સુમુલ ડેરી ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો: કોંગ્રેસે કથિત ગેરરીતિમાં સંડોવાયેલા ડિરેક્ટરોની ઉમેદવારી રદ કરવાની કરી માંગ


રાજકોટ તરફ જઈ રહેલી સિંગદાણા ભરેલી એક ટ્રક સાબલપુર ચોકડી પાસે ગંભીર અકસ્માતનો ભોગ બની છે. ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રક ચાલક અશ્વિન કોરડીયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
ટ્રક પલટી જવાથી સિંગદાણા રસ્તા પર વેરાઈ ગયા હતા, જેને પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.
સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલા જય અંબે નગરમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને 25 વર્ષીય યુવાન નંદલાલ સરોજે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. પ્રાપ્ત માહિતી મુજબ, નંદલાલની વતનમાં આવેલી જમીન તેના મોટાભાઈ કલ્લુ દ્વારા ગીરવી મૂકી દેવામાં આવી હતી. આ મુદ્દે બંને ભાઈઓ વચ્ચે સતત બોલાચાલી અને ઝઘડા થતા હતા, જેના કારણે નંદલાલ છેલ્લા ઘણા સમયથી ગંભીર તણાવમાં હતો. માનસિક વ્યથા અને હતાશામાં આવીને તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. નોંધપાત્ર છે કે, મૃતક નંદલાલના લગ્ન માત્ર એક મહિના પહેલા જ થયા હતા. આ ઘટના બાદ તેની પત્ની કરિશ્મા આઘાતમાં સરી પડી છે અને તેણે નંદલાલના મોટા ભાઈ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સચિન GIDC પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, જેથી આ આપઘાત પાછળના ચોક્કસ કારણો અને જવાબદારો સામે યોગ્ય ન્યાયી પગલાં લઈ શકાય.
સુરતની સુમુલ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આગામી ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ડેરીમાં ₹1000 કરોડથી વધુની કથિત ગેરરીતિના આક્ષેપોને પગલે વિવાદ વકર્યો છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે આ મામલે ચૂંટણી અધિકારી સમક્ષ સત્તાવાર વાંધા અરજી દાખલ કરી છે. દર્શન નાયકે રજૂઆત કરી છે કે, જે ડિરેક્ટરો સામે ગેરરીતિના ગંભીર આક્ષેપો છે, તેમની ઉમેદવારી રદ કરવામાં આવે. સાથે જ તેમણે કલમ-86 હેઠળ ચાલી રહેલી તપાસનો અહેવાલ મંગાવી, તેના આધારે કાયદેસર અને ત્વરિત નિર્ણય લેવાની માંગ કરી છે. આ ઘટનાને પગલે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઉભા થયા છે. હવે સમગ્ર ડેરી ક્ષેત્ર અને સહકારી સંસ્થાઓની નજર ચૂંટણી અધિકારી દ્વારા લેવાનારા નિર્ણય પર મંડાયેલી છે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી પાછળ થયેલા કરોડોના ખર્ચના આંકડા સામે આવતા ભારે વિવાદ સર્જાયો છે. આટલી મોટી રકમનો ખર્ચ જોઈ સ્થાનિક રહીશો સ્તબ્ધ છે અને અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે.
સ્થાનિક આગેવાનોએ સરખામણી કરતા જણાવ્યું હતું કે, "અમે કોરોનાકાળમાં 45 દિવસ સુધી રોજિંદા 2,000 થી 3,000 લોકોને ભોજન કરાવ્યું હતું, જેનો કુલ ખર્ચ માત્ર 7.45 લાખ રૂપિયા થયો હતો. જ્યારે કોર્પોરેશને માત્ર ત્રણ દિવસના ડિમોલિશન દરમિયાન કરોડોનો ખર્ચ કેવી રીતે કર્યો?" લોકોમાં એવી આશંકા સેવાઈ રહી છે કે આ ડિમોલિશનનું કામ જ માત્ર અધિકારીઓની 'મિજબાની' કરવા માટે કરવામાં આવ્યું હતું.
ડિમોલિશન દરમિયાન હરિસિંહ સુચરીયા, પરસોતમ પીપડીયા, જયેશ ઉપાધ્યાય સહિતના સામાજિક આગેવાનો તથા વિવિધ ગ્રુપોએ સેવાભાવથી પાણી અને ભોજનની વ્યવસ્થા કરી હતી, છતાં સરકારી ચોપડે આટલો મોટો ખર્ચ કેવી રીતે બતાવાયો તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. વધુમાં, 23 તારીખથી વિસ્તારમાં વીજળી ગુલ હોવા છતાં ખર્ચના બિલના આંકડા સાંભળી લોકોમાં ભારે અચરજ અને રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે હવે તપાસની માંગ ઉઠી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગુજરાતના 14 શહેરોમાં ‘ભારત ટેક્સી’ સેવાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, ટેક્સીની વધતી જતી જરૂરિયાત હવે લોકોના ઘર સુધી પહોંચી છે, જેમાં રિક્ષાને પણ ટેક્સીની શ્રેણીમાં ગણી લેવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘ભારત ટેક્સી’ના માધ્યમથી ડ્રાઇવરોને ‘ઝીરો ટકા કમિશન’ અને ‘100 ટકા કમાણી’નો લાભ મળશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે. હાલ રાજ્યમાં 1.5 લાખથી વધુ સારથીઓ આ વ્યવસ્થા સાથે જોડાયા છે, જેનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે, અમે હંમેશા ડ્રાઇવરોને માત્ર ચાલક નહીં, પરંતુ ‘સારથી’ માનીએ છીએ. ગુજરાતીઓ પૈસાનું મહત્વ સમજતા હોવાથી આ સેવા રાજ્યમાં ટેક્સીના વ્યાપ અને વિસ્તારને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ડિમોલિશન બાદ હવે ખર્ચના આંકડાને લઈને નવો વિવાદ સર્જાયો છે. ડિમોલિશનની વીડિયોગ્રાફી અને ડ્રોન શૂટિંગ માટે અંદાજે 22 લાખ રૂપિયાનું તોતિંગ બિલ રજૂ કરવામાં આવતા વહીવટી તંત્રની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આશ્ચર્યની વાત એ છે કે પોલીસ પાસે સરકારી ડ્રોન ઉપલબ્ધ હોવા છતાં ખાનગી એજન્સીની સેવા લેવા પાછળનું કારણ શું તે અંગે તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. અગાઉ કાજુકતરી અને પાણીના બિલ બાદ હવે વીડિયોગ્રાફીના આટલા મોટા ખર્ચે સરકારી નાણાંના દૂરુપયોગના આક્ષેપોને વેગ આપ્યો છે, જેના કારણે આ સમગ્ર પ્રકરણ હવે ચર્ચાનો વિષય બન્યું છે.
રાજકોટના કુવાડવા રોડ પર આવેલા રોહિદાસપરા વિસ્તારમાં 25 જૂનના રોજ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 16 વર્ષીય સગીરે હંકારેલી અર્ટિગા કારે રમી રહેલી બે બાળકીઓને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં 4 વર્ષની જીયાંશી અને તેની બહેનપણી વૈશાલી ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 4 વર્ષની માસૂમ જીયાંશીનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટના અંગે જીયાંશીના પિતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીર કાર ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 106(1) હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાં ડમ્પિંગ સ્ટેશન નજીક આવેલા એક મકાનમાં ચાલતી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં આજે શનિવારે પ્રચંડ વિસ્ફોટ થતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ફેક્ટરી ધરાવતું મકાન પળવારમાં જ જમીનદોસ્ત થઈ ગયું હતું, જેના કાટમાળમાં દબાઈને 6 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા છે. ગીચ રહેણાંક વિસ્તારમાં કોઈપણ લાયસન્સ વિના ધમધમતી આ ગેરકાયદેસર ફેક્ટરીને કારણે વહીવટી તંત્રની કામગીરી અને સુરક્ષા નિયમોના અમલ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) આણંદ SOG ના તત્કાલિન ઇન્ચાર્જ PI બી.એમ. માળીને અમદાવાદ રેન્જ આઇજીપી (IGP) દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગત 6 જૂનના રોજ આણંદ SOG કચેરી ખાતે છેતરપિંડીના કેસમાં તપાસ હેઠળના ખડા ગામના આરોપી જયેશ ઉર્ફે જયેન્દ્ર પટેલે ઝેરી ટીકડી ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા થયા હતા, જેને પગલે તપાસના અંતે આ કાર્યવાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, સસ્પેન્ડ કરાયેલા PI બી.એમ. માળી હાલ LCB ના ઇન્ચાર્જ PI તરીકે ફરજ બજાવતા હતા.




