Breaking News: રાજસ્થાનના સુપ્રસિદ્ધ યાત્રાધામ રણુજા (રામદેવરા) ખાતે દર્શન કરી પવિત્ર માહોલમાં પરત ફરી રહેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના એક પરિવારને કાળનો ક્રૂર પંજો આંબી ગયો છે. ભારતમાલા એક્સપ્રેસવે પર સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ધાનેરાના થાવર ગામના ત્રણ આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભારતમાલા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. રણુજાથી દર્શન કરી પરત ફરતા ધાનેરાના ચૌધરી પરિવારના ૩ સભ્યોના મોત તેમજ આ ઘટનામાં ૩ લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
નીલગાય આડી ઉતરતા સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, ધાનેરા તાલુકાના થાવર ગામના શ્રદ્ધાળુઓ કાર દ્વારા રણુજા બાબા રામદેવના દર્શનાર્થે ગયા હતા. દર્શન કરીને ખુશી-ખુશી પોતાના વતન પરત ફરી રહ્યા હતા, ત્યારે ભારતમાલા રોડ પર તેમની કાર સામે અચાનક એક નીલગાય (રોઝડું) આવી ગયું હતું. પૂરપાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે નીલગાયને બચાવવા માટે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવતા જ કાર રોડ પર ગડથોલિયા ખાતી પલટી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કુરચો બોલી ગયો હતો અને ચીસાચીસ મચી ગઈ હતી.
ઘટનાસ્થળે જ ૩ના મોત, પરિવારમાં માતમ
આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ યુવકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. મૃતકોની ઓળખ નીચે મુજબ થઈ છે:
૧. અજમલભાઈ ગણેશભાઈ ચૌધરી (ઉંમર વર્ષ ૩base)
૨. હિતેશભાઈ દેવરણભાઈ ચૌધરી (ઉંમર વર્ષ ૩૨)
૩. યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી (ઉંમર વર્ષ ૧૮)
માત્ર ૧૮ વર્ષના યોગેશ સહિત ત્રણેય યુવકોના મોતના સમાચાર થાવર ગામે પહોંચતા જ સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું અને ચૌધરી પરિવારમાં આક્રંદ છવાઈ ગયું હતું.
ઈજાગ્રસ્તોની હાલત ગંભીર
અકસ્માતમાં અન્ય ત્રણ લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને હાઈવે ઓથોરિટીની ટીમ દોડી આવી હતી. સ્થાનિક પોલીસની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસે મૃતકોના શવને પીએમ અર્થે મોકલી આપી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભારતમાલા રોડ પર રખડતા વન્યજીવોના કારણે અવારનવાર સર્જાતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.






