Home Gujarat Bca Politics Heats Up Former Star Cricketer Irfan Pathan Lashes Out At Authorities

BCA નું રાજકારણ ગરમાયું : પૂર્વ સ્ટાર ક્રિકેટર ઇરફાન પઠાણનો સત્તાધીશો સામે તીખો બળાપો

BCA નું રાજકારણ ગરમાયું
Published by: OBS Bureau
Last Updated: Feb 14, 2026, 08:14 AM IST

વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસીએશન (BCA)ની આવનારી ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. પૂર્વ ભારતીય સ્ટાર ક્રિકેટર ઇરફાન પઠાણએ જાહેર મંચ પરથી BCA ના સત્તાધીશો સામે તીખો બળાપો ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી BCA નું ક્રિકેટ સ્તર સતત નીચે જઈ રહ્યું છે, જે ચિંતાજનક બાબત છે.

ઇરફાન પઠાણે કહ્યું કે બરોડા ક્રિકેટ એસોસીએશન સાથે તેમની અને તેમના પરિવારની યાદો જોડાયેલી છે. તેમણે ભાવુક શબ્દોમાં જણાવ્યું, “આજે હું જે કંઈ છું એ BCA ના કારણે છું. BCA એ મારા જેવા અનેક ક્રિકેટરોને ઓળખ આપી છે. જો BCA ના હોત તો આજે અમે પણ ના હોત.”

તેમણે વધુમાં કહ્યું કે પોતે એક પણ રૂપિયો લીધા વિના CIC કમિટીમાં સેવા આપી છે, કારણ કે તેમનો હેતુ માત્ર વડોદરાના ક્રિકેટને આગળ વધારવાનો રહ્યો છે. ઇરફાન પઠાણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ક્રિકેટના સ્તરને ઉપર લાવવા માટે સારા અને અનુભવી લોકોની નિમણૂક અનિવાર્ય છે, પરંતુ હાલ સ્થિતિ એવી છે કે એક પણ ખેલાડી આગળ વધી રહ્યો નથી.

BCA ની હાલની વ્યવસ્થાપન પર ટીકા કરતા તેમણે જણાવ્યું કે ચેરમેન અને સિલેક્ટર બિનઅનુભવી હોવાથી તેઓ અન્યના ઈશારે કામ કરે છે. “બિનઅનુભવી લોકોને કંટ્રોલ કરવું સહેલું હોય છે,” એમ કહી તેમણે ગંભીર આરોપો લગાવ્યા. તેમણે ઉમેર્યું કે વડોદરાના અનેક કોચને અહીં યોગ્ય સન્માન મળતું નથી, જેના કારણે તેઓ વડોદરા છોડીને અફઘાનિસ્તાન જેવા દેશોમાં કોચિંગ આપવા જાય છે, જ્યાં તેમને સન્માન મળે છે.

ઇરફાન પઠાણે આક્ષેપ કર્યો કે અહીં સત્તાધીશોને સલામ કરનારાઓને જ કામ મળે છે, જે વડોદરાના ક્રિકેટ માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે. અંતમાં તેમણે જણાવ્યું કે વડોદરાના ક્રિકેટને ફરી ગૌરવના માર્ગે લઈ જવા માટે પરિવર્તન જરૂરી છે. 15 તારીખે યોજાનારી ચૂંટણીમાં સભ્યોને સમજદારીપૂર્વક મતદાન કરવાની અપીલ કરતા તેમણે કહ્યું કે આ ચૂંટણી વડોદરાના ક્રિકેટનું ભવિષ્ય નક્કી કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now