ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું કે ઇઝરાયેલ અને અમેરિકા બંને ઈરાનની પરમાણુ મહત્વાકાંક્ષા અને મધ્ય પૂર્વમાં તેના હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. રવિવાર (16 ફેબ્રુઆરી, 2025) ના રોજ જેરુસલેમમાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત બાદ નેતન્યાહુએ કહ્યું હતું કે તેમણે ઘણા મુદ્દાઓ પર ખૂબ જ સારી ચર્ચા કરી હતી, જેમાં ઈરાનથી વધુ મહત્વપૂર્ણ કોઈ મુદ્દો નહોતો.
'ઈરાનની આક્રમકતાનો અંત આવવો જોઈએ'.
ઈઝરાયેલ અને અમેરિકા ઈરાની ખતરાનો સામનો કરવા ખભેખભો મિલાવીને ઊભા છે. અમે સહમત થયા કે અયાતુલ્લાઓ પાસે પરમાણુ શસ્ત્રો ન હોવા જોઈએ અને આ ક્ષેત્રમાં ઈરાનની આક્રમકતાનો અંત આવવો જોઈએ તે અંગે સર્વસંમતિ છે.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું, "દરેક આતંકવાદી જૂથ, હિંસાના દરેક કૃત્ય, દરેક અસ્થિર ગતિવિધિ, જે ક્ષેત્રમાં લાખો લોકોની શાંતિ અને સ્થિરતા માટે ખતરો છે, તેની પાછળ ઈરાન છે. નેતન્યાહુએ કહ્યું કે ગાઝામાં હમાસ વિરુદ્ધ યુદ્ધ શરૂ થયા બાદ છેલ્લા 16 મહિનામાં ઈઝરાયેલે ઈરાનને મોટા ઝટકા આપ્યા છે. તેમણે કહ્યું, "ટ્રમ્પના સમર્થનથી, મને કોઈ શંકા નથી કે અમે આ કરી શકીશું અને કરીશું.
'નબળુ હિઝબુલ્લાહ'
ઈઝરાયલના પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહને નબળુ પાડ્યું હતુ અને યહૂદી રાષ્ટ્ર સામે ઈરાન સમર્થિત નવા મોરચાને રોકવા માટે સીરિયામાં અનેક હુમલાઓ કર્યા હતા. મીડિયાના અહેવાલ મુજબ, નેતન્યાહુએ ગાઝામાં ઇઝરાયલની નીતિ માટે રુબિયોના સ્પષ્ટ સમર્થન બદલ તેમનો આભાર માન્યો હતો.





