Home Gujarat Bharat Taxi Launch Gandhinagar Amit Shah 2026

Uber-Olaને મળશે ટક્કર? : અમિત શાહે ગાંધીનગરથી લોન્ચ કરી દેશની પ્રથમ સહકાર આધારિત 'ભારત ટેક્સી' સેવા

ભારત ટેક્સી લોન્ચિંગની છબી
Image Credit: youtube Ministry of Coop
Published by: Niraj Chokshi
Last Updated: Jun 27, 2026, 07:26 AM IST

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે દેશની પ્રથમ સહકાર આધારિત રાઈડ-હેલિંગ સેવા 'ભારત ટેક્સી' (Bharat Taxi)નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોન્ચ થયેલી આ સેવા સહકારી ક્ષેત્રમાં પરિવહન વ્યવસ્થાનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. 'સારથી હી માલિક'ના સિદ્ધાંત પર આધારિત આ મોડેલનો મુખ્ય હેતુ ડ્રાઈવરોને માત્ર સેવા પ્રદાતા નહીં, પરંતુ પ્લેટફોર્મના સહભાગી અને માલિક તરીકે જોડવાનો છે.

ભારત ટેક્સીને પરંપરાગત રાઈડ-હેલિંગ મોડેલથી અલગ ગણાવવામાં આવી રહી છે. આ પ્લેટફોર્મમાં ડ્રાઈવરો પાસેથી કમિશન લેવામાં આવશે નહીં અને મુસાફરોને સર્જ પ્રાઇસિંગ જેવી વધારાની કિંમતનો સામનો પણ કરવો નહીં પડે. સરકારના જણાવ્યા મુજબ આ વ્યવસ્થાથી ડ્રાઈવરોની આવકમાં વધારો થશે અને મુસાફરોને પણ પારદર્શક તથા વાજબી દરે સેવા મળશે.

'સારથી હી માલિક' મોડેલની વિશેષતા

ભારત ટેક્સીનું સૌથી મોટું આકર્ષણ તેનું સહકાર આધારિત મોડેલ છે. આ મોડેલ હેઠળ પ્લેટફોર્મમાં જોડાયેલા ડ્રાઈવરોને માલિકીનો હિસ્સો મળશે, જેથી તેઓ માત્ર કર્મચારી નહીં પરંતુ સહભાગી તરીકે કાર્ય કરશે. સરકારનું માનવું છે કે આ મોડેલ ડ્રાઈવરોને આર્થિક રીતે વધુ સશક્ત બનાવશે અને તેમની આવક પર સીધી સકારાત્મક અસર કરશે.

ઝીરો-કમિશન મોડેલને કારણે ડ્રાઈવરોને તેમની કમાણીનો મોટો હિસ્સો પોતાની પાસે જ રહેશે. ઉપરાંત, એપમાં સર્જ પ્રાઇસિંગ ન હોવાથી મુસાફરોને પણ વ્યસ્ત સમય દરમિયાન વધારાનું ભાડું ચૂકવવું પડશે નહીં.

આ પણ વાંચો: ખેડાના કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ : મકાન ધરાશાયી, 6 લોકો ગંભીર રીતે ઘાયલ

ગુજરાતના 14 શહેરોમાં સેવા શરૂ

પ્રારંભિક તબક્કામાં ભારત ટેક્સી સેવા ગુજરાતના 14 મુખ્ય શહેરોમાં શરૂ કરવામાં આવી છે. તેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર સહિતના મહત્વના શહેરોનો સમાવેશ થાય છે. આયોજન મુજબ આગામી એક મહિનામાં સમગ્ર ગુજરાતમાં આ સેવાનો વિસ્તાર કરવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર, રાજ્યભરમાં વધુને વધુ ડ્રાઈવરો અને મુસાફરોને આ પ્લેટફોર્મ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી સહકારી મોડેલ હેઠળ પરિવહન સેવાઓનો વ્યાપ વધારી શકાય.

1.5 લાખથી વધુ ડ્રાઈવર અને 6 લાખ ગ્રાહકો જોડાયા

ભારત ટેક્સી પ્લેટફોર્મ સાથે અત્યાર સુધીમાં ગુજરાતના 1.5 લાખથી વધુ ડ્રાઈવરો (સારથી) જોડાઈ ચૂક્યા છે, જ્યારે 6 લાખથી વધુ ગ્રાહકોએ પણ નોંધણી કરાવી છે. આ આંકડો દર્શાવે છે કે લોન્ચિંગ પહેલાં જ પ્લેટફોર્મને સારો પ્રતિસાદ મળ્યો છે.

ડ્રાઈવરોને માત્ર મુસાફરીની આવક જ નહીં પરંતુ ઇન્સ્યોરન્સ, સરળ લોન, પેન્શન અને અન્ય સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારનું માનવું છે કે આ પગલું ગિગ અર્થતંત્રમાં કામ કરતા ડ્રાઈવરો માટે લાંબા ગાળાની સુરક્ષા પૂરી પાડશે.

આ પણ વાંચો: કષ્ટભંજનદાદાના દિવ્ય શણગારે ભક્તોને કર્યા મંત્રમુગ્ધ : 3 હજાર કિલો ખલેલાનો અન્નકૂટ ધરાવાયો

મુસાફરોની સુરક્ષાને અપાયો પ્રાધાન્ય

ભારત ટેક્સી એપમાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક સુવિધાઓ ઉમેરવામાં આવી છે. ગુજરાત પોલીસ સાથે સંકલન કરીને એપમાં SOS (Emergency Alert) ફીચર સામેલ કરવામાં આવ્યું છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં મુસાફર એક ક્લિકથી મદદ માટે સંદેશ મોકલી શકશે. આ ઉપરાંત ડ્રાઈવર અને મુસાફરોની વિગતોનું વેરિફિકેશન, ટ્રિપ ટ્રેકિંગ અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓ પણ એપમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી મુસાફરી વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બની રહે.

આ પણ વાંચો: સુરતમાં ગોઝારો અકસ્માત : કાળમુખા ડમ્પરે માતા-બાળકીને કચડ્યા, બંનેના મોત

સહકાર ક્ષેત્ર માટે મહત્વનું પગલું

ભારત ટેક્સીનો પ્રારંભ માત્ર નવી ટેક્સી સેવા તરીકે નહીં પરંતુ સહકારી ક્ષેત્રમાં નવા પ્રયોગ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. સરકારનું માનવું છે કે આ મોડેલ સફળ રહેશે તો દેશના અન્ય રાજ્યોમાં પણ તેનો વિસ્તાર થઈ શકે છે. સહકારના માધ્યમથી રોજગાર, આવક અને સામાજિક સુરક્ષા વધારવાનો પ્રયાસ આ યોજનાનો મુખ્ય આધાર છે.

કાર્યક્રમમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના અનેક અગ્રણીઓ, સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ડ્રાઈવરો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. હવે આ સેવા મુસાફરો અને ડ્રાઈવરોમાં કેટલો વ્યાપક સ્વીકાર મેળવે છે અને ભવિષ્યમાં દેશના અન્ય વિસ્તારો સુધી પહોંચે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now