Home Sports Bcci Orders Shah Rukh Khans Team To Release Mustafizur

શાહરૂખ ખાન માટે મુશ્કેલી! : BCCIએ શાહરૂખ ખાનની ટીમ KKRને બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુરને રિલીઝ કરવાનો આપ્યો આદેશ!

શાહરૂખ ખાન માટે મુશ્કેલી!
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2026, 06:16 AM IST

શાહરૂખ ખાનની IPL ટીમને બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુરને રિલીઝ કરવાનો આદેશ. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને તેની IPL 2026ની ટીમમાંથી રિલીઝ કરવાનો BCCIમાંથી આદેશ મળ્યો છે. BCCIના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, "BCCIએ KKRને તેમના ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવાનો આદેશ આપ્યો છે. જો તેઓ રિપ્લેસમેન્ટ માટે પૂછશે તો તેમને મંજૂરી આપવામાં આવશે."

આ નિર્ણયનું મુખ્ય કારણ બાંગ્લાદેશમાં હિંદુઓ થઈ રહેલી હિંસા છે. છેલ્લા 14 દિવસમાં ત્યાં 3 હિંદુઓની હત્યા થઈ છે અને અનેક ઘટનાઓમાં ઘરોને આગ લગાડવામાં આવી છે. ડિસેમ્બર 2025માં 13 દિવસમાં 13 જેટલી ઘટનાઓ નોંધાઈ છે, જેમાં હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આને કારણે ભારતમાં વિરોધનો માહોલ છે અને રાજકીય નેતાઓએ પણ આ વિશે વાત કરી છે.

શિવસેનાના નેતા સંજય નિરુપમે શાહરૂખ ખાનને અપીલ કરી કે તેઓ મુસ્તફિઝુરને ટીમમાંથી કાઢી નાખે, કારણ કે દેશમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ગુસ્સો છે. વાર્તાકાર દેવકીનંદન ઠાકુરે કહ્યું કે શાહરૂખ ખાને માફી માંગવી જોઈએ અને મુસ્તફિઝુરના 9.2 કરોડ રૂપિયા પીડિત પરિવારોને દાન કરવા જોઈએ. તેમણે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હત્યા અને અત્યાચારનો ઉલ્લેખ કર્યો. BJPના નેતા સંગીત સોમે શાહરૂખને 'ગદ્દાર' કહીને ટીકા કરી અને બાંગ્લાદેશી ખેલાડીઓને IPLમાંથી પ્રતિબંધિત કરવાની માંગ કરી, જેમ કે પાકિસ્તાની ખેલાડીઓને કરવામાં આવ્યા છે.

મુસ્તફિઝુર રહેમાનને અબુ ધાબીમાં થયેલા મિની ઓક્શનમાં KKRએ 9.2 કરોડમાં ખરીદ્યો હતો, જે તેને બાંગ્લાદેશનો સૌથી મોંઘો IPL ખેલાડી બનાવે છે. તે લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર છે અને તેની કટર અને સ્લો બોલ્સ માટે જાણીતો છે. IPLમાં તેણે અત્યાર સુધી 60 મેચ રમી છે, જેમાં 65 વિકેટ લીધી છે. તેનો એવરેજ 28.45 છે, ઈકોનોમી 8.13 અને સ્ટ્રાઈક રેટ 20.98 છે. તેણે 1 વખત 4 વિકેટ અને 7 વખત 3 વિકેટ લીધી છે.

મુસ્તફિઝુરે IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ જેવી ટીમો માટે રમ્યો છે. 2025માં તેણે દિલ્હી કેપિટલ્સ માટે 3 મેચમાં 4 વિકેટ લીધી હતી. તેના આંતરરાષ્ટ્રીય કરિયરમાં તેણે બાંગ્લાદેશ માટે 116 ODIમાં 114 વિકેટ અને 15 ટેસ્ટમાં 25 વિકેટ લીધી છે.

આ વિવાદને કારણે IPL 2026માં બાંગ્લાદેશી ખેલાડીઓની ભાગીદારી પર પ્રશ્નાર્થ છે. IPL 2026ની શરૂઆત 26 માર્ચથી થશે અને ફાઈનલ 31 મેના રોજ રમાશે. KKRને હવે રિપ્લેસમેન્ટનો વિકલ્પ મળ્યો છે જોવાનું રહેશે કે હવે મુસ્તફિઝુરને રિપ્લેસ કોણ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now