન પકડીને વીડિયોમાં શું કહ્યું?
શા માટે પહેરે છે ધાતુનો માસ્ક?
ડોક્ટર ડૂમના જીવનમાં એક અકસ્માતે મોટો વળાંક લાવ્યો હતો. વિદ્યાર્થી જીવન દરમિયાન કરાયેલા એક વૈજ્ઞાનિક પ્રયોગમાં થયેલા વિસ્ફોટમાં તેનો ચહેરો ગંભીર રીતે દાઝી ગયો હતો. આ પછી તેણે પોતાના ચહેરાને ઢાંકવા માટે ધાતુનો માસ્ક અને શક્તિશાળી લોખંડી બખ્તર ધારણ કર્યું. ત્યારથી તેનું આ લુક તેની ઓળખ બની ગયો. ડોક્ટર ડૂમનો સૌથી મોટો પ્રતિસ્પર્ધી રીડ રિચાર્ડ્સ (મિસ્ટર ફેન્ટાસ્ટિક) છે. બંને વચ્ચેની હરીફાઈ કોલેજના દિવસોથી શરૂ થઈ હતી અને સમય જતાં તે માર્વેલ કોમિક્સની સૌથી જાણીતી દુશ્મનાવટમાં ફેરવાઈ ગઈ. અનેક વાર ડોક્ટર ડૂમે સમગ્ર દુનિયા અને મલ્ટીવર્સ પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ દરેક વખતે સુપરહીરોએ તેને રોકવામાં સફળતા મેળવી છે.
રોબર્ટ ડાઉની જુનિયરનો ચોંકાવનારો નવો અવતાર
'એવેન્જર્સ : ડૂમ્સડે'ની સૌથી મોટી ખાસિયત એ છે કે રોબર્ટ ડાઉની જુનિયર હવે આયર્ન મેન તરીકે નહીં, પરંતુ ડોક્ટર ડૂમના પાત્રમાં MCUમાં પરત ફરી રહ્યા છે. વર્ષ 2019માં આવેલી 'એવેન્જર્સ : એન્ડગેમ' બાદ ટોની સ્ટાર્કના પાત્રનો અંત આવ્યો હતો, જેના કારણે ચાહકો ભાવુક બન્યા હતા. હવે એ જ અભિનેતા માર્વેલના સૌથી ભયંકર વિલન તરીકે દેખાવાના હોવાથી ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા અનેકગણી વધી ગઈ છે. માર્વેલ સ્ટુડિયોએ અગાઉ જાહેર કર્યું હતું કે રોબર્ટ ડાઉની જુનિયર ડોક્ટર ડૂમની ભૂમિકા ભજવશે. જોકે, ફિલ્મની વાર્તા, તેમનો પાત્ર MCUમાં કેવી રીતે રજૂ થશે અને મલ્ટીવર્સ સાથે તેનો શું સંબંધ હશે તે અંગેની સંપૂર્ણ વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.
આ પણ ખાસ વાંચો : ‘પાપા કહેતે હેં’ ફિલ્મની ક્યૂટ એક્ટ્રેસ આજે ક્યાં છે? : IIT અને બોલીવુડ છોડીને આ હિરોઈન બની ગૂગલ ઈન્ડિયાની 'ઈન્ડસ્ટ્રી હેડ'
23 સુપરહીરો સામે ડોક્ટર ડૂમ
રિપોર્ટ્સ મુજબ 'એવેન્જર્સ : ડૂમ્સડે'માં માર્વેલના અનેક લોકપ્રિય સુપરહીરો એકસાથે જોવા મળશે. ફિલ્મમાં થોર, કેપ્ટન અમેરિકા, ફેન્ટાસ્ટિક ફોર, એક્સ-મેન સહિત અનેક પાત્રો ડોક્ટર ડૂમ સામે લડતા જોવા મળશે. વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં ફિલ્મમાં લગભગ 23 મુખ્ય સુપરહીરો સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જોકે માર્વેલે હજુ સુધી સંપૂર્ણ કાસ્ટની સત્તાવાર પુષ્ટિ કરી નથી. વિશાળ સ્ટારકાસ્ટ, ભવ્ય વિઝ્યુઅલ્સ, મલ્ટીવર્સ આધારિત કથા અને રોબર્ટ ડાઉની જુનિયરનો નવો અવતાર - આ તમામ કારણોસર 'એવેન્જર્સ : ડૂમ્સડે' હાલ વિશ્વની સૌથી વધુ ચર્ચાતી ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે. હવે ચાહકોની નજર 18 ડિસેમ્બર, 2026 પર છે, જ્યારે માર્વેલનું આ મેગા પ્રોજેક્ટ સિનેમાઘરોમાં પહોંચશે.





